નમન દેજે – નાઝિર દેખૈયા
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.
હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.
– નાઝિર દેખૈયા
ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…
Janki said,
June 4, 2022 @ 12:25 PM
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
વાહ…
સુંદર રચના
Pravin Shah said,
June 4, 2022 @ 1:55 PM
ખૂબ સરસ !
સિકંદર મુલતાની said,
June 4, 2022 @ 2:13 PM
નાઝિર સાહેબની શ્રેષ્ઠ ગઝલ.. આ સાથે આ ગઝલનું સ્વરાંકન પણ મૂક્યું હોત તો સોનામાં સુગંધ ભળત..
firdaus Dekhaiya said,
June 4, 2022 @ 3:01 PM
આભારી છું.
નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન પ્રાપ્ય બને એ માટેનો આ એક પ્રયાસ છે. શયદાયુગીન પરંપરામાંથી આવનાર નાઝિરનું સ્થાન મુખ્ય પ્રવાહથી અલગ – લોકસાહિત્યમાં મળે છે. એમના થકી ગઝલ જેવી ચીજ જે મહેફિલ-એ-ખાસની વસ્તુ છે એ મહેફિલ-એ-આમમાં-ડાયરાઓમાં, રામકથામાં, સૂફી ગાયનમાં પ્રવેશી. આજદિન સુધી કોઈ નોંધનીય સ્તરે કોઈ વિવેચક-સંપાદકે ઉલ્લેખ કર્યો હોવાનું થાદ તો નથી પણ નાઝિરની વાણી આજે કોઈ અદના માણસના મુખે ય સાંભળવા મળી જાય..નાઝિરની ગઝલો ભજન તરીકે ગવાય છે એ એની વિશિષ્ટતા છે. આ જ બ્લોગ પરની નાઝિરની એક ગઝલ આપની નોંધ હતી:’શાયરનો ખાસ પરિચય નથી પણ રચના બળકટ છે’ એ ઘણું બધું સૂચવી જાય છે. અત્યાર સુધી મરીઝ-ઘાયલ-શૂન્ય-બેફામનો ઉલ્લેખ જે પ્લેટફોર્મ્સ પરથી થતો આવ્યો છે એ જ વિધામાં નાઝિરે કામ કર્યું હોવા છતાં એ આપણા સુધી પહોંચ્યું નહોતું. નાઝિરની જન્મશતાબ્દી 2021થી આ ઉલ્લેખ શરૂ થયો એ કલેજું ઠારનારી ઘટના છે. આ સાથે રાસબિહારી દેસાઈ દ્વારા ગવાયેલી ઉપરોક્ત ગઝલની લિંક આપું છું.
-ફિરદૌસ દેખૈયા
Listen to ખુશી દેજે જમાનાને by drfirdaus on #SoundCloud
https://soundcloud.app.goo.gl/EBdzt
pragnajuvyas said,
June 4, 2022 @ 5:21 PM
ભાવનગરના કવિ મા. નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે.તેનો ડૉ વિવેક અને ડો ફિરદૌસ દેખૈયા દ્વારા સ રસ આસ્વાદ માણી આનંદ
મનમા ગુંજે
માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.
પ્રજ્ઞા વશી said,
June 4, 2022 @ 6:44 PM
નાઝિર દેખૈયાની ગઝલો તો ખૂબ જ સરસ
પ્રસ્તુત ગઝલ પણ સરસ
અભિનંદન કવિને
અભિનંદન વિવેકભાઈ.
Poonam said,
June 5, 2022 @ 9:39 AM
😍
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે…
– નાઝિર દેખૈયા – Aakhi ghazal all time Favourite!
જયેન્દ્ર ઠાકર said,
June 6, 2022 @ 6:46 AM
સુંદર ગઝલ! કવિની ખુમારી, નિર્મળતા અને સાદગી બધા જ શેરોમાં વ્યાપક છે!
હરીશ દાસાણી.મુંબઈ said,
June 6, 2022 @ 7:41 AM
સદાબહાર રચના
Vineschandra Chhotai 🕉 said,
June 6, 2022 @ 5:13 PM
ગુજરાતી સાહિત્ય
બહુજ પ્રગતિ ના શિખર
રચના અભિનંદન