કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વિવેક મનહર ટેલર

તમારી આંખમાંથી – બરકત વિરાણી ‘બેફામ’

તમારી આંખમાંથી છો ને છલકાઈ રહ્યો છું હું,
પરંતુ મારા જીવનમાં તો સૂકાઈ રહ્યો છું હું.

હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું.

કોઈ ગોતે મને તો પગલે પગલે હું જડી આવું,
કંઈક એ રીતે પગલે પગલે ખોવાઈ રહ્યો છું હું.

બને તેા ઘા નવા મારા ઉપર કરશો નહીં કોઈ,
હજી જૂના પ્રહારોથી જ પીડાઈ રહ્યો છું હું.

છે એ પણ દુ:ખ કે નીકળવું પડયું મારે ફૂલોમાંથી,
છે એ પણ સુખ કે ખુશ્બૂ જેમ ફેલાઈ રહ્યો છું હું.

ભલે બાંધું છું માળા બાગમાં, પણ છે દશા એવી,
તણખલાં એકઠાં કરવામાં પીખાઈ રહ્યો છું હું.

કર્યાં છીદ્રો સિતારાનાં, ગગનમાં તમને જોવાને,
જરા એ તો જુઓ – કયાં કયાંથી ડોકાઈ રહ્યો છું હું.

ખુદા! મારી પ્રગટતાનું છે કારણ ગુપ્તતા તારી,
તું દેખાતો નથી એથી જ દેખાઈ રહ્યો છું હું.

જીવન કર્તવ્ય માટે છે, હૃદય છે ભાવના માટે,
જગતની ને તમારી વચ્ચે વહેંચાઈ રહ્યો છું હું.

અરે આ મારી નિર્જીવતાય ઘરની શોભા જેવી છે,
જુઓ ભીતે છબી રૂપે ટીંગાડાઈ રહ્યો છું હું.

કફનનું આ નવું નક્કોર કપડુ તો જુઓ બેફામ,
જવાને સ્વર્ગમાં કેવો સજાવાઈ રહ્યો છું હું.

– બરકત વિરાણી ‘બેફામ’

અગિયાર શેરની ગઝલ, પણ લગભગ બધા જ શેર દમદાર. કોઈ પોતાને શોધવા નીકળે તો પગલે પગલે પોતાને પામી શકે એ નેમથી પગલે પગલે પોતાની જાતને ખોતા જવાની વાત કરતો શેર તો ઉત્તમ અને ખાસ્સો અર્થગહન છે. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓને પ્રિયજનને જોવા માટે કરેલ છીદ્રોની ઉપમા આપતો શેર તો આધુનિક ગઝલનેય જૂની કહેવડાવે એવો મજાનો થયો છે.

15 Comments »

  1. pragnajuvyas said,

    May 25, 2023 @ 9:07 PM

    કવિશ્રી બરકત વિરાણી ‘બેફામ’ એકદમ સરળ ભાષામાં અદભુત અર્થગહન શેરો નિપજાવી શક્યા છે. આખેઆખી રચના જ સંઘેડાઉતાર થઈ .
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  2. ગઝલપ્રેમી said,

    May 25, 2023 @ 10:30 PM

    મક્તાના શેર પર કુરબાન!
    વાહવાહ!

  3. Bharati gada said,

    May 26, 2023 @ 2:15 PM

    ખૂબ સુંદર આખી ગઝલ 👌👌

  4. રિયાઝ લાંગડા (મહુવા). said,

    May 26, 2023 @ 2:16 PM

    Waah….👌

  5. Jafar Mansuri said,

    May 26, 2023 @ 3:58 PM

    Bahot khub

  6. Aasifkhan aasir said,

    May 26, 2023 @ 4:19 PM

    વાહ વાહ
    બેફામ….

  7. આશિષ ફણાવાલા said,

    May 26, 2023 @ 5:33 PM

    જોરદાર…!!!

  8. Varij Luhar said,

    May 26, 2023 @ 5:52 PM

    વાહ.. સરસ ગઝલ

  9. Hiren said,

    May 26, 2023 @ 6:29 PM

    વાઆઆહ.

    પગલે પગલે વાળો શેર લાજવાબ

  10. શ્રીદેવી શાહ said,

    May 27, 2023 @ 6:16 AM

    અદ્ભુત

  11. નવીન સી ચતુર્વેદી said,

    May 30, 2023 @ 6:38 PM

    ખરેખર ખૂબ સારી ગઝલ . અનેક શેર પ્રભાવિત કરે છે . જય શ્રી કૃષ્ણ.

    નવીન સી ચતુર્વેદી
    વ્રજ ગઝલ પ્રવર્તક અને બહુભાષી શાયર

  12. Poonam said,

    June 9, 2023 @ 8:20 PM

    Befhaam Saheb… ni Pasandida Ghazal 👍🏻
    Aasawad 👌🏻

  13. Shilpa goswami said,

    July 1, 2023 @ 10:40 AM

    સુંદર ગીત અને ઉત્તમ આસ્વાદ કવિ અને આસ્વાદક ને અભિનંદન

  14. Shilpa goswami said,

    July 1, 2023 @ 10:44 AM

    સુંદર ગીત અને ઉત્તમ આસ્વાદ કવિ અને આસ્વાદકne

  15. Shilpa goswami said,

    July 1, 2023 @ 10:48 AM

    સુંદર ગીત અને ઉત્તમ આસ્વાદ કવિ અને આસ્વાદક શુભેચ્છાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment