હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

(તમે બેવફા નથી) – મરીઝ

દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી,
આ એવી ‘હા’ છે, જેમાં તમારીય ‘ના’ નથી.

સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.

માંગુ છું એવું કંઈ કે કરે એ વિચારણા,
જલદી કબૂલ થાય એ મારી દુઆ નથી.

લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે?
લાગે છે કોઈવાર કશામાં મજા નથી.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

સારું છે તારું રૂપ છવાયું છે ચોતરફ,
મારી નજરને ક્યાંય કશી સ્થિરતા નથી.

એમાં કશી ફરજ ન સમજની જરૂર છે,
જ્યાં ઓ ‘મરીઝ’ દર્દ નથી, એકતા નથી.

– મરીઝ

મરીઝની ગઝલો એટલે લપસણી સરળતા. હળવાશથી લેવા જતાં શેરનો મર્મ જ હાથથી છટકી જાય એવું બને. પ્રસ્તુત ગઝલનો મત્લા જરા ચકાસો. પ્રેમનો દાવો કરીએ તો બનવાજોગ છે કે પ્રિયતમા ના કહીને પ્રસ્તાવ ઠુકરાવે. પ્રેમના પ્રસ્તાવનો જવાબ ક્યાં તો ‘હા’માં મળે અથવા ‘ના’માં મળે. પણ મરીઝનો તો મુદ્દો જ અલગ છે. પ્રેમનો દાવો કરીએ તો ‘ના’ સાંભળવાનું જોખમ રહે ને? એ કહે છે કે હું પ્રેમનો દાવો કરું તો એનો કંઈને કંઈ બદલો તો મળવાનો જ છે. પ્રેમિકા પ્રેમના દાવાને તો નકારી શકે પણ પ્રેમીના દાવાના બદલામાં પોતે કંઈક તો કહેશે જ એવી પ્રેમીની દલીલમાં તો એણે પણ હામી જ ભરવી પડે છે… છે ને મજાની વાત!

6 Comments »

  1. Bharati gada said,

    April 14, 2023 @ 10:47 AM

    વાહ ખૂબ સુંદર મરીઝની શ્રેષ્ઠ ગઝલનો ખૂબ સરસ આસ્વાદ 👌👌

  2. Varij Luhar said,

    April 14, 2023 @ 10:47 AM

    તમારીય ના નથી…. વાહ

  3. DILIPKUMAR CHAVDA said,

    April 14, 2023 @ 11:21 AM

    મરીઝ સાહેબ એટલે મરીઝ સાહેબ

    આટલી સરળતામાં આટલી ઊંડી વિદ્વતા
    આ માત્ર મરીઝ સાહેબ જ કરી શકે..

  4. pragnajuvyas said,

    April 14, 2023 @ 7:59 PM

    મરીઝની મજાની ગઝલ
    ડૉ. વિવેકનો સ રસ આસ્વાદ
    સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
    ચાલો મને કબૂલ તમે બેવફા નથી.
    વાહ્
    યાદ આવે
    તમે આવો છો એવા વેગથી,દરિયો છલકાઈ જાય છે. …
    એ સુંદર દલીલ છે; ચાલો મને કબૂલ તમે બેવફા નથી.

  5. Ketan patel said,

    April 15, 2023 @ 3:34 PM

    લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે?
    લાગે છે કોઈવાર કશામાં મજા નથી.

    જિંદગીને મન ભરીને માણી હોય, એક પ્રકારની પ્રબુદ્ધતા કેળવી લીધી હોય, સુખ-દુઃખ કશું સતાવી શકે નહીં એ અવસ્થાએ હોય, બધું જાણે પોતાનાં નેજાં હેઠળ જ છે એવી અનુભૂતિ થતી હોય, કોઈને વિસાતમાં ના લેતાં હોય… ને અચાનક જ સઘળું નિરર્થક લાગવાં માંડે, પોતાનાં હોવાપણાની આશંકા થવા લાગે, જીવનમાં એક રિક્તતા હાવી થઈ જાય એ અહેસાસ કેવા સરળ શબ્દોમાં!

  6. Poonam said,

    April 16, 2023 @ 10:49 AM

    સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
    ચાલો મને કબૂલ તમે બેવફા નથી…
    – મરીઝ – 👌🏻 matla to kya baat !

    Aaswad sa ras sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment