ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર
– સ્વાતિ નાયક

(અટવાય છે) – હિમલ પંડ્યા

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.

તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશાં થાય છે.

કોણ જાણે શું હવે દઈને જશે?
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે.

આંસુઓએ બેધડક પૂછી લીધું-
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે.

હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.

– હિમલ પંડ્યા

આમ તો આખી ગઝલ આસ્વાદ્ય છે, પણ મારે મત્લા વિશે જ વાત કરવી છે:

કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે.

4 Comments »

  1. pragnajuvyas said,

    June 1, 2023 @ 7:02 AM

    કવિશ્રી હિમલ પંડ્યા ‘પાર્થ’ની સુંદરઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ મત્લાની વાતે
    શબ્દ પાસેથી કાંઈ પામવું નથી, તો પછી શા માટે શબ્દ સુધી જવું કે આસપાસ ફરકવા દેવો? એનું આ કર્મણી રૂપ કે ચૈતસિક અવબોધન સાવ નકામું? આવો પ્રશ્ન થાય ત્યારે સમજાય કે સાવ આવું તો નથી. આ શા માટે? કે શું કામ? એવો પ્રશ્ન થવો એ મનની ચંચળતા છે. શબ્દની પારબ્રાહ્મિક સ્થિતિને એ પ્રયોજાય કે ના પ્રયોજાય એનાથી પણ કોઈ ફેર પડતો નથી. આપણી ચેતનાના વિવિધ સ્તર પર ઊઠતા આ ખ્યાલ, એક ભ્રમ માત્ર છે. શબ્દ સ્થિર છે, એક સ્થિતિ છે. એને પ્રમાણવા, પ્રયોજવા કે પામવાની આપણી માનસિક અસ્થિરતા સાથે એ સંક્રમણ રચે છે, અને એને કારણે ઉદ્ભવતી મનની હાલકડોલક સ્થિતિ આ પ્રશ્નોની જનેતા છે. આવું નરાતાળ સત્ય લાધ્યું અને સાથે જ પરમ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ–સાથે આખી રચના માણીએ.અને મક્તા વાતે યાદ આવે…
    કેટલીક વ્યક્તિઓની હાજરી માત્રથી ઘરની તેમજ પ્રસંગની રોનક વધી જતી હોય છે. એમના વાણી-વર્તન અને વ્યવહારમાં એમનો સ્વભાવ છલકતો હોય છે. કેટલાક માણસોમાં સાહસ પ્રામાણિકતા, નીડરતાની સાથોસાથ અદ્ભૂત ચૂંબકિય વ્યક્તિત્વ હોય છે જે બીજા માટે પ્રેરણાદાયી બને. ઉંમર અને અવસ્થાને ભૂલી જઈને કેટલાક વ્યક્ત્વિો જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મશીલ રહેતા હોય છે.
    ડૉ વિવેકજીની વાત-‘ આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. –વિચારવમળે
    Yes, you can use the adjective handsome for women. While handsome is more often used for men, women can also be called handsome. When a woman is described as handsome, it suggests that she is very good-looking, and also healthy and strong. Handsome is less likely to be used to describe a woman who is petite or delicate.

  2. kusum kundaria said,

    June 1, 2023 @ 12:21 PM

    વાહ ખૂબ સરસ ગઝલ

  3. DILIPKUMAR CHAVDA said,

    June 1, 2023 @ 1:35 PM

    મજાની ગઝલ
    સરળ ભાષામાં આટલી ઉમદા ગઝલ વાહ હિમલ સર મજા કરાવી દીધી..

    આસ્વાદ 👌👌👌👌

  4. Poonam said,

    June 9, 2023 @ 8:38 PM

    અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
    શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે. Uffh!
    – હિમલ પંડ્યા –
    Aaswad sundar sir ji 👍🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment