પુણ્યસ્મરણ – દલપત પઢિયાર
અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
. કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
. કોની રે સગાયું આજ સાંભરે
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
. કોની રે સગાયું આજ સાંભરે
માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
. કોની રે સગાયું આજ સાંભરે
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
– દલપત પઢિયાર
સ્મરણ પાસપૉર્ટ-વિઝા વિના વીત્યા મલકની મુલાકાતે મનફાવે ત્યારે આપણને લઈ જઈ શકે છે. ગઈકાલની યાદ આજના ભારને ઘડીભર હળવો પણ કરી દઈ શકે છે અને આજની હળવાશને શ્વાસ પણ ન લઈ શકાય એટલી ભારઝલ્લી પણ કરી દઈ શકે છે. કથકને આજે અચાનક જૂની સગાઈઓ સાંભરી રહી છે. કાવ્યારંભે આ સગપણ કોનાં તેનો ફોડ પાડ્યા વિના કવિ કેવળ એની પ્રબળતાનો અહેસાસ આપણને જમીનનું તળિયું તૂટે અને ભીતરથી સમંદર ઊમટી આવે એ પ્રતીક વડે કરાવે છે. સામાન્યતઃ જમીનનું તળ તૂટે ત્યારે ઝરણું પ્રગટ થતું હોય છે. અહીં કવિ સમંદરને ઊમટી આવતો બતાવીને સ્મરણ કેટલું બળવત્તર છે એની પ્રતીતિ શબ્દના એક લસરકાથી કરી બતાવે છે. ત્સુનામી જેવું આ સ્મૃતિપૂર આજે બધું જ ડૂબાડી દેશે એવી ભીતિથી પ્રેરિત કથક પાળ બંધાવવા કોઈ આગળ આવે એવું આહ્વાન દે છે. કદાચ તે પાળ બાંધીને આ પૂરને રોકી લેવાય. સમુદ્રની લહેરોને આંબીને કોણ પોતાના મનોપટ પર ઊઘડી રહ્યું છે એ જોવા કવિ ઘાટે ઘોડા દોડાવવા કહે છે.
એ જમાનામાં પોતાની આમન્યા જળવાઈ રહે એ માટે ઘરના વડીલ ડેલીએ પ્રવેશે એ પહેલાં ખોંખારો કરી પોતાના આવણાંના એંધાણ દેતા. જ્યાં કદી દાદાની આણ અને શાન વર્તાતી હતી એ સૂની પડેલી શેરીઓમાં ફરી ખોંખારા ઊગી રહ્યા છે. જૂની ધૂણીએ ફેર ચલમના તણખા ઊડતા દેખાઈ રહ્યા છે. દાદાની હારોહાર કવિને પોતાની માડી પણ યાદ આવે છે. મા વિના ઉજ્જડ થઈ ગયેલા ઓટલા પર ફરી વાત અને વાર્તાઓ વવાતી દેખાય છે. પોતાને ઝૂલાવતા હીંચકા અને હાલરડાં ટોડલે ઝૂલી રહ્યાં છે. સ્વર્ગે સિધારેલ મા મોભના માર્ગેથી અવતરણ કરે છે.
પ્રાણપ્રિય સ્વજનોને પોંખવામાં કમી ન રહી જાય એ માટે કવિ કૂવો નહીં, કૂવા ખોદાવવા કહે છે, બાગ નહીં, બાગો રોપાવવા કહે છે. ઓરડાઓમાં આછું લીંપણ કરાવવા અને એમાં ઝીણી ખાજલીઓ પડાવવા કહે છે. કાવ્યાંતે આવતા આ બહુવચન કાવ્યારંભે આવતા સ્મરણસાગરની વિશાળતા સાથે તાલ પૂરાવે છે. કવિકર્મનો આ વિશેષ નોંધવા જેવો છે. આવી નાની-નાની પ્રયુક્તિઓ જ સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેની ભેદરેખા બની રહે છે. લોહીની સગાઈ તે સાચી સગાઈ. કવિ આજના આ પુણ્યસ્મરણને જીવ ભરીને માણી લેવાના મૂડમાં છે. અતીતના આ ઓરડામાં કવિની જેમ આપણને પણ લાંબો સમય પડી રહેવાનું મન થાય એવું આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે છે…
કમલેશ શુક્લ said,
August 6, 2022 @ 12:04 PM
ખૂબ જ સરસ રચના અને એનો એટલો જ સરસ રસાસ્વાદ .
રિયાઝ લાંગડા (મહુવા). said,
August 6, 2022 @ 12:05 PM
વાહ….ખૂબ સુંદર👌👌
Poonam said,
August 6, 2022 @ 12:15 PM
…આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
– દલપત પઢિયાર – Aahaa…Uff ! Sundar Rachana
Aaswad 👌🏻
Varij Luhar said,
August 6, 2022 @ 12:37 PM
કવિશ્રી દલપત પઢિયાર સાહેબની
ખૂબ જ જાણીતી રચના.. સુંદર આસ્વાદ
Aasifkhan said,
August 6, 2022 @ 12:45 PM
સરસ આસ્વાદ
Madhusudan Patel said,
August 6, 2022 @ 12:59 PM
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ… આય હાય હાય…. કેવી અદ્દભુત પંક્તિ!!! 💐
pragnajuvyas said,
August 6, 2022 @ 9:01 PM
ખૂબ સુંદર ગીત નો ડો વિવેકજી દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
‘આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે’ આ વાત અનુભવાઇ
માનનીય શ્રી. દલપત પઢિયાર સાહેબ સગામા તો અમારા જમાઇ થાય પણ અમારે મન સાચા સંત છે
સંત કબીર માટે કવિ શ્રી દલપતભાઈને સાંભળવા અને ગાતા માણવા એ લ્હાવો છે.
અનેક ગીતોમા આ ગીત પણ સ્વરબધ્ધ થયું છે.અહીં અમેરીકામા અમર ભટ્ટ પાસે માણ્યું છે
માણો…
Rankaar.com » શબ્દનો સ્વરાભિષેક
https://rankaar.com › category › album· Translate this page
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક સ્વર:અમર ભટ્ટ. અમને કોની રે સગાયું આજ સાંભરે.
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
જાણે અમારે માટે…
pragnajuvyas said,
August 7, 2022 @ 1:19 AM
7:54
NOW PLAYING
WATCH LATER
ADD TO QUEUE
અમને કોની રે સગાયું આજ સાંભરે – દલપત પઢિયાર
184 views
2 years ago
સાહિત્ય વંદના
અમને કોની રે સગાયું આજ સાંભરે ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે… કોની રે …