આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
મુકુલ ચોક્સી

An exile – ઉમાશંકર જોશી

I wonder how this little soul
Was smuggled into life.
Not that I dread the fact of being.
That men misname as strife.

From birth to death the mortals roam,
I seek the way from death to birth;
I have wandered and will wander still
An exile on this earth.

– Umashankar Joshi

દેશવટે

આશ્ચર્ય મોટું મુજને, ઠગાઈ
આ હંસલેા ઘટ મહીં ઝટ શેં પુરાયો !
ન જાણશો કે ડરું જિન્દગીથી,
જેને જનો કલહ નામ દઈ નવાજે.

સૌ મર્ત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત્.
હું મૃત્યુથી જનમનો નવપથ શેાધુ.
ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો,

– ઉમાશંકર જોશી

ઉ.જોની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે આપણે એમણે લખેલી સંસ્કૃત કવિતા માણી. આજે માણીએ અંગ્રેજી કવિતા. પ્રસ્તુત રચના કવિએ પહેલાં અંગ્રેજીમાં લખી હતી જે ૧૯૩૫ની સાલમાં ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ હતી. પછી કવિએ જાતે જ એનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ બેલડ મીટર પ્રયોજ્યું છે. બેલડ એટલે ચાર-ચાર પંક્તિના બંધથી બનેલી રચના. પહેલી અને ત્રીજી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બીજી-ચોથી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં હોય છે, તદુપરાંત પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ મેળવેલો હોય એને બેલડ મીટર કહેવાય. (અહીં છઠ્ઠી પંક્તિમાં જો કે છંદ જળવાયો નથી.) ગુજરાતી અનુવાદમાં કવિએ સંસ્કૃત વૃત્તોને ખપમાં લીધા છે. પહેલી, ત્રીજી, સાતમી પંક્તિ ઇન્દ્રવજ્રામાં, બીજી, ચોથી- પાંચમી, છઠ્ઠી વસંતતિલકામાં અને છેલ્લી પંક્તિ ઇન્દ્રવંશા છંદમાં છે.

આત્મા કઈ રીતે ઠગાઈને શરીરના પિંજરામાં પૂરાઈ ગયો એ કવિને મન મોટું આશ્ચર્ય છે. લોકો જેને ઝઘડો કહે છે એ જિંદગીથી કવિ ડરતા નથી. આખી દુનિયાની ગતિ જન્મથી મૃત્યુ તરફની છે, પણ કવિ મૃત્યુથી જન્મ તરફનો નવતર પંથની શોધમાં છે. મૃત્યુની પેલે પાર વિકસતા-વિલસતા વિશ્વ સાથે સાક્ષાત્કાર કરવાની તેઓ મંશા રાખે છે. કોઈએ દેશવટો આપ્યો હોય અને પૃથ્વી પર ભટકવા છોડી દીધા હોય એમ નિર્વાસિતની જેમ આજીવન તેઓ મૃત્યુપર્યંતના જીવનની શોધમાં ભટકતા રહ્યા છે અને હજીય ભટકતા રહેવાની નેમ ધરાવે છે.

ગુર્જરીગિરાની સર્વોચ્ચ ચોટીએ બિરાજમાન કવિના ભાષાપ્રભુત્વ વિશે વાત કરવામાં મારો પનો તો સાવ ટૂંકો પડે, પણ આ કવિતા બાબતે મારો નમ્ર અને અંગત અભિપ્રાય છે કે વિદેશી ભાષામાં સ્વતંત્ર રચના કરવામાં અને પછી એનો અનુવાદ કરવામાં કવિ ક્યાંક નાનકડી થાપ ખાઈ બેઠા છે. ‘Being’નો અનુવાદ કવિએ જિંદગી કર્યો છે. હકીકતમાં બીઇંગ એટલે હોવું, અથવા અસ્તિત્વ. આજ રીતે જિંદગીને લોકોએ કલહ યાને ‘strife’ કહીને નવાજે છે, એમ કવિ કહે છે. અહીં ‘strife’ શબ્દ કેવળ ‘life’ સાથે પ્રાસ મેળવવાના હેતુથી પ્રયોજાયો હોવાની સંભાવના વધુ છે, કારણ કે જિંદગીને ઝઘડાનું ખોટું નામ આપીને લોકો સંબોધતા હોવાની વાત શું હકીકતથી વેગળી નથી?

7 Comments »

  1. pragnajuvyas said,

    July 22, 2022 @ 1:55 AM

    આ.ઉમાશંકર જોશીજીના સુંદર ઊર્મિકાવ્યના ખૂબ સરસ અનુવાદનો ડૉ વિવેકનો હંમેશ જેમ
    સ રસ આસ્વાદ માણતા યાદ આવે..
    આખી પૃથ્વી પરઆગંતુકની જેમ રખડવાનો ૨૪ વર્ષની ઉંમરે જ મનસૂબો સેવેલો:
    પૃથ્વી પરે દેશવટે ગયા સમો.
    ઉમાશંકરજીને લોભ તો જ્ઞાનનો, સ્થાનનો નહિ.
    મારગ બદલાઈ ગયા,
    પાધર નવાં જ થયાં,
    ઓળખીતાં કો’ક કો’ક ઝાડ તે ખોવાઈ ગયાં—
    મારગ બદલાયા એનો કવિને રંજ નથી. રાજમાર્ગોને બદલે કેડી પ્રત્યેનો કવિનો પક્ષપાત જાણીતો છે. ચીલે ચાલવાને બદલે કેડી પાડે તે કવિ. નવાં પાધર થાય એ ગમે તેવી વાત નથી પણ પરિવર્તનની પ્રક્રિયા સ્વીકારીને કવિ આગળ ચાલે છે. એ પછી એકાએક અંગત ખટકો જાગે છે: ‘ઓળખીતાં કો’ક કો’ક ઝાડ તે ખોવાઈ ગયાં.’ આ પાલવે એવી વાત જ નથી. કવિ–હૃદય ઊછર્યું છે પ્રકૃતિના પરિવેશમાં. નિસર્ગશ્રીએ દીક્ષા આપેલી છે. બામણાથી આબુ પર્વતની ઊંચાઈ સુધીનાં વનોની કવિએ પગપાળા યાત્રા કરેલી છે. નખી સરોવરે એમને યુવાવસ્થાના ઉંબરે ઊભા રાખીને દીક્ષા આપેલી છે કે કવિ, તું સૌંદર્યોનું પાન કર, તારું હૃદયઝરણું પછી આપમેળે ગાઈ ઊઠશે.
    વૃક્ષ સાથેનો, એનાં ધૂળિયાં મૂળિયાં સાથેનો કવિનો સંબંધ જાણીતો છે.

  2. Varij Luhar said,

    July 22, 2022 @ 11:18 AM

    ખૂબ સરસ આસ્વાદ..

  3. DILIPKUMAR CHAVDA said,

    July 22, 2022 @ 12:27 PM

    વાહ બંને ભાષામાં મોજ..
    આસ્વાદથી વધુ સમજાય એવી કૃતિ

  4. Trilokbhai Kandoliya khakhi said,

    July 23, 2022 @ 11:04 PM

    ખુબ સરસ

  5. Poonam said,

    July 27, 2022 @ 11:01 AM

    “ ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
    પૃથ્વી પરે દેશવટે ગયા સમો…”
    – ઉમાશંકર જોશી – Aahaa!

  6. M Chaudhary said,

    July 6, 2023 @ 6:40 PM

    સાહેબ,
    નમસ્કાર!!
    આપશ્રી વિવિધ પંક્તિઓ મૂકવાનો અનોખો પ્રયાસ કર્યો છે તે બદલ અભિનંદન. સાથે જ એક વિનતી કરું છું કે આપશ્રી સંભવ હોય તો પંક્તિઓને સંક્ષિપ્તમાં સમજાવો ભગીરથ પ્રયાસ કરો, કારણ કે , અમૂક પંકિતઓના પદઓનું અર્થઘટન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છીએ.. જેથી વાંચક વર્ગને પંક્તિઓને સમજવામાં મદદ મળે અને તેનો મર્મ જાણી ગુજરાતી ભાષા વધું સમૃદ્ધ કરી શકે. આશા રાખીએ છીએ કે આપશ્રી મારું સૂચન ધ્યાનમાં લેશો..
    ધન્યવાદ 🙏🙏🙏

  7. વિવેક said,

    July 7, 2023 @ 11:33 AM

    @ M Chaudharyઃ

    વેબસાઇટના મથાળે બદલાતી રહેતી પંક્તિઓની વાત આપ કરી રહ્યા છો? એ પંક્તિઓ સમજાવી શકાય એવી સગવડ સાઇટ આપતી નથી. પ્રતિભાવ બદલ આભાર

    કુશળ હશો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment