સવા શેર : ૦૯ : પરદો – બરકત વિરાણી ‘બેફામ’
તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,
ને પરદા પર હું ચહેરો ચીતરું છું.
– બરકત વિરાણી ‘બેફામ’
સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક છે. પ્રિયજન, પ્રકૃતિ અને પરમેશ્વરના સૌંદર્યનું ગાન વિશ્વભરની કવિતાને શરૂથી જ ખૂબ માફક આવ્યું છે. જો કે સૌંદર્યની કવિતામાં પણ કવિતાનું સૌંદર્ય તો હોવું જ ઘટે. એ વિના તો રચના સૌંદર્યવર્ણન કરતો નિબંધ બનીને જ રહી જાય. બેફામ આમ તો પરંપરાના શાયર પણ કવિતાને પરંપરા કે આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નહીં. આ વાડા તો ઈશ્વર-અલ્લાહ-ગોડની જેમ આપણે આપણી અનુકૂળતા માટે સર્જ્યા છે. બેફામનો આ શેર આધુનિકને પણ જૂનો કહેવડાવે એટલો આધુનિક છે.
બેફામના સમયગાળામાં પરદાપ્રથા હિંદુ સ્ત્રીઓમાંથી હજી ગઈ નહોતી, અને મુસ્લિમ સ્ત્રીઓમાં તો સવાલ જ ઊઠતો નહોતો. અજાણ્યા શખ્સ સામે બુરખો લગભગ ફરજીયાત હતો. નાયકની ઉપસ્થિતિમાં નાયિકાએ પોતાના ચહેરા ઉપર પરદો ધરી દીધો છે. શિસ્ત ગુજરાતીમાં આમ તો ‘પરદો કરવો’ પ્રયોગ ‘પરદો ધરવો’ કરતાં વધુ યોગ્ય ગણાય પણ મુસલમાન કોમનું ગુજરાતી આજે પણ પ્રશિસ્ત ગુજરાતી ધારા સાથે દૂધમાં સાકરની જેમ ભળી શક્યું નથી એટલે કવિએ પ્રયોજેલ ક્રિયાપદને નિર્વાહ્ય ગણીએ. આમેય, કવિતા નિજાનંદ માટેની કળા છે, ગણિતનો પ્રમેય નથી, જેને તબક્કાવાર અને તર્કબદ્ધ રીતે જ ઉકેલવો પડે.
સનમે ચહેરા ઉપર પરદો ધરી દઈને પોતાનું સૌંદર્ય છૂપાવી દીધું છે. પણ નાયકને તો એ સૌંદર્યની જ આરત છે ને! પ્રીતિને આવરણો સાથે સંબંધ કાંઈએ નથી. આવરણ ન હોય તો તો સૌંદર્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે. સાચો પ્રેમી તો એ જ જેને દુનિયાભરના આવરણ નડી ન શકે. નાયિકાએ પરદો કરીને ચહેરો ઢાંકી દીધો તો નાયક પરદા ઉપર જ એનો ચહેરો ચીતરી રહ્યો છે. મતલબ, ચર્મચક્ષુ માટે જે સૌંદર્ય પરદાપાછળ ગોપિત છે, એને નાયક મનઃચક્ષુ વડે નિરખી રહ્યો છે, ચાક્ષુષ કરી રહ્યો છે. વાત સામાન્ય છે, પણ કલ્પનાની શક્તિ અને નજાકત –બંનેનું સૌંદર્ય શેરને સવાશેર બનાવે છે. નાયકે પ્રેમ કર્યો છે, પણ પરદો હટાવી લેવાની કે હટાવવાની વિનંતી કે આગ્રહ કરવા જેટલીય ગુસ્તાખી એ કરવા નથી ઇચ્છતો. એ નાયિકની પરદાદારીનું સંપૂર્ણ માન જાળવે છે. અને સાથોસાથ નાયિકાના મુખદર્શનની પોતાની તલબને અંજામ પણ આપે છે.
સૌંદર્યાનુરાગિતાની વાતને કવિએ જે સૌંદર્યથી રજૂ કરી છે એની જ ખરી મજા છે. કેટલાક શેર એવા હોય છે જેની પાસે બે ઘડી થોભવા જેટલી ધીરજ ધરો તો એ પરદો ઊઘાડીને મુખદર્શન અને સુખદર્શન બને આપશે. આ શેર એવો જ એક શેર છે. આવો. થોભો. અને શેર આપોઆપ ઉઘડે એટલી રાહ જુઓ.
pragnajuvyas said,
May 11, 2023 @ 9:07 PM
કવિશ્રી બરકત વિરાણી ‘બેફામ’ના સવાશેર અને કવિ ડૉ વિવેકના સવાયા આસ્વાદે શેર આપોઆપ ઉઘડતા…સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક પરમેશ્વરના સૌંદર્યનું ગાનમા મા ડૉ હૅગડે ભગવાનના ચહેરા પરના પડદા પર ચહેરો ચીતરતા કહે ભગવાનનો ચહેરો જોનાર કોઈ છે? વૈજ્ઞાનિકોએ ખૂબ જ ખાતરીપૂર્વક પૂર્વધારણાને ‘ભગવાનનો ચહેરો’ તરીકે ઉપનામ આપ્યું છે. તો ક્રિસ્ટીના રોસેટી માને છે પવન કોણે જોયો છે? પરંતુ જ્યારે પાંદડા ધ્રૂજતા અટકે છે,પવન પસાર થઈ રહ્યો છે.ભગવાનનો ચહેરો અનુભવવાનો છે.
આપણા કવિઓએ તો ઘણા શેર લખ્યા છે. આ ગમતા–
ખુદા કે વાસ્તે પર્દા ના કાબે સે ઉઠા જાલિમ,
કહીં ઐસા ન હો યહાં ભી વહી કાફિર સનમ નીકલે ગાલિબ સાહેબ
ભરમ તેરી વફાઓં કા મિટા દેતે તો ક્યા હોતા
તેરે ચેહરે સે હમ પર્દા ઉઠા દેતે તો ક્યા હોતા સાહિર લુધિયાનવીુ
बे-पर्दा कल जो आईं नज़र चंद बीबियाँ
‘अकबर’ ज़मीं में ग़ैरत-ए-क़ौमी से गड़ गया
पूछा जो मैं ने आप का पर्दा वो क्या हुआ
कहने लगीं कि अक़्ल पे मर्दों के पड़ गया અકબર અલાહાબાદી
મનમા ગુંજેhttps://youtu.be/Y3rVtm70ZHg