મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

પગલાં પડી રહ્યા… – રમેશ પારેખ

દૂર દૂરથી સરી આવતી
કેડી ઉપર
સૂનકારનો ડમરી વચ્ચે ફંગોળાતું
શુષ્ક નજરનું પાન
ઊડીને
ઘરમાં પાછું આવે

હળી ગયેલા શ્વાન સમો
ફળિયાનો તડકો
ઊંબર સુધી આંટો લઈને
નેવાંના પડછાયા સૂંઘી
કંકુ ચીતરી ભાત ઉપર રગદોળી કાયા
ભીંત ઠેકતો
સાંજ બખોલે જઈ
નિરાંતે ઘોરે

પરોઢીએ પૂરેલી
કોરી લાલચટ્ટાક સેંથીની છેલ્લી ઝાંય
ઊડીને આથમણે આકાશે વળગી જાય

વેણીમાંથી ચીમળાઈને ખરી પડેલાં
ડોલર ફૂલ – શા
તારાઓની ઝળમળ
વેરે અંધકારની જરઠ હથેળી
ઘરને ખૂણે
બળે કોડિયું હાલકડોલક
હાલકડોલક પડછાયા તો ફળિયા સુધી જાય
પોપચાં ઢળી રે જાય
પોપચાં ઢળી રે જાય
તબકતાં ઝૂલચાકળામાંથી ભીનાં વળામણાં સંભળાય

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ

બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ

ઊમટે ડામચિયે ચંદરવો
એમાં પાંચ પૂતળી ઝૂલે
એમાં પાંચ ઘૂઘરી ઝૂલે
ઝૂલે પૂતળીઓ તો રાનક ઝણકતી એવું
પેલા દાદાજીને દેશ ઝૂલ્યા’તા સૈયર સંગે
ગામગોંદરે સીમખેતરે જેવું
રામણ દીવડે
ધૂળ બનીને બાઝયું
આખા ઘરનું રે એકાંત

એકલા ખખડી ઊઠતાં કંકણમાંથી
દડી નીકળે તળાવની ભીનાશ
અને ભીનાશે તરતું આસોપાલવ ઝાડ

આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે અંકાશ
ને છાંયા પડી રહ્યાં રે લોલ

 

ઊગે રે પડછાયાના ઝાડ
ઊગે રે પડછાયાના ઝાડ
હવે તો ઊંબર ઊગ્યા પહાડ
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત

રાતને
ભરનીંદરમાં શ્વસે
છાપરે
કાગ.

– રમેશ પારેખ

શબ્દચિત્ર….. પ્યારું કો‘ક ચાલ્યું ગયું…..કે ભીતરથી કોઈક બંધન તૂટ્યું… ખિન્નતા પારાવાર વ્યાપી – ભીતરે.

સંબંધ સમજાતા નથી…..કોઈ નિયમ હોતા નથી, કોઈ કાયદા લાગતા નથી. આપનાર આપ્યે જ જાય છે અને લેનારને કોઈ તમા નથી. સિતારાઓના ઝગમગાટ વચ્ચે આરતીનો દીવો ટમટમીને નિસ્તેજ થતો થતો બુઝાઈ જાય છે….

અંતહીન વેદનામાંથી વિના શરતે પસાર થવાની સજ્જડ તૈયારી ન હોય તો પ્રેમથી અળગા જ રહેવું….

2 Comments »

  1. Chetan Shukla said,

    July 26, 2022 @ 9:10 PM

    અદભૂત

  2. pragnajuvyas said,

    July 27, 2022 @ 1:54 AM

    સ્વ.રમેશ પારેખનો માનવમનના સૂક્ષ્મ તથા સંવેદનમૂલક ભાવો પ્રગટ કરતો ઊર્મિપ્રધાન ઉદ્રેક.
    ડૉ તીર્થેશજી સ રસ આસ્વાદ.
    ભારતની વિવિધ ભાષાઓની લોકકવિતાની ગેય રચનાઓ કંઠસ્થસ્વરૂપે લોકભોગ્ય કાવ્યપ્રકાર તરીકે ઊર્મિ કવિતાનું મૂળ સ્વરૂપ જ છે. ર.પા.જેવા કવિ ચીલાચાલુ ભાષા-લઢણો અને અર્થ-સંદર્ભો ઉવેખીને બળવત્તર અર્થસાધકતા અને સંકેત પ્રયોજી અસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ અને આંતરચેતનાપ્રવાહ જેવાં વલણો પ્રગટ કરી રહી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment