એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ
– મનોજ ખંડેરિયા

કાં કૃપણતા? – ઉમાશંકર જોશી

न ते मृत्युप्रायां
तमःकृष्णच्छायां न खलु सलिलं प्रार्थय इह ।
तडित्तेजोयुक्तं जलद ! विकटं गर्जितमथ
तदेकं याचेऽहं तदनवरतं गर्ज कुपितम्
.                      अयि वरद ते घर्घररवम् ॥
सुधाऽऽस्वादं यत्ते
स्मितं नाहं याचे तदभिलषिताः सन्तु बहवः ।
कृते भ्रूभङ्गानां मम तु भवति प्रार्थितमहो
कटाक्षैर्युक्तानामयि हृदयमूर्ते ! कुरु कृपाम्
.                      सुलभविषये किं कृपणता ॥

– उमाशंकर जोशी

કાં કૃપણતા?

અરે કૃષ્ણચ્છાય
નર્યું મૃત્યુપ્રાય પ્રથિત જલનું વર્ષણ તવ
જરીયે વાંછું ના, પણ જલદ હે ! મુક્ત મનડે
તડિત્-નૃત્યેાલ્લાસે ગહન જગવી મંથન નભે,
.                      વરદ, કુપિતો ગર્જ તુજ જે.
સુધાસ્વાદપ્રેર્યાં
સ્મિતો હું યાચું ના; સ્મિતવલખતા કૈંક, ન મણા.
તવ ભ્રૂભંગાર્થે સતત, દયિતે, પ્રાર્થન મમ.
કટાક્ષેા વર્ષંતી અયિ, હૃદયમૂર્તે, કર કૃપા.
.                      સુલભ વિષયે કાં કૃપણતા ?

– ઉમાશંકર જોશી

આજે ઉ.જોની ૧૧૧મી જન્મજયંતીએ એક સાવ અલગ જ પ્રકારનું કાવ્ય…

બહુ ઓછા મિત્રોને ખબર હશે કે ઉ.જો. સંસ્કૃતમાં પણ કાવ્યો લખતા. પહેલાં ગુજરાતીમાં લખી લીધા બાદ એનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હોય એવુંય નહીં. અઢાર વર્ષની કૂમળી વયે લખેલું આ કાવ્ય ગુજરાત કૉલેજ મૅગેઝીનમાં છપાયું હતું. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ કાવ્યનો કવિએ જાતે જાન્યુઆરી ૧૯૩૦માં ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો. બંને કાવ્ય ખંડ શિખરિણીમાં લખાયેલ છે.

વાત તો પ્રણયની જ છે, પણ રજૂઆત મજાની છે. કવિ પોતાની શ્યામવર્ણા પ્રિયાને કહે છે કે આંખેથી વરસતાં આંસુઓ થકી વ્યક્ત થતો પ્રેમ બહુ જાણીતો છે, પણ મને એ મૃત્યુસમાન લાગે છે અને મને એની જરાય ઇચ્છા નથી. કવિને મન તો વીજળી નૃત્યોલ્લાસ કરી આકાશમાં ગહન મંથન જગવે અને ક્રોધિત આકાશ જે રીતે ગર્જના કરે એવા ઉત્તમ મુક્ત મનના પ્રેમની અભિલાષ છે. કૈંક લોકો પ્રિયપાત્રના સ્મિત માટે વલખતાં હોય છે એની ના નથી, પણ કવિને અમૃતનો સ્વાદ આપે એવા સ્મિત પણ જોઈતાં નથી. કવિને તો પોતાની પ્રિયાને સતત ભવાં ચડેલાં રહે એવી પ્રાર્થના કરે છે. પોતાના હૃદય પર કટાક્ષો વરસાવીને કૃપ કરવાનું પ્રિયાને ઇજન આપતાં કહે છે કે સ્ત્રીઓને માટે તો આ વિષય –રીસ-ગુસ્સો વગેરે ખૂબ જ સુલભ છે, તો એ બાબતે કંજૂસાઈ શીદ આચરવી?

નાની અમસ્થી વાત. પણ વિષયવસ્તુની માવજત અને છંદોવિધાનન કારણે મૂળ સંસ્કૃત કાવ્ય અને કવિએ પોતે કરેલ ગુજરાતી અનુવાદ –ઉભય નખશિખ આસ્વાદ્ય બન્યા છે.

6 Comments »

  1. Pravin Shah said,

    July 21, 2022 @ 2:22 AM

    ખૂબ સરસ !

  2. Varij Luhar said,

    July 21, 2022 @ 11:23 AM

    ‘ વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી ‘ જેવી ઉદાત્ત વિચારધારાને બધા જ સાહિત્ય પ્રકારોમાં ઢાળતા રહેલા
    આપણાં સૌના પ્રિય આદરણીય કવિ શ્રી ઉમાશંકર જોશીની દિવ્ય ચેતનાને વંદન 🙏🙏

  3. Kajal said,

    July 21, 2022 @ 11:38 AM

    ખુબ સરસ

  4. Lata Hirani said,

    July 21, 2022 @ 2:01 PM

    અરે વાહ… સરસ શોધી લાવ્યા…..

    અભિનંદન.

  5. pragnajuvyas said,

    July 21, 2022 @ 5:51 PM

    ચિંતનશીલ, માનવતાવાદી સર્જક કવિ ઉમાશંકર જોશીની ખૂબ સુંદર રચના દ્વારા ૧૧૧મી જન્મજયંતીએ મધુર સ્મરણાંજલી
    અને
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ.
    કવિ શ્રી ઉમાશંકર જોશીની દિવ્ય ચેતનાને લખ લખવંદન

  6. Vineschandra Chhotai 🕉 said,

    July 21, 2022 @ 7:54 PM

    ગુજરાતી ભાષા ના મુધન્ય સાહિત્ય kar

    ઉત્તમ રચના @ vandan 111 જયંતી

    ગર્વ સભર વાતો @ આનંદદાયક

    Dr.vivek ને આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment