એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ? -વિવેક મનહર ટેલર

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી બાળુડો કાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

કવિનાં ચશ્માં તો ગામથી અલગ જ હોવાનાં. આખી દુનિયા જે દૃષ્ટિકોણથી એક વાતને જોતી હોય, એને નવતર અભિગમથી રજૂ ન કરે તે કવિ શાનો? મહાભારતના યુદ્ધમાં સગાં-વહાલાંઓને જોઈને ગ્લાનિર્મગ્ન થયેલા અર્જુનને ગીતાજ્ઞાન આપીને શ્રીકૃષ્ણએ એના વિષાદનું નિર્મૂલન કર્યું એ વાત તો આપણે સહુ જાણીએ જ છીએ. પણ આ ગીત પાર્થના બદલે પાર્થસારથિને થઈ શકનાર સંભવિત વિષાદની વાત કરે છે.

હાથમાં રથની લગામ ઝાલીને ઊભેલ શ્રીકૃષ્ણને રણમધ્યેથી બાળકાનુડો પોતાને હાક દેતો સંભળાય છે. રથની લગામ યશોદા મૈયાએ જે હીરની દોરથી પોતાને બાળપણમાં બાંધ્યા હતા, એની યાદ અપાવે છે. દોરબાંધ્યા કાનુડાએ યમલા અને અર્જુન નામના રાક્ષસોનો ઉદ્ધાર કર્યો હતો, આજે લગામ હાથમાં ઝાલીને શ્રીકૃષ્ણ ધર્મનું રક્ષણ કરવા નીકળ્યા છે. બાળપણની સ્મૃતિ થતાવેંત જ રણભેરીનો શોરબકોર ગાયબ થઈ એનું સ્થાન ગોધૂલિવેળાએ પરત ફરતાં ગાય-બળદની ઘૂઘરીઓનો નાદ લઈ લે છે. ગોકુળ-વૃંદાવન ત્યાગ્યા બાદ તોડવાનાં બાકી રહી ગયેલ શીકાં અને માંગવાનાં બાકી રહી ગયેલ દાણ જાણે કે યુદ્ધમધ્યે આવીને ફરિયાદ કરે છે…

પોતે ભલે તટસ્થ રહેનાર હતા, પણ પોતાની હાજરીમાં રણમેદાનમાં જે લોહી અને રણમેદાનની બહાર સ્વજનોનાં જે આંસુઓ વહેવાનાં છે એનાં કરતાં તો ગોરસ-દહીં રેલાવવાનું ચૌર્યકર્મ લાખ ગણું સારું હતું એમ એને લાગે છે. વાંસળીના સૂર રેલાવનાર કેશવના ભાગે આજે પાંચજન્ય શંખ ફૂંકીને યુદ્ધના પાગરણ કરાવવાનું આવ્યું છે ત્યારે એને સહજ જ ગ્લાનિ અનુભવાય છે. પણ છે કે કોઈ ગીતાજ્ઞાનનો દેનાર જે આવીને એને એમાંથી આઝાદ કરી શકે?

17 Comments »

  1. નેહા said,

    June 25, 2022 @ 12:46 PM

    વાહ, સરસ લયાન્વિત રચના.
    રણમેદાનમાં બચપણ નજર સમક્ષ આવે
    એ નવિન કલ્પન માટે અભિનંદન.

  2. કિશોર બારોટ said,

    June 25, 2022 @ 1:00 PM

    કવિના ચશ્મા જ કૃષ્ણનો વિષાદ નિહાળી શકે.
    બહુજ સુંદર ગીત.

  3. Ami said,

    June 25, 2022 @ 2:10 PM

    Waah ખૂબ સરસ

  4. રિયાઝ લાંગડા (મહુવા). said,

    June 25, 2022 @ 4:18 PM

    વાહ…👌👌

  5. Shah Raxa said,

    June 25, 2022 @ 6:15 PM

    વાહ..વાહ..વાહ..ખૂબ સરસ કલ્પન…

  6. pragnajuvyas said,

    June 25, 2022 @ 6:33 PM

    સુંદર ગીતના કવિ જ આસ્વાદ કરાવે તે આસ્વાદ ખૂબ સ રસ લાગે છે.
    ગીતની પ્રસુતિ સમયે થયેલ પીડા અને ત્યાર બાદ આનંદની અનુભૂતિ રચના માણનારાને પણ થાય છે.યુદ્ધની રણભેરી વાગતી હોય એવા પ્રસંગે કૃષ્ણને દ્રુત ગતિમાં ચાબખી રાસ અનુભવાય છે.
    ષટ્કલ લયમા -ગાલગા ગાલગાલ ગાગાગામા મધુરું ગીત ગુંજે છે. બાળપણની યાદો સાથે વિષાદમા
    ‘લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
    થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
    કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
    તને એકલાને ક્યાં છે વિષાદ? ”
    ની કલ્પના અદભુત લાગે છે.
    મનુષ્ય હોવાથી યુદ્ધની સાર્થકતા અને નિરર્થકતા ગાનાર ખુદ ભગવાન પણ ક્ષણિક ગ્લાનિનો અનુભવ કર્યો હશે એ વાત ખૂબ સરસ રીતે મણાવી છે.
    ધન્યવાદ

  7. Dr Heena Mehta said,

    June 25, 2022 @ 7:05 PM

    ખૂબ સરસ!!
    નવા વિચાર ને જુની યાદો ને લગતી પંક્તિઓ વાંચક ને એક અલગ રસ્તે આગળ લઈ જાય છે

  8. Jayshree Bhakta said,

    June 25, 2022 @ 8:43 PM

    વાહ કવિ…

  9. જયેન્દ્ર ઠાકર said,

    June 25, 2022 @ 10:36 PM

    વિષાદ તો દરેક દિલમાં ઉઠે છે…પણ સ્થિતપ્રગ્ન આત્મા વિવેકબુદ્ધિથી દોરવાય कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन નું આચરણ કરે છે!

  10. Vineschandra Chhotai 🕉 said,

    June 26, 2022 @ 3:03 AM

    કસૂજ નવિન નથી

    આજ્ન્મ માટે માત્ર ને માત્ર

    Matru prem થી રંગ ગીત

    યોગીસ્વર શ્રી કૃષ્ણ સર્વત્ર
    નિરાળી સ્વરૂપ ધારણ કરી
    જગત ને વાતોમાં રસ નથી
    વાંસળી ના સૂર રેલાવી દેનારીની
    વાતો સમજાતી નથી.

    જય શ્રી કૃષ્ણ

  11. Varij Luhar said,

    June 26, 2022 @ 10:01 PM

    વાહ..ગીત અને આસ્વાદ બન્ને ખૂબ સરસ

  12. મયૂર કોલડિયા said,

    June 27, 2022 @ 1:54 PM

    ખૂબ સુંદર રચના…. વાહ

  13. Poonam said,

    June 27, 2022 @ 8:18 PM

    … મને ગોકુળિયું આવે છે યાદ..
    કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
    તને એકલાને ક્યાં છે વિષાદ? Bahoot khoob !
    Mor pinchh na rango Sam jatil ne halvi, Krishna kare kala !
    – વિવેક મનહર ટેલર –
    (૧૯-૨૧/૦૫/૨૦૨૨)

  14. Chetan Shukla said,

    June 28, 2022 @ 7:56 AM

    વાહ્…સરસ રચના

  15. કમલેશ શુક્લ said,

    June 28, 2022 @ 10:59 AM

    ખૂબ જ સરસ કલ્પન.
    રસાસ્વાદ સાથે રચના વાંચવાની મજા કંઈક ઔર છે.

  16. ચંદ્રશેખર પંડ્યા said,

    June 29, 2022 @ 2:52 PM

    જે ભૂમિ સાથે આત્માનું જોડાણ છે તેનો વિરહ ખૂબ જ વસમો હોય તે સ્વાભાવિક છે.
    ભાગોળે પેસવાને જાતાં સુગંધ મને બાર ગાઉ છેટેથી આવે
    ભાવ તણી નગરીની લાખેણી ભોંય મારી રગરગના તાર ઝણઝણાવે
    મને ભાવેણું રોજ યાદ આવે
    – ચંદ્રશેખર.

  17. વિવેક said,

    June 29, 2022 @ 5:30 PM

    સમય ફાળવીને વેબસાઇટ ઉપર પોતાનો પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment