કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
– ઊજમશી પરમાર

(કાયમ નહીં રહે) – લવ સિંહા

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.

થોડા ‌વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.

એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે.

અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.

જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે.

જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.

– લવ સિંહા

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.

10 Comments »

  1. Rohit Kapadia said,

    June 9, 2022 @ 2:58 AM

    ઈશ્વર સાથે કિટ્ટા છે અને છતાં યે વિશ્વાસ છે કે એની સાથેનો મનમુટાવ કાયમ નહીં રહે. ખૂબ જ સરસ વાત. ધન્યવાદ.

  2. pragnajuvyas said,

    June 9, 2022 @ 3:11 AM

    કવિશ્રી લવ સિંહાની સુંદર ગઝલ અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ
    લવ સિંહાની ગઝલ સાંભળવા બદલ ધન્યવાદ…જો તે રૅકોર્ડ કરી હોય તો અમને પણ મણાવશો.
    તેમની થોડી પંક્તીઓ
    દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય
    આપણે પણ માપસરનું રોઇએ
    મારો સ્વભાવ છે ‘ના’ પાડી નથી હું શકતો
    આવી તો મેં ઉછેરી બે-ચારની ઉદાસી.
    અને
    સફળતા ક્યાં માથે ચડે એમ છે!
    હજુ કોઈ અમને વઢે એમ છે
    ઘડીભર વિચાર્યું, તો‌ લાગ્યું મને
    હજી આ સંબંધો બચે એમ છે
    લગોલગ જો બેઠો, તો સમજણ પડી
    હજી થોડું અંતર ઘટે એમ છે
    સમજવા ચહું છું તને ક્યારનો
    પ્રયત્નો મૂકું, તો ગમે એમ છે
    ઘડીભર પ્રકાશીને થાકી ગયો ?
    તું જો, તારું સપનું ફળે એમ છે
    મને તું હસા’વાની કોશિશ ન કર
    સમજને, તું સમજી શકે એમ છે
    પ્રતિભા હવે સાથ દેતી નથી,
    વજન ખુદનું ભારે પડે‌ એમ છે
    બને કોઈ ઘટના, તો જલ્દી બને
    અહીં મારી આંખો ઢળે એમ છે
    ~ લવ સિંહા
    પ્રત્યેક શેર નવા કલ્પનો અને શેરીયતથી સજેલા! ગઝલના બંધારણમાં વર્ણોનું વજન મહત્વપૂર્ણ છે પણ એ સાચવવામાં ક્યારેક એમાંથી નીકળતા સૂરનું, શેરીયતનું વજન જળવાતું નથી. અહીં કવિએ બખૂબી બધું જ નિભાવ્યું છે.

  3. જય કાંટવાલા said,

    June 9, 2022 @ 11:50 AM

    વાહ વાહ

  4. લવ સિંહા said,

    June 9, 2022 @ 11:51 AM

    ખૂબ ખૂબ આભાર 😊

  5. preetam lakhlani said,

    June 9, 2022 @ 12:00 PM

    કાયમ નહીં રહે.બહુ સરસ ગઝલનો રદિફ છે, ગઝલની મજા કાફિયામાં નથી હોતી, મજા તો રદિફથી ઊભી થાય છે.

  6. Aasifkhan said,

    June 9, 2022 @ 12:01 PM

    Vaah vaah

  7. યોગેશ પંડ્યા said,

    June 9, 2022 @ 12:21 PM

    ખૂબ જ સરસ ગઝલ.
    એકે એક થી ચડિયાતા શેર.
    ધન્યવાદ ડો.વિવેકભાઈ.
    અભિનંદન કવિ શ્રી લવ સિંહા

  8. Lata Hirani said,

    June 9, 2022 @ 2:07 PM

    વાહ વાહ કવિ

  9. Vineschandra Chhotai 🕉 said,

    June 9, 2022 @ 4:47 PM

    વાહ વાહ વાહ
    કવિ સરસ રજૂઆત
    અભિનંદન ♥️

  10. Poonam said,

    June 10, 2022 @ 8:32 PM

    જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે,
    તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે…
    – લવ સિંહા – Waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment