આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા
તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.
પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.
નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.
ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.
તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.
ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.
દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.
– નાઝિર દેખૈયા
ટાઇમલેસ ક્લાસિક.
pragnajuvyas said,
June 18, 2022 @ 3:49 AM
વારંવાર માણેલ ટાઇમલેસ ક્લાસિક.
મત્લા માણતા જ
તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.
આરામ જ આરામ થયો.
નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.
વાહ
વાતે યાદ આવે ખૂબ ગમતો શેર
નિછાવર થઇ જઇશ એ વાત કરવી સહેલી છે ‘નાઝિર’
મરણ પહેલાં અમારી જેમ તું જાતે મરી તો જો.
praheladbhai prajapati said,
June 18, 2022 @ 3:22 PM
સુન્દર ……….વાહ વાહ્
Vineschandra Chhotai 🕉 said,
June 18, 2022 @ 9:41 PM
બહુજ ♥️ સરસ
લેખન કાર્ય
અભિનંદન ♥️