લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

(કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં) – હિતેશ વ્યાસ

કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?
ક્યાં ક્યાં એ આજ લગ ઊડીને આવ્યાં ને આગળ ક્યાં ઊડવા અવકાશ છે?

સ્ટૉરરૂમ-બૉરરૂમ માળામાં હોય નહીં, હોય નહીં દાણાના કોઠા,
સાતે પેઢીના વળી દાણા હો તોય નહીં એવા પંખીને ગણે મોટા,
બાપુજી વારસામાં મોટું આકાશ દઈ ગુજર્યા હો એવી કઈ જાણ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભાળ્યું છે પંખીને ચિંતાઓ કરતાં કે મોટું થઈ ઈંડુ શુ થાશે?
ભરભાદર થાશે ને દૂર લગી ઊડશે ને ઊડીને પરદેશે જાશે;
પંખી ક્યે, સઘળી આ ચિંતાઓ જાણે કે પિંજરાનો લાગે આભાસ છે.
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભગલાભઈ રોજ રોજ ઊઠીને દી’ પૂરતા દાણા જે નાંખે, તે ખાય છે,
કોઈ દી’ જો ભૂલથી એ ઝાઝું નાંખે ને, તો પંખી ક્યાં હારે લઈ જાય છે?
છેડો ક્યાં આભનો ને ક્યાંથી મંડાય એવું જાણવાનો ક્યાં કંઈ પ્રયાસ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

– હિતેશ વ્યાસ

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે મેદાન મારનાર તરવરિયા કવિઓમાંના એક તે હિતેશ વ્યાસ. કવિ સાથેનો આ મારો એ પ્રથમ પણ સુખદ પરિચય.

પંખીને પ્રતીક બનાવી કવિ સ-રસ ગોઠડી આપણી સાથે માંડે છે. પંખીમાત્રને કેવળ ઊડવા સાથે નિસબત હોય છે. આકાશ કેટલું વિશાળ છે અને ભૂતકાળમાં શું કર્યું કે ભવિષ્યમાં શું કરવાને અવકાશ છે એવી બાબતો પંખીને માટે ગૌણ છે. એ કેવળ આ ક્ષણમાં જીવે છે. ન તો તેઓ માળામાં આવતીકાલ કે આવતી પેઢી માટે કશું એકઠું કરે છે, ન તેઓને એવી બાબતની કોઈ તમા છે. એમની દુનિયામાં બધા એકસમાન સ્થાને છે. વારસાઈ-ફારસાઈની વાતો પણ અહીં કરવાની થતી નથી. ઈંડાની કે ઈંડાના ભવિષ્યમાં તેઓ લોહીઉકાળો પણ કરતાં નથી, ને બચ્ચાં મોટાં થઈ, સમાજમાં પ્રતિષ્ઠા પામતાવેંત ઊડી જશે એવી કોઈ ચિંતાઓ પણ એમને સતાવતી નથી, કેમકે ચિંતા આખરે તો એક પિંજરું જ છે અને પંખીને કેવળ આજ અને આઝાદી જ પસંદ છે. કોઈ ચણ નીરે તે ખઈ લે છે અને ચણ વધારે પડ્યું હોય તો તેઓ સાથે પણ લઈ જતાં નથી. આકાશ ક્યાં શરૂ થાય અને ક્યાં જઈ પતશે એની પળોજણમાં પડવાનો પ્રયાસ પણ પંખી કરતાં નથી. ટૂંકમાં, પંખીપારાયણના નામે કવિ આપણને જિંદગી જીવવાના પદાર્થપાઠ બહુ સારી રીતે શીખવે છે…

ભાવબાંધણીની રીતે ગીતનો પિંડ અદભુત બંધાયો છે. ભાવ સઘન હોય, એટલે તદનુરૂપ શબ્દો તો અવશ્ય આવવાના જ. પણ એ દરમિયાનમાં ભાષાની નાજુકાઈ અને વ્યંજનાર્થ સાથે હજી થોડું ઝીણવટભર્યું અને ચીવટભર્યું કામ પાર પડાય તો ગુજરાતી ગીતની આવતીકાલ વધુ ઉજળી હોવા બાબતે કોઈ મીનમેખ નથી.

14 Comments »

  1. નેહા said,

    June 10, 2022 @ 10:58 AM

    ખૂબ સરસ ગીત..

  2. નેહા said,

    June 10, 2022 @ 11:00 AM

    ખૂબ જ સરસ ગીત

  3. Shah Raxa said,

    June 10, 2022 @ 11:19 AM

    વાહ..વાહ..ખૂબ સરસ…અભિનંદન

  4. કિશોર બારોટ said,

    June 10, 2022 @ 11:22 AM

    સરસ ગીત 👌
    અભિનંદન. 🌹

  5. Harihar Shukla said,

    June 10, 2022 @ 11:25 AM

    નરી મોજ 👌💐

  6. Sandhya Bhatt said,

    June 10, 2022 @ 11:51 AM

    પંખી વર્સેસ માણસ…વાહ

  7. રિયાઝ લાંગડા(મહુવા). said,

    June 10, 2022 @ 3:06 PM

    ખૂબ સરસ ….👌👌

  8. લવ સિંહા said,

    June 10, 2022 @ 3:51 PM

    વાહ ભાઇ

  9. ડૉ. કુલદીપ ઠકકર said,

    June 10, 2022 @ 6:48 PM

    એક મોટીવેશનલ સ્પીચ એક કલાક આપવામાં આવે એટલું જ આ નાનકડું ગીત થોડા શબ્દોમાં કહી જાય છે. કેટકેટલી વાતો સમાવિષ્ટ થઈ છે ! પણ અફસોસ એટલો કે કાવ્ય સમજવાનું એક લેવલ જ સામાન્ય ગુજરાતી પાસે રહ્યું નથી.

  10. pragnajuvyas said,

    June 10, 2022 @ 8:59 PM

    કવિશ્રી હિતેશ વ્યાસનુ મધુરું ગીત અને ડૉ વિવેકનો મધુરતમ આસ્વાદ
    પંખી ક્યે, સઘળી આ ચિંતાઓ જાણે કે પિંજરાનો લાગે આભાસ છે.
    કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?
    વાહ
    આપણા જીવન સાથે પંખી જોડાયલા છે તે અનેક અભિવ્યક્તીઓમા માણવા મળે છે જેવા કે-
    પંખી સહિત હવા ચાતરીને જાય
    એવું અષાઢી દિવસોમાં લાગે અને
    ઘણાં બધાં પંખીઓ એકસાથે રહે. એક પંખીએ કહ્યું કે મારે તમારી સાથે નથી રહેવું. મન થાય ત્યારે ઊડું અને મન થાય એમ કરું. હું એકલો રહીશ. પંખીના ટોળાનો જે વડો હતો તેણે કહ્યું કે, ભલે જેવી તારી મરજી. તું આઝાદ છે. તું સતર્ક રહીશ તો તારું મન થાય ત્યાં વિહરી શકીશ, પણ જો શિકારીના હાથમાં આવી ગયો તો પાંજરામાં ધકેલાઈ જઈશ.

  11. હરીશ દાસાણી.મુંબઈ said,

    June 10, 2022 @ 11:01 PM

    સુંદર ગીત

  12. Dhiren Thaker said,

    June 11, 2022 @ 3:09 AM

    પંખી વર્સેસ માણસ…વાહ વાહ ભાઇ

     ભલે જેવી તારી મરજી. તું આઝાદ છે. તું સતર્ક રહીશ તો તારું મન થાય ત્યાં વિહરી શકીશ, પણ જો શિકારીના હાથમાં આવી ગયો તો પાંજરામાં ધકેલાઈ જઈશ.

    એક મોટીવેશનલ સ્પીચ એક કલાક આપવામાં આવે એટલું જ આ નાનકડું ગીત થોડા શબ્દોમાં કહી જાય છે. કેટકેટલી વાતો સમાવિષ્ટ થઈ છે !

  13. Poonam said,

    June 13, 2022 @ 11:10 AM

    છેડો ક્યાં આભનો ને ક્યાંથી મંડાય એવું જાણવાનો ક્યાં કંઈ પ્રયાસ છે?
    કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?
    – હિતેશ વ્યાસ – vyaas ne vajabi prashno 👌🏻
    Aaswad 👌🏻

  14. Mansi shah said,

    June 16, 2022 @ 10:14 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment