માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

શું કરશો ? – “નાઝિર” દેખૈયા

બળેલો છું હવે મુજને વધુ બાળીને શું કરશો?
રહ્યો ના અર્ક કંઈ બાકી, જીવન ગાળીને શું કરશો?

તમન્ના કંઈ નથી. મુજને હવે આ દીન-દુનિયાની,
જીવનની આપદા મારી હવે ટાળીને શું કરશો?

અમે માન્યું બીજાને તો તમે શિક્ષાય કરવાના,
ઉજાડે બાગ ખુદ માળી તો એ માળીને શું કરશો?

પતંગાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે વિરહે બળવાની,
તમે નાહક શમા જીવનની પ્રજવાળીને શું કરશો?

પુરાણી પ્રીત તોડીને ઊડી જાશે એ પળભરમાં,
પછી ખોટાં વચન એનાં તમે પાળીને શું કરશો?

જીવનમાંથી ઉમંગો, આશ, અરમાનો ગયાં ‘નાઝિર!”,
હવે પુષ્પો વગરની એકલી ડાળીને શું કરશો?

– “નાઝિર” દેખૈયા

Leave a Comment