આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

હજી પણ – જવાહર બક્ષી

અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે

મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે

ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે

અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે

મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે

– જવાહર બક્ષી

1 Comment »

  1. pragnajuvyas said,

    August 3, 2022 @ 9:17 PM

    અદભુત ગઝલ
    મુંબાઇ યુનિ. માં માત્ર ૨૬ વર્ષના આ કવિની અસંગ્રહસ્થ ગઝલોનો વિશેષ અભ્યાસ માટે સમાવેશ થાય,અહીં અમેરિકામાં બાર વર્ષ રહૅનાર તથા વિશ્વભ્રમણ કરનાર,૧૦ વર્ષ મહેશ યોગી સાથે સાન્નિધ્ય સાથે ઋષિકેશના જંગલોમાં યોગ સાધનાજીવન જીવનાર જવાહર બક્ષીની આખી ગઝલ સંત વાણી જેવી-તે કહે-
    મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
    કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે
    વાતે યાદ આવે
    મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
    પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
    છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી તે તેનું ઉત્તમ કામ હતુ નહીં તો એના જીવન સંદેશરુપ શ્રેષ્ઠ અને સાર તત્વ માણવાને બદલે મારા જેવા સામાન્યજન સામાન્ય ગઝલમાં જ અંટવાતા હોત!
    સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
    તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો
    અભિવ્યક્તિ અનુભવાય
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment