સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
October 7, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાજેન્દ્ર શુક્લ
ક્યાંક પડ્યો વરસાદ,
. નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
. નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
. નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
. નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
. નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
. નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
. નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
. નદીમાં પૂર આવિયાં.
– રાજેન્દ્ર શુક્લ
મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.
નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…
Permalink
October 6, 2022 at 11:01 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં
અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.
અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.
અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી
તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં
– અનિલ જોશી
જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!
પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.
Permalink
October 5, 2022 at 11:53 AM by તીર્થેશ · Filed under ગીત, ચંદ્રકાન્ત શાહ
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
– ચંદ્રકાન્ત શાહ
એકદમ અલગ તરહનું ગીત…..
“હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો……..” – વાહ !! એકલતાનો રોજ નવો એક કિલ્લો !!
Permalink
October 4, 2022 at 10:36 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !
જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.
ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.
એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.
તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.
પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.
કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.
– હરીન્દ્ર દવે
લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…
Permalink
October 1, 2022 at 11:24 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ
ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ
તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ
શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ
દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ
ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ
– સંજુ વાળા
પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…
Permalink
September 30, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!
– પ્રતિષ્ઠા પંડ્યા
ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?
Permalink
September 29, 2022 at 11:00 AM by વિવેક · Filed under ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’, હાઈકુ
હાથ ઝાલીને
અંધારનો, ઊતર્યો
ઘરમાં ચંદ્ર.
અમાસી રાતે
અંધારું ટોળે વળી
આગિયા શોધે.
જળ જીવંત
પનિહારીના સ્પર્શે
તળાવકાંઠે.
નિર્જન પથ
યુગોથી ચાલ્યા કરે
એકલપંડે.
બંધ બારણે
આવીને પાછા જાય
જૂના ચપ્પલ.
પવન દોડ્યો
બજારે છત્રી લેવા
વરસાદમાં.
છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.
– ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’
લયસ્તરોના આંગણે કવિના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.
સંગ્રહમાંથી ગમી ગયેલ કેટલાક હાઇકુ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. પહેલા હાઇકુ વિશે બે’ક શબ્દો: રોજબરોજની કોઠે પડી ગયેલી ઘટનાઓ, જેની આપણે નોંધ લેવાનું પણ છોડી દીધું હોય, એને દર સવારે પુષ્પની પાંદડી પર પ્રગટ થતા ઝાકળની કુમાશ અને તાજગી દઈ નવોન્મેષ કરાવી આપણી સમક્ષ રજૂ કરે એ કવિતા. રાતના અંધારામાં ચાંદની બારીમાંથી ઘરમાં પ્રવેશે એ એટલું સાહજિક અને કાયમી હોય છે, કે ભાગ્યે જ કોઈ એના પર ધ્યાન આપતું હોય છે. આવી સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ ઘટનાને હાઇલાઇટ કરી નવો ઓપ આપે એ જ સારી કવિતા. જુઓ, કવિ શું કહે છે તે… કોઈનો હાથ પકડીને કોઈ ઘરમાં ઊતરી આવતું ન હોય એ રીતે કવિ ચાંદનીને નહીં, સાક્ષાત્ ચંદ્રને અંધારાનો હાથ પકડીને ઘરમાં ઊતરતો જુએ છે. આટલો સજીવ સજીવારોપણ અલંકાર ઓછો જ પ્રયોજાયેલ જોવા મળે છે.
Permalink
September 28, 2022 at 7:40 PM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, હરીન્દ્ર દવે
શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.
વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !
પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !
મારું આખું ગગન એક એ પાંદડું.
– હરીન્દ્ર દવે
ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –
” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”
આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…
Permalink
September 24, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી
ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી
અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી
પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી
– હનીફ સાહિલ
ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.
Permalink
September 23, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યોગેશ પંડ્યા
તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!
મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ
વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…
તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?
રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….
રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?
અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…
– યોગેશ પંડ્યા
રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.
રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’
કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!
ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….
Permalink
September 22, 2022 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.
નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.
પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.
ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.
બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.
કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.
– ભરત વિંઝુડા
કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…
જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?
Permalink
September 19, 2022 at 11:34 AM by તીર્થેશ · Filed under ગીત, નીતિન વડગામા
લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.
મ્હોરતાં ફોરતાંને પળમાં આસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?
સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.
-નીતિન વડગામા
” ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…..”
Permalink
September 17, 2022 at 10:58 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.
એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.
એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!
બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.
ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.
જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!
– હરીશ ઠક્કર
માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…
Permalink
September 16, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.
ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.
કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
– સંદીપ પૂજારા
પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.
Permalink
September 15, 2022 at 10:55 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા
અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા
ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?
આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા
ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:
“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.
“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”
(આસ્વાદ: મિલિન્દ ગઢવી)
Permalink
September 14, 2022 at 6:01 PM by તીર્થેશ · Filed under ગીત, રાજેન્દ્ર શુક્લ
અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.
બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.
તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી
અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.
– રાજેન્દ્ર શુક્લ
કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..
Permalink
September 10, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.
આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.
લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.
પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.
– દલપત પઢિયાર
ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.
સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.
સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.
Permalink
September 9, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બરબાદ જૂનાગઢી
દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.
ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.
મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.
જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.
‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.
જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.
Permalink
September 8, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મધુસૂદન પટેલ 'મધુ'
દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.
ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.
પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.
ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.
– મધુસૂદન પટેલ ‘મધુ’
સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!
બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.
બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!
ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…
Permalink
September 7, 2022 at 11:42 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……
– વિનોદ જોષી
એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!
Permalink
September 7, 2022 at 10:52 AM by તીર્થેશ · Filed under ગીત, હર્ષદ ત્રિવેદી
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોય અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ !
સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કે દરિયો નથી કે ભાન ભુલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
હર્ષદ ત્રિવેદી
આવાં સરસ મજાનાં ગીતોની ખોટ સાલે છે ! છેલ્લી પંક્તિ તો જુઓ ! કેવી ઘેરી વેદના….
Permalink
September 4, 2022 at 11:37 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.
બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.
હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.
કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.
વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?
– હર્ષા દવે.
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…
ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં–
“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”
*
ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.
Permalink
September 3, 2022 at 12:00 PM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..
એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!
એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!
– નેહા પુરોહિત
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!
*
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..
Permalink
September 2, 2022 at 11:59 AM by વિવેક · Filed under ગીત, જિજ્ઞા ત્રિવેદી
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!
તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,
મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,
સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!
મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,
ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,
સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !
– જિજ્ઞા ત્રિવેદી
એક સરસ મજાના ગીત સાથે લયસ્તરો પર આજે કવયિત્રીના ગીતસંગ્રહ ‘જળના હસ્તાક્ષર’નું સહૃદય સ્વાગત કરીએ…
વાત તો છે ગમતી વ્યક્તિના સ્મરણની પણ બહુ ગમતું જણ કેવળ યાદ જ મોકલાવ્યે રાખતું હોય તો પાંપણો ભીની થવી સ્વાભાવિક છે. ક્યારેક આ સ્મરણ ધોધમાર વરસે છે તો ક્યારેક ફોરે-ફોરે! સ્મરણના વરસાદમાં ભીંજાતી પ્રોષિતભર્તૃકાની બીજી ખેવના સાજન પોતે જ વરસે એ છે. સ્મરણ તો ઠીક, મનનો માણીગર સ્વયં વરસે તો કેવો રોમાંચ થાય, નહીં! (અહીં ભાષા થોડી કઠે છે. રોમાંચિત વિશેષણમાં જ રોમ-રોમ હર્ષણ અનુભવતા હોવાની વાત સમાવિષ્ટ છે એટલે રોમરોમ રોમાંચિત કહેવામાં અંજળપાણી જેવો ભાષાપ્રયોગ થયો અનુભવાય છે. આ સિવાય અહીં કવયિત્રીએ હૃદયના રોમરોમની વાત કરી છે, એય યોગ્ય જણાતું નથી.) બીજા બંધમાં સહેજ લયભંગ છે પણ આ બે’ક ત્રુટિઓને બાદ કરતાં સરવાળે ગીત આસ્વાદ્ય થયું છે…
Permalink
September 1, 2022 at 11:14 AM by વિવેક · Filed under અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘, ગઝલ
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.
જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.
માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.
Permalink
August 31, 2022 at 7:49 PM by તીર્થેશ · Filed under અમૃતા પ્રીતમ, આઝાદ નઝમ
यह आग की बात है
तूने यह बात सुनाई है
यह ज़िंदगी की वो ही सिगरेट है
जो तूने कभी सुलगाई थी
चिंगारी तूने दे थी
यह दिल सदा जलता रहा
वक़्त कलम पकड़ कर
कोई हिसाब लिखता रहा
चौदह मिनिट हुए हैं
इसका ख़ाता देखो
चौदह साल ही हैं
इस कलम से पूछो
मेरे इस जिस्म में
तेरा साँस चलता रहा
धरती गवाही देगी
धुआं निकलता रहा
उमर की सिगरेट जल गयी
मेरे इश्के की महक
कुछ तेरी साँसों में
कुछ हवा में मिल गयी,
देखो यह आखरी टुकड़ा है
ऊँगलीयों में से छोड़ दो
कही मेरे इश्कुए की आँच
तुम्हारी ऊँगली ना छू ले
ज़िंदगी का अब गम नही
इस आग को संभाल ले
तेरे हाथ की खेर मांगती हूँ
अब और सिगरेट जला ले !!
– अमृता प्रीतम
અમ્રુતાજીનો આજે જન્મદિન….તેઓના નામ સાથે ઘણાંબધાં “ભારતના પ્રથમ” જોડાયેલા છે – જેમ કે ભારતના પ્રથમ મહિલા જેમણે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો, પ્રથમ મહિલા જેના ૧૦૦ થી વધુ પ્રકાશન હોય…..વગેરે. તેઓની કલમની મજબૂતી કોઈ કોમેન્ટની મહોતાજ હોઈ જ ન શકે…
કાવ્ય સરળ છે – હ્રદયસ્પર્શી છે…
Permalink
August 31, 2022 at 1:45 PM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..
આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…
પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…
ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…
– કૃષ્ણ દવે
મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..
યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “
Permalink
August 27, 2022 at 11:11 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0
વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0
જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0
ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0
તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0
– વેણીભાઈ પુરોહિત
રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…
Permalink
August 26, 2022 at 11:25 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રશેખર પંડ્યા
કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…
હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…
લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…
જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…
– ચંદ્રશેખર પંડ્યા
મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…
Permalink
August 25, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જતીન્દ્ર આચાર્ય
ફટ્ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી ત્યાં તો ખેંચી જળમાં ઊંડા!
. ફટ્ રે.
જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંદોલે હીંચકા લેતાં હૈયે આવે હીંક,
તોય તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક,
કીધાં કેવાં કામણ કૂડાં !
. ફટ્ રે.
વાહ! ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો શાનાં જળની વાતો!
નેહના સાગર નેણાં નીરખ્યા એની ભરતી આ તો;
પરવશ અંગેઅંગ કરીને કીધ મને તણાતો.
નીકળશો શું સાવ કોરાં દે?
વાહ ગોરાં દે!
– જતીન્દ્ર આચાર્ય
પ્રથમ પ્રેમની સહિયારી અનુભૂતિનું યુગલગાન. કવિએ કઈ ઊક્તિ કોની છે એવો કશોય ફોડ પાડ્યો ન હોવા છતાં ઉભય વચ્ચેનો સંવાદ તરત સમજાઈ જાય એવો સહજસાધ્ય થયો છે. નાયિકાની મીઠી ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. થોડો સહેવાસ માણવા સંગાથ કર્યો એટલામાં નાયક મગર શિકારને જળમાં ઊંડે તાણી જાય એમ નાયકે નાયિકાને પ્રેમમાં સાવ ગરકાવ જ કરી દીધી. પ્રેમની અનુભૂતિ સાવ પહેલવારુકી જ હોવાથી નાયિકા એનાથી સાવ અજાણ છે, અને માર્ગમાં કઈ-કઈ તકલીફોનો સામનો કરવાનો થશે એ વાતથીય તદ્દન અનભિજ્ઞ છે. પ્રેમના હીંચકે પૂરજોશથી હિંચકતાં ડર તો લાગે છે, પણ હીંચકા પરથી ઊતરી જવામાંય બીક લાગે છે. પ્રેમનાં તો કામણ જ એવાં કૂડાં… ખાંડણિયામાં માથું ને દે રામ, બસ!
નાયક વળતા જવાબમાં ફરિયાદને રદિયો આપતાં કહે છે કે વાહ જી વાહ! આપ તો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી વાત કરો છો. હું તો સાત-સાત જનમથી રણ જેવો સુક્કોભઠ્ઠ માણસ… પ્રેમથી સદૈવ વંચિત રહેલ. આ પ્રેમજળ અને એમાં ડૂબાડવાની આખી વાત જ ખોટી છે. આપની પ્રેમસાગર જેવા આંખોને લઈને જ આ ભરતી, આ આવેગ જન્મ્યાં છે. હું આપને શું ડૂબાડું, આપે જ મને અંગેઅંગ પરવશ કરી આ પ્રેમસાગરમાં તણાતો કરી દીધો છે. મને પ્રેમમાં ડૂબાડી દઈને આપ શું સાવ કોરાં નીકળશો? વાહ ગોરાં દે! વાહ!
કેવું મજાનું ગીત!
Permalink
August 20, 2022 at 3:14 PM by વિવેક · Filed under ગીત, વિવેક મનહર ટેલર

*
(બેવડા પ્રાસયુક્ત રચના)
ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…
ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?
એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)
લયસ્તરોના વાચક-ભાવકવૃંદને જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં… ગઈકાલે તો સૉશ્યલ મિડીયાના ખૂણેખૂણા કૃષ્ણરંગે રંગાયેલા હતા એટલે આપણે જરા મોડેથી ઊજવણી કરીએ…
કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવ -બંનેની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. એક કૃષ્ણ માટે તેડું લઈ આવ્યા હતા, તો એક એને ભૂલી જવાનું કહેણ દેવા આવ્યા હતા. બાળકૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા હતા. અક્રૂર કૃષ્ણને પોતાની સાથે મથુરા લઈ આવ્યા. પાછળથી ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા, કારણ કે એ પોતે તો કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…
Permalink
August 18, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દિલીપ જોશી
મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!
મોજાં ને મારા વિરહની સમાનતામાં —
— માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા —
— સેવવાં સહસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
ને હોડી હલેસાંઓ ઘેર છે…
પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઈને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
ને મારામાં ફાગણની લહેર છે.
– દિલીપ જોશી
સરખામણી કરવા બેસે તો કવિતા કોઈ સરહદને ન ગાંઠે. મારા અને દરિયામાં આટલો જ ફેર છે એમ કહીને કવિ હકીકતે તો પોતાનામાં અને દરિયામાં એક બાબતને બાદ કરતાં કોઈ કરતાં કોઈ ફરક નથી એમ જ કહેવા માંગે છે. દરિયો સૂકાય તો રણ બની જાય અને કવિ સૂકાય તો શહેર બની જાય એ અતિશયોક્તિ અલંકારમાય ખરું પૂછો તો કવિને સરખામણી કરવા કરતાં શહેરની લાગણીશૂન્યતા ઉપર કુઠારાઘાત કરવાની જ નેમ જણાય છે.
દરેકને પોતાનો વિરહ અમૂલ્ય જણાય છે. વિરહમાં વહેતાં આંસુઓ વિરહીજનને મોતી જેવાં કિંમતી જ લાગે. પણ સપનાં આખર સપનાં છે. કોઈ ઈચ્છા ફળીભૂત થવાની શરતે જન્મતી નથી હોતી. વિરહ મિલનમાં પલોટાવાનું સપનું છેવટે તો ખંખેરી નાંખવાનું જ રહે છે. અને વિરહના સાગરમાં તરવા માટે આપણી પાસે કોઈ હોડી- હલેસાં પણ ક્યાં હોય જ છે? એમાં તો ડૂબ્યે જ છૂટકો.
આખરી બંધમાં જો કે કવિનો કેમેરા દરિયો છોડીને ઋતુ અને ફૂલો તરફ વળે છે એ બહુ ઉચિત ન લાગ્યું. વિરહાસિક્ત કવિ પાસે જાત સિવાય એવું કશું નથી જે ખાનગી હોય. કવિની લાગણીઓ પણ સૌ સરાજાહેર છે. સાગર અને શશી વચ્ચેના ગાંડપણનો સેતુ તો સદીઓથી જાણીતો છે. કવિ પણ ફૂલોને જોઈને ફાગણી થઈ જાય છે. પૂર્વમાં સૂર્યોદય થાય એ દિવસના ઉગવાની અને આશાની નિશાની છે. પૂર્વમાંથી ઊંચે ઉઠતો લાલ સૂર્ય કેસૂડાંથી ભર્યાભાદર્યા ખાખરા જેવો છે જેને જોઈને કવિ પણ ફાગણની લહેરખી અનુભવે છે.
સરવાળે મને લાગે છે કે ગીતનો લય અને આંતરિક ભાવ કૈક એવા પ્રબળ થયા છે કે અર્થ અને અર્થઘટનની માયાજાળ પડતી મેલીને એની જ મજા લેવી જોઈએ કારણ કે અર્થ અને અર્થકારણ થી આગળ અહીં કશુંક છે જેના કારણે ગીત વાંચતાવેંત ગમી જાય છે…
Permalink
August 17, 2022 at 8:56 PM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
એક હતી બકરી.નામ એનું અસ્મિતા.
તેજતર્રાર સ્વભાવની.
વાતેવાતે શિંગડાં ભેરવે.
મગદૂર છે કોઇની કે અટકચાળું કરી જાય?
બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ.
એ ભલી ને એનું ઘર ભલું.
શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ.
એક દિવસ અસ્મિતા ચરવા ગઈ.
જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ,
‘ હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો.
મારી બોલાશ ઓળખજો.’
તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ
જીવતાં રહે છે આ જંગલમાં.
અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ.
‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું.
બોલ્યુંઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં….
ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં.
વુલ્ફ હસ્યું.એના દાંત દેખાયા,
યલો યલો, લોંગ લોંગ.
અસ્મિતા મોડે મોડે પાછી આવી.
એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે.
બોલીઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં….
પણ હવે કોણ ઉઘાડે બારણાં?
-ઉદયન ઠક્કર
વારતા બકરી અને વરુની છે પણ અભિપ્રેત કંઈક બીજું છે – એક વાચ્યાર્થ તો સ્પષ્ટ છે જ – બકરીનું નામ અસ્મિતા અને વરુ એટલે ભોગવાદી પાશ્ચાત્ય સંસ્ક્રુતિ.
જરા બાજા અર્થમાં જોઈએ તો આપણી તમામ વ્રુત્તિઓ,આવેગો,વાસનાઓને વિવેકબુદ્ધિ નામના બારણાં હેઠળ જગન્નિયંતા દ્વારા સુરક્ષિત રખાઈ છે. વરુ એ છાકટાપણું છે,અનિયંત્રિત ઉન્માદ છે – જો આપણે બારણાં ઉઘાડી સંયમની પાળી તોડી તો વિનાશ મીનમેખ…..
Permalink
August 16, 2022 at 1:38 PM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વૃક્ષ ૫૨ એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે
પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખને વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરના આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર?
— રમેશ પારેખ
” આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ”
– યાદ આવી જાય….
કેટલું સુંદર ભાવવિશ્વ રચાયું છે ! માસ્ટરક્લાસ !!!!
Permalink
August 13, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
‘ગાલિબ,’ ‘મરીઝ,’ ‘શૂન્ય’ને સો-સો સલામ પણ,
કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.
થોડીક જીહજૂરી છે, થોડો દમામ પણ;
બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.
મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.
તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.
દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.
તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.
આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.
– હરીશ ઠક્કર
કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.
ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.
Permalink
August 12, 2022 at 10:19 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
(ચીની કવિની ડાયરીમાંથી)
સ્ટીલ મિલના ફર્નેસ રૂમમાં મને નાખવામાં આવ્યો ત્યારે મારી વય વીસની હતી.દિવસ આખો કોલસા સવાલો પૂછે અને રાતે શરીર જવાબ દઈ દે. ચાદરની આડશે હું કવિતા લખતો હોઉં અને મારો પડછાયો કફન વણતો હોય.
છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.
હું કહું છું, માટે જ તો જીવતો છું.
– ઉદયન ઠક્કર
સંવેદનતંત્ર લકવો મારી જાય એવી ધારદાર રચના. દુનિયાના સેંકડો દેશોમાંથી કવિએ એકમાત્ર ચીન પસંદ કર્યો એનું કારણ શું હોઈ શકે? પ્રખર સામ્યવાદ અને માનવસ્વાતંત્ર્યના મૂલ્યોનો સદંતર હ્રાસ કદાચ. જે હોય તે. સ્ટીલ મિલની ભઠ્ઠીમાં કવિને કૂમળી વયે જોતરી દેવામાં આવ્યા હતા. આખો દિવસ કોલસા સાથે પનારો પાડવાનો અને રાત્રે શરીર જવાબ દઈ દે એ વાતને કવિએ કેવી માર્મિક કાવ્યાત્મક બોલીમાં રજૂ કરી છે! કોઈ જોઈ જાય તો સજા થઈ જવાની ભીતિને લઈને કવિ રાત્રે ચાદરની આડશમાં કવિતાઓ લખતા હોય ત્યારે મૃત્યુ શ્વાસે-શ્વાસે વધુ ને વધુ નજીક આવતું હોવાનું અનુભવતા. છ મહિને વાત બહાર આવી. હસ્તપ્રતો સિક્રેટ પોલીસે જપ્ત કરી લીધી. એમને ન સમજાયું તે નિષ્ણાંતોને મેદાનમાં લવાયા. એમનેય કવિતાઓ ન સમજાઈ. કવિતાનું તો ભઈ, એવું જ હોય ને! ‘ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત; કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.’
કવિ કહે છે કે એની રચનાઓ સત્તાધીશોને સમજાતી નથી, એટલે જ હસ્તપ્રતો જપ્ત થઈ ગયા બાદ પણ તેઓ હજી જીવંત છે. અન્યથા કવિતામાં રહેલ વિરોધ અને વિગ્રહ નજરે પડતાવેંત કવિના પ્રાણ ચીની શાસકોએ ખેંચી લીધા હોત ખોળિયામાંથી.
Permalink
August 11, 2022 at 9:18 AM by વિવેક · Filed under ગીત, લોકગીત
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધનના દિવસે આજે લયસ્તરો તરફથી તમામ ભાઈ-બહેનોને અઢળક સ્નેહકામના….
જે તે સમાજમાં લોકગીતો જે તે સમાજના અરીસા જેવા હોય છે. કુંતાએ અભિમન્યુને અમ્મર રાખડી બાંધી એ સમયે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછતો હોય અને દાદી એને એક પછી એક સાતેય કોઠાની માહિતી આપતા હોય એ પ્રકારની વાત આ બહુ જાણીતા લોકગીતમાં વણી લેવામાં આવી છે. પૌત્રના સવાલ અને દાદીના જવાબ વચ્ચે લય જે રીતે હિંડોળાતો રહે છે એ ગીતના સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
કથા તો જ જાણીતી જ છે. ગર્ભવતી સુભદ્રાને શાંતિ પમાડવા માટે ભાઈ શ્રીકૃષ્ણ એને સાત કોઠાના યુદ્ધની વાત સંભળાવે છે. એ જમાનામાં માન્યતા હતી કે ગર્ભમાં રહેલ જીવ બધું સાંભળી શકે છે, અને આજે વિજ્ઞાન પણ ગર્ભસંસ્કારની વાતો સાથે કંઈક અંશે સહમત છે. શ્રીકૃષ્ણ છ કોઠા ભેદવા અને જીતવાની રીત શીખવવા સુધી પહોંચ્યા એવામાં બહેન સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રાનો હકાર આવતો બંધ થયો એટલે કૃષ્ણે પૂછ્યું કે ‘બહેન! ઊંઘ આવે છે?’ ત્યારે અંદર રહેલે જીવે કહ્યું, મામા! હું જાગું છું, તમે સંભળાવો. પણ કૃષ્ણ ત્યાં અટકી ગયા એટલે સાતમા કોઠાની વિદ્યા અભિમન્યુને શીખવા મળી નહીં.
રણક્ષેત્રે જવા તૈયાર થયેલ અભિમન્યુને દાદીમા કુંતાએ અમરત્વના આશિષ આપતાં રાખડી બાંધી. રાખડીના પ્રતાપે અને ગર્ભસંસ્કારમાં ચક્રવ્યૂહ ભેદવા-જીતવા અંગે પ્રાપ્ત કરેલ જ્ઞાનને લઈને અભિમન્યુ અજેય યોદ્ધાની જેમ સમરાંગણમાં એક પછી એક મહારથીને માત આપતો એક પછી એક કોઠા ભેદતો આગળ વધતો હતો તેવામાં કૃષ્ણે અભિમન્યુને કહ્યું, ‘બેટા ! ક્ષત્રિય થઈને આપણે આવા દોરા-ધાગાના સહારે લડીએ એ શોભે નહીં. અભિમન્યુ દાદીએ બાંધી આપી હોવાથી પોતે રાખડી તોડી શકે એમ નથી એમ જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે એને રાખડી કાંડેથી કાઢીને તલવારની સાથે બાંધી દેવા કહ્યું. અભિમન્યુએ રાખડીને તલવાર ઉપર બાંધી દીધી ત્યારે શ્રીકૃષ્ણે ઉંદરનું રૂપ લઈને એ રાખડીની દોરી કાપી નાંખી. અભિમન્યુને પોતાનો આયુષ્યનો તાર કપાઈ ગયેલો અનુભવાયો અને થયું પણ એમ જ. સાતમા કોઠાને ભેદવા જતાં અભિમન્યુ હણાઈ ગયો.
Permalink
August 9, 2022 at 12:56 PM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા
અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા
અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા
બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા
અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા
જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા
અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા
– આદિલ મન્સૂરી
આદિલની લાલાક્ષણિક છટા….સરળ બાની પણ અર્થગાંભીર્ય પૂરું…..
Permalink
August 6, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
. કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
. કોની રે સગાયું આજ સાંભરે
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
. કોની રે સગાયું આજ સાંભરે
માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
. કોની રે સગાયું આજ સાંભરે
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
– દલપત પઢિયાર
સ્મરણ પાસપૉર્ટ-વિઝા વિના વીત્યા મલકની મુલાકાતે મનફાવે ત્યારે આપણને લઈ જઈ શકે છે. ગઈકાલની યાદ આજના ભારને ઘડીભર હળવો પણ કરી દઈ શકે છે અને આજની હળવાશને શ્વાસ પણ ન લઈ શકાય એટલી ભારઝલ્લી પણ કરી દઈ શકે છે. કથકને આજે અચાનક જૂની સગાઈઓ સાંભરી રહી છે. કાવ્યારંભે આ સગપણ કોનાં તેનો ફોડ પાડ્યા વિના કવિ કેવળ એની પ્રબળતાનો અહેસાસ આપણને જમીનનું તળિયું તૂટે અને ભીતરથી સમંદર ઊમટી આવે એ પ્રતીક વડે કરાવે છે. સામાન્યતઃ જમીનનું તળ તૂટે ત્યારે ઝરણું પ્રગટ થતું હોય છે. અહીં કવિ સમંદરને ઊમટી આવતો બતાવીને સ્મરણ કેટલું બળવત્તર છે એની પ્રતીતિ શબ્દના એક લસરકાથી કરી બતાવે છે. ત્સુનામી જેવું આ સ્મૃતિપૂર આજે બધું જ ડૂબાડી દેશે એવી ભીતિથી પ્રેરિત કથક પાળ બંધાવવા કોઈ આગળ આવે એવું આહ્વાન દે છે. કદાચ તે પાળ બાંધીને આ પૂરને રોકી લેવાય. સમુદ્રની લહેરોને આંબીને કોણ પોતાના મનોપટ પર ઊઘડી રહ્યું છે એ જોવા કવિ ઘાટે ઘોડા દોડાવવા કહે છે.
એ જમાનામાં પોતાની આમન્યા જળવાઈ રહે એ માટે ઘરના વડીલ ડેલીએ પ્રવેશે એ પહેલાં ખોંખારો કરી પોતાના આવણાંના એંધાણ દેતા. જ્યાં કદી દાદાની આણ અને શાન વર્તાતી હતી એ સૂની પડેલી શેરીઓમાં ફરી ખોંખારા ઊગી રહ્યા છે. જૂની ધૂણીએ ફેર ચલમના તણખા ઊડતા દેખાઈ રહ્યા છે. દાદાની હારોહાર કવિને પોતાની માડી પણ યાદ આવે છે. મા વિના ઉજ્જડ થઈ ગયેલા ઓટલા પર ફરી વાત અને વાર્તાઓ વવાતી દેખાય છે. પોતાને ઝૂલાવતા હીંચકા અને હાલરડાં ટોડલે ઝૂલી રહ્યાં છે. સ્વર્ગે સિધારેલ મા મોભના માર્ગેથી અવતરણ કરે છે.
પ્રાણપ્રિય સ્વજનોને પોંખવામાં કમી ન રહી જાય એ માટે કવિ કૂવો નહીં, કૂવા ખોદાવવા કહે છે, બાગ નહીં, બાગો રોપાવવા કહે છે. ઓરડાઓમાં આછું લીંપણ કરાવવા અને એમાં ઝીણી ખાજલીઓ પડાવવા કહે છે. કાવ્યાંતે આવતા આ બહુવચન કાવ્યારંભે આવતા સ્મરણસાગરની વિશાળતા સાથે તાલ પૂરાવે છે. કવિકર્મનો આ વિશેષ નોંધવા જેવો છે. આવી નાની-નાની પ્રયુક્તિઓ જ સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેની ભેદરેખા બની રહે છે. લોહીની સગાઈ તે સાચી સગાઈ. કવિ આજના આ પુણ્યસ્મરણને જીવ ભરીને માણી લેવાના મૂડમાં છે. અતીતના આ ઓરડામાં કવિની જેમ આપણને પણ લાંબો સમય પડી રહેવાનું મન થાય એવું આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે છે…
Permalink
August 5, 2022 at 11:31 AM by વિવેક · Filed under ગીત, જયેન્દ્ર શેખડીવાલા
ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.
અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.
આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.
– જયેન્દ્ર શેખડીવાળા
સ્વપ્નિલ વિશેષણ પરથી કવિ ‘લગ્નિલ’ જેવો શબ્દ કોઇન કરીને કાવ્યારંભ કરે છે એ જ સૂચવે છે કે જે રચનાનો આપણને સાક્ષાત્કાર થનાર છે એ જરા હટ કે હશે. સોળ વરસની કન્યાને લગ્ન સંદર્ભે થતી અનુભૂતિનું આ ગીત છે. ‘પાછળ મેલ્યા પાદર કૂવા’ એમ અર્ધવાક્યખંડની મદદ માત્રથી કવિ લગ્ન બાદ ગામ છૂટી જવાનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. ઘર પાછળ રહી ગયું હોવાથી જે ઘરમાં સોળ વરસનું આયખું વીત્યું એ સોળ દીવા પણ હવે ઝાંખા દેખાવા માંડ્યા છે. ચાળીસ વરસ પહેલાં ૧૯૮૨માં પ્રગટ થયેલ સંગ્રહમાં સોળ વરસની છોકરીના લગ્નની વાત છે, એટલે સમજી શકાય છે કે આ એવા સમયના લગ્નની વાત છે જ્યાં લગ્નપૂર્વે કન્યાને વરનું મોઢું જોવાય નહીં મળ્યું હોય. હસ્તમેળાપની ઘડીએ અલપઝલપ મોઢું જોવા માત્રથી કન્યા એવી તો વશીભૂત થઈ ગઈ છે કે પરદેશથી આવેલ પતિને એ જંતરમંતર કરી વશીભૂત કરી લેનાર ભૂવો કહી ઓળખાવે છે. માત્ર બે જ પંક્તિમાં કવિ કેટકેટલું કહી બતાવે છે એ સમજવા જેવું છે. સાચું કવિકૌશલ્ય જ આને કહેવાય ને!
આંગણમાં ગુલમહોર ખીલ્યાં છે, મતલબ લગ્ન ઉનાળાની ઋતુમાં લેવાયા હશે. એની શાખે કાજળકાળી રાતે બંધાયેલ શરીરસંબંધની વાત નાયિકા મુખર થવા છતાંય ગરિમાપૂર્ણ રીતે એરુનાં અંધારાં ડંખ્યાં કહીને કરે છે. નાયિકાને અંગાંગમાં પ્રણયપરિતોષનું ઝેર ચડ્યું છે. ‘ઝામણ’ શબ્દ વાંચતાં જ ર.પા.ના ‘રાણી સોનાંદેનું મરશિયું’ કાવ્યમાં નાયિકા પતિને ‘મારા લોહીમાં રમતા ઝામણ નાગ’ કહીને સંબોધે છે એ યાદ આવે. નાયકના જીવનમાં હવે નાયિકા જ કેન્દ્રસ્થાને રહેનાર હોવાથી પાંગત-પડધા નોંધારા થઈ ગયાની લાગણી અનુભવે છે. અંધારી રાતોમાં જીવતરનાં અજવાળાં પીવા નાયિકાએ પિયર ત્યાગ્યું છે.
ગીતમાં અનિવાર્ય અંત્યાનુપ્રાસોપરાંત કવિએ દરેક કડીમાં આંતર્પ્રાસની ગૂંથણી પણ કરી છે, જે ધ્યાનાર્હ છે. ગીતરચનાની ઇબારતના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે એવી મજાની આ કૃતિ છે.
Permalink
August 4, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચિનુ મોદી
મેડીએ ચડીને તમે બેઠેલાં હોવ
. તમે ઊભેલાં હોવ
. તમે થીજેલાં હોવ
તમે કંપેલાં પાણીથી બ્હીધેલાં હોવ
અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
. તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
. વ્હાણ ચાલ્યાં કરે
. રોજ ચાલ્યાં કરે.
રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય
રોજ ૫૨પોટા ફૂટ્યાના હોબાળા થાય
રોજ હુક્કા છોડીને નેળ નોધારાં થાય
રોજ તડકામાં પૂર અને ઓવારા થાય
. તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યા કરે,
વ્હાણ ચાલ્યાં કરે
. રોજ ચાલ્યા કરે.
ક્યાંક આંગળીઓ દૂઝણી ને વેળા ખલાસ
ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ
ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ
ક્યાંક મ્હોરાં ખલાસ, ક્યાંક ચ્હેરા ખલાસ
. તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
. વ્હાણ ચાલ્યાં કરે
. રોજ ચાલ્યાં કરે
– ચિનુ મોદી
કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને કેટલો ‘ફ્રી-હેન્ડ’ આપે છે એનો થોડો ખ્યાલ આ રચના પરથી આવે એમ છે. ભાગ્યે જ જોવા મળે એવું નવ-નવ પંક્તિઓમાં પથરાયેલ મુખડું અને ચાર-ચાર પંક્તિના બંધ સાથે ચાર-ચાર પંક્તિની પૂરકપંક્તિઓ. ચિનુ મોદી ભાષા પાસેથી એનો કાન આમળીને ધાર્યું કામ કઢાવી લેનાર કવિઓમાંના એક છે. કવિતાના નાનાવિધ કાવ્યસ્વરૂપોને એમણે જેટલા તાગ્યા છે, એટલા બહુ ઓછા સ્વાતંત્ર્યોત્તર કવિઓએ તાગી જોયા છે.
દુનિયા કોઈના માટે રોકાઈ નથી, ન રોકાશેનો સૂર ગીતમાંથી જન્મે છે, પણ કવિની વાત-માંડણીની જે રીત છે એની ખરી મજા છે. લય એવો પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીત વાંચી જ ન શકાય. ગીત જેને સંબોધીને લખાયું છે એ ‘તમે’ એટલે માન આપીને બોલાવાય એવી કોઈ સ્ત્રીની વાત છે એ ‘બેઠેલાં’ વિ. શબ્દોના માથે મૂકાયેલ અનુસ્વાર પરથી સમજી શકાય છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારની કમાલ ન સમજી શકે એ વ્યક્તિ તો આ કરામતથી વંચિત જ રહી જવાનો. ચિનુ મોદીના દર્શન આપણને ત્રીજી પંક્તિમાં થાય છે, જ્યાં સ્થાપિત norms ને ચાતરીને કવિ કાવ્યનાયિકા માટે ‘થીજેલાં’ ક્રિયાપદ પ્રયોજે છે. નાયિકા મેડીએ ચડી છે એનું મહત્ત્વ એના ચાહનારને મન ભલે ગમે એટલું હોય, દુનિયાને શું!. મેડીએ નાયિકા બેઠેલ હોય કે ઊભેલ હોય, કે કંઈપણ સ્થિતિમાં હોય, રસ્તા પરથી પસાર થનારાઓ એની તમામ ક્રિયાઓથી રોજ બેપરવાહ પસાર થતા આવ્યા છે, પસાર થતા રહે છે, પસાર થતા રહેશે. મેડીને ભૂલી જાવ, નાયિકાને પણ ભૂલી જાવ, દુનિયામાં કોઈ પણ ઘટના બને, નાની કે મોટી, દુનિયાને કોઈ ફરક પડતો નથી એ વાતની માંડણી કવિએ ગીતમાં કેવી મજાની રીતે કરી છે એની જ ખરી મજા છે…
Permalink
August 3, 2022 at 7:29 PM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે
મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે
ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે
અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે
મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે
– જવાહર બક્ષી
Permalink
August 3, 2022 at 7:13 PM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
અર્થોની ગૂંચવણ મહીં ગૂંચવાય લાગણી;
શબ્દોને ઘેર આવતાં કરમાય લાગણી.
રસ્તાની જેમ કૈંક વળાંકે વળીવળી,
ફાંટો પડે છે એ સ્થળે ફંટાય લાગણી.
ભીંતે ખૂણામાં જાળું કર્યું છે કોળિયે,
આખાય ઘરની એ મહીં ગૂંચવાય લાગણી.
વાસી દીધી છે કોઈએ ડેલીની ભોગળો,
માથું પછાડી દ્વારે મરી જાય લાગણી.
સમળીની જેમ ચક્કરો કાપ્યાં કરે નભે,
તપતા બપોરે કેટલી અકળાય લાગણી.
ખંડેરના અવાવરુ એકાંતમાં હજી,
પ્રેતોની જેમ ઘૂમતી દેખાય લાગણી.
કાંઠાની જેમ હું તો પડ્યો રહું ઉદાસ થૈ,
સાગરના જળમાં દૂર જુઓ ન્હાય લાગણી.
– મનોજ ખંડેરિયા
Permalink
July 30, 2022 at 10:58 AM by વિવેક · Filed under અવિનાશ વ્યાસ, ગીત
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો ન મળતો તાર રે;
મારો મળ્યો મળે નહિ તાર.
ગાયા કંઈએ વિધ વિધ રાગ,
છેડ્યો અંતે મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર
બેસૂર સાજ સંસાર રે.
સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
– અવિનાશ વ્યાસ
કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).
સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.
આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.
Permalink
July 29, 2022 at 11:28 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગીત
ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે
ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે
વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.
– અરવિંદ ભટ્ટ
જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…
ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…
સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…
Permalink
July 28, 2022 at 10:50 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!
માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!
છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!
એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.
એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.
મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!
– શબનમ ખોજા
આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…
Permalink
July 25, 2022 at 10:20 PM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રમેશ પારેખ
દૂર દૂરથી સરી આવતી
કેડી ઉપર
સૂનકારનો ડમરી વચ્ચે ફંગોળાતું
શુષ્ક નજરનું પાન
ઊડીને
ઘરમાં પાછું આવે
હળી ગયેલા શ્વાન સમો
ફળિયાનો તડકો
ઊંબર સુધી આંટો લઈને
નેવાંના પડછાયા સૂંઘી
કંકુ ચીતરી ભાત ઉપર રગદોળી કાયા
ભીંત ઠેકતો
સાંજ બખોલે જઈ
નિરાંતે ઘોરે
પરોઢીએ પૂરેલી
કોરી લાલચટ્ટાક સેંથીની છેલ્લી ઝાંય
ઊડીને આથમણે આકાશે વળગી જાય
વેણીમાંથી ચીમળાઈને ખરી પડેલાં
ડોલર ફૂલ – શા
તારાઓની ઝળમળ
વેરે અંધકારની જરઠ હથેળી
ઘરને ખૂણે
બળે કોડિયું હાલકડોલક
હાલકડોલક પડછાયા તો ફળિયા સુધી જાય
પોપચાં ઢળી રે જાય
પોપચાં ઢળી રે જાય
તબકતાં ઝૂલચાકળામાંથી ભીનાં વળામણાં સંભળાય
કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ
બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ઊમટે ડામચિયે ચંદરવો
એમાં પાંચ પૂતળી ઝૂલે
એમાં પાંચ ઘૂઘરી ઝૂલે
ઝૂલે પૂતળીઓ તો રાનક ઝણકતી એવું
પેલા દાદાજીને દેશ ઝૂલ્યા’તા સૈયર સંગે
ગામગોંદરે સીમખેતરે જેવું
રામણ દીવડે
ધૂળ બનીને બાઝયું
આખા ઘરનું રે એકાંત
એકલા ખખડી ઊઠતાં કંકણમાંથી
દડી નીકળે તળાવની ભીનાશ
અને ભીનાશે તરતું આસોપાલવ ઝાડ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે અંકાશ
ને છાંયા પડી રહ્યાં રે લોલ
ઊગે રે પડછાયાના ઝાડ
ઊગે રે પડછાયાના ઝાડ
હવે તો ઊંબર ઊગ્યા પહાડ
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
રાતને
ભરનીંદરમાં શ્વસે
છાપરે
કાગ.
– રમેશ પારેખ
શબ્દચિત્ર….. પ્યારું કો‘ક ચાલ્યું ગયું…..કે ભીતરથી કોઈક બંધન તૂટ્યું… ખિન્નતા પારાવાર વ્યાપી – ભીતરે.
સંબંધ સમજાતા નથી…..કોઈ નિયમ હોતા નથી, કોઈ કાયદા લાગતા નથી. આપનાર આપ્યે જ જાય છે અને લેનારને કોઈ તમા નથી. સિતારાઓના ઝગમગાટ વચ્ચે આરતીનો દીવો ટમટમીને નિસ્તેજ થતો થતો બુઝાઈ જાય છે….
અંતહીન વેદનામાંથી વિના શરતે પસાર થવાની સજ્જડ તૈયારી ન હોય તો પ્રેમથી અળગા જ રહેવું….
Permalink
July 23, 2022 at 11:16 AM by વિવેક · Filed under અછાંદસ, ઇત્સુકો ઇશિકાવા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તમારા માટે
—જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.
શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.
નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.
તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.
તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,
તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,
તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,
તમને, સગર્ભાઓ
અને યુવાનોને,
તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,
અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.
હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે
પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?
શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો
જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.
શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,
જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.
અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.
– ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
*
જાપાનમાં ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ ટોકિયોમાં મહાભૂકંપ આવ્યા પછી ફેલાયેલી અફવાઓને કારણ બનાવીને જાપાનીઓએ જાપાનમાં રહેતા કોરિયનોનો જઘન્ય નરસંહાર કર્યો… ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેલ આ મનુષ્યના વાસ્તવિક ચહેરાના નગ્ન નાચે દુનિયાને હચમચાવી દીધી હતી… વાત જાપાનના કાન્ટોવિસ્તારમાં થયેલ કત્લેઆમની છે પણ સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે એ જ કવિતા. સ્થાનિક હત્યાકાંડનો તાંતણો ઝાલીને આ કવિતા ખરેખર તો વિશ્વચેતનાને સંકોરવાની કોશિશ છે… અંગ્રેજી અનુવાદ અને વિશદ કાવ્યાસ્વાદમાં રસ ધરાવતા મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.
Permalink
July 22, 2022 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઊર્મિકાવ્ય, વિશ્વ-કવિતા
I wonder how this little soul
Was smuggled into life.
Not that I dread the fact of being.
That men misname as strife.
From birth to death the mortals roam,
I seek the way from death to birth;
I have wandered and will wander still
An exile on this earth.
– Umashankar Joshi
દેશવટે
આશ્ચર્ય મોટું મુજને, ઠગાઈ
આ હંસલેા ઘટ મહીં ઝટ શેં પુરાયો !
ન જાણશો કે ડરું જિન્દગીથી,
જેને જનો કલહ નામ દઈ નવાજે.
સૌ મર્ત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત્.
હું મૃત્યુથી જનમનો નવપથ શેાધુ.
ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો,
– ઉમાશંકર જોશી
ઉ.જોની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે આપણે એમણે લખેલી સંસ્કૃત કવિતા માણી. આજે માણીએ અંગ્રેજી કવિતા. પ્રસ્તુત રચના કવિએ પહેલાં અંગ્રેજીમાં લખી હતી જે ૧૯૩૫ની સાલમાં ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ હતી. પછી કવિએ જાતે જ એનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ બેલડ મીટર પ્રયોજ્યું છે. બેલડ એટલે ચાર-ચાર પંક્તિના બંધથી બનેલી રચના. પહેલી અને ત્રીજી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બીજી-ચોથી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં હોય છે, તદુપરાંત પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ મેળવેલો હોય એને બેલડ મીટર કહેવાય. (અહીં છઠ્ઠી પંક્તિમાં જો કે છંદ જળવાયો નથી.) ગુજરાતી અનુવાદમાં કવિએ સંસ્કૃત વૃત્તોને ખપમાં લીધા છે. પહેલી, ત્રીજી, સાતમી પંક્તિ ઇન્દ્રવજ્રામાં, બીજી, ચોથી- પાંચમી, છઠ્ઠી વસંતતિલકામાં અને છેલ્લી પંક્તિ ઇન્દ્રવંશા છંદમાં છે.
આત્મા કઈ રીતે ઠગાઈને શરીરના પિંજરામાં પૂરાઈ ગયો એ કવિને મન મોટું આશ્ચર્ય છે. લોકો જેને ઝઘડો કહે છે એ જિંદગીથી કવિ ડરતા નથી. આખી દુનિયાની ગતિ જન્મથી મૃત્યુ તરફની છે, પણ કવિ મૃત્યુથી જન્મ તરફનો નવતર પંથની શોધમાં છે. મૃત્યુની પેલે પાર વિકસતા-વિલસતા વિશ્વ સાથે સાક્ષાત્કાર કરવાની તેઓ મંશા રાખે છે. કોઈએ દેશવટો આપ્યો હોય અને પૃથ્વી પર ભટકવા છોડી દીધા હોય એમ નિર્વાસિતની જેમ આજીવન તેઓ મૃત્યુપર્યંતના જીવનની શોધમાં ભટકતા રહ્યા છે અને હજીય ભટકતા રહેવાની નેમ ધરાવે છે.
ગુર્જરીગિરાની સર્વોચ્ચ ચોટીએ બિરાજમાન કવિના ભાષાપ્રભુત્વ વિશે વાત કરવામાં મારો પનો તો સાવ ટૂંકો પડે, પણ આ કવિતા બાબતે મારો નમ્ર અને અંગત અભિપ્રાય છે કે વિદેશી ભાષામાં સ્વતંત્ર રચના કરવામાં અને પછી એનો અનુવાદ કરવામાં કવિ ક્યાંક નાનકડી થાપ ખાઈ બેઠા છે. ‘Being’નો અનુવાદ કવિએ જિંદગી કર્યો છે. હકીકતમાં બીઇંગ એટલે હોવું, અથવા અસ્તિત્વ. આજ રીતે જિંદગીને લોકોએ કલહ યાને ‘strife’ કહીને નવાજે છે, એમ કવિ કહે છે. અહીં ‘strife’ શબ્દ કેવળ ‘life’ સાથે પ્રાસ મેળવવાના હેતુથી પ્રયોજાયો હોવાની સંભાવના વધુ છે, કારણ કે જિંદગીને ઝઘડાનું ખોટું નામ આપીને લોકો સંબોધતા હોવાની વાત શું હકીકતથી વેગળી નથી?
Permalink
July 21, 2022 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઊર્મિકાવ્ય, વિશ્વ-કવિતા
न ते मृत्युप्रायां
तमःकृष्णच्छायां न खलु सलिलं प्रार्थय इह ।
तडित्तेजोयुक्तं जलद ! विकटं गर्जितमथ
तदेकं याचेऽहं तदनवरतं गर्ज कुपितम्
. अयि वरद ते घर्घररवम् ॥
सुधाऽऽस्वादं यत्ते
स्मितं नाहं याचे तदभिलषिताः सन्तु बहवः ।
कृते भ्रूभङ्गानां मम तु भवति प्रार्थितमहो
कटाक्षैर्युक्तानामयि हृदयमूर्ते ! कुरु कृपाम्
. सुलभविषये किं कृपणता ॥
– उमाशंकर जोशी
કાં કૃપણતા?
અરે કૃષ્ણચ્છાય
નર્યું મૃત્યુપ્રાય પ્રથિત જલનું વર્ષણ તવ
જરીયે વાંછું ના, પણ જલદ હે ! મુક્ત મનડે
તડિત્-નૃત્યેાલ્લાસે ગહન જગવી મંથન નભે,
. વરદ, કુપિતો ગર્જ તુજ જે.
સુધાસ્વાદપ્રેર્યાં
સ્મિતો હું યાચું ના; સ્મિતવલખતા કૈંક, ન મણા.
તવ ભ્રૂભંગાર્થે સતત, દયિતે, પ્રાર્થન મમ.
કટાક્ષેા વર્ષંતી અયિ, હૃદયમૂર્તે, કર કૃપા.
. સુલભ વિષયે કાં કૃપણતા ?
– ઉમાશંકર જોશી
આજે ઉ.જોની ૧૧૧મી જન્મજયંતીએ એક સાવ અલગ જ પ્રકારનું કાવ્ય…
બહુ ઓછા મિત્રોને ખબર હશે કે ઉ.જો. સંસ્કૃતમાં પણ કાવ્યો લખતા. પહેલાં ગુજરાતીમાં લખી લીધા બાદ એનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હોય એવુંય નહીં. અઢાર વર્ષની કૂમળી વયે લખેલું આ કાવ્ય ગુજરાત કૉલેજ મૅગેઝીનમાં છપાયું હતું. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ કાવ્યનો કવિએ જાતે જાન્યુઆરી ૧૯૩૦માં ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો. બંને કાવ્ય ખંડ શિખરિણીમાં લખાયેલ છે.
વાત તો પ્રણયની જ છે, પણ રજૂઆત મજાની છે. કવિ પોતાની શ્યામવર્ણા પ્રિયાને કહે છે કે આંખેથી વરસતાં આંસુઓ થકી વ્યક્ત થતો પ્રેમ બહુ જાણીતો છે, પણ મને એ મૃત્યુસમાન લાગે છે અને મને એની જરાય ઇચ્છા નથી. કવિને મન તો વીજળી નૃત્યોલ્લાસ કરી આકાશમાં ગહન મંથન જગવે અને ક્રોધિત આકાશ જે રીતે ગર્જના કરે એવા ઉત્તમ મુક્ત મનના પ્રેમની અભિલાષ છે. કૈંક લોકો પ્રિયપાત્રના સ્મિત માટે વલખતાં હોય છે એની ના નથી, પણ કવિને અમૃતનો સ્વાદ આપે એવા સ્મિત પણ જોઈતાં નથી. કવિને તો પોતાની પ્રિયાને સતત ભવાં ચડેલાં રહે એવી પ્રાર્થના કરે છે. પોતાના હૃદય પર કટાક્ષો વરસાવીને કૃપ કરવાનું પ્રિયાને ઇજન આપતાં કહે છે કે સ્ત્રીઓને માટે તો આ વિષય –રીસ-ગુસ્સો વગેરે ખૂબ જ સુલભ છે, તો એ બાબતે કંજૂસાઈ શીદ આચરવી?
નાની અમસ્થી વાત. પણ વિષયવસ્તુની માવજત અને છંદોવિધાનન કારણે મૂળ સંસ્કૃત કાવ્ય અને કવિએ પોતે કરેલ ગુજરાતી અનુવાદ –ઉભય નખશિખ આસ્વાદ્ય બન્યા છે.
Permalink
Page 15 of 119« First«...141516...»Last »