સંકેલો હવે – મુકેશ જોષી
શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે
ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે
આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે
સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે
એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે
– મુકેશ જોષી
pragnajuvyas said,
June 15, 2022 @ 11:42 PM
કવિ શ્રી મુકેશ જોષીની ખૂબ સરસ ગઝલ બદલ ધન્યવાદ ડૉ તીર્થેશજી
એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે
મક્તા ખૂબ ગમ્યો .ઈચ્છાની વાત સાથે અહીં ઇચ્છામૃત્યુ યાદ આવે. જ્યારે કોઈ માણસ કોઈ રોગથી અસહ્ય પીડાથી બેવડ વળતો હોય, અતિ ત્રસ્ત હોય ત્યારે એ પીડાથી છૂટવા હોઝપીસ સારવાર આપી તેની મૃત્યુની ઇચ્છા આનંદપૂર્વક પુરી કરવામા આવે છે
સાથે યાદ આવે કવયિત્રી પ્રજ્ઞા વશીની રચના
દુશ્મનીના હાથ સંકેલો હવે,
ખંજરોના નાચ સંકેલો હવે.
આપણું આ ઘર પછી ઘર ના રહે,
સુપ્ત રાવણજાત સંકેલો હવે.
ક્યાં મળે પગરવ પછી ઇન્સાનના,
થોડી વાનરજાત સંકેલો હવે.
કૈંક અફવા, ગીધ થૈ ઘટના ચૂંથે,
ઘાત–પ્રત્યાઘાત સંકેલો હવે.
આહ, નિ:શ્વાસો નથી મંજૂર તો,
નફરતી સોગાત સંકેલો હવે.
છે ક્ષણિક, મોંઘામૂલી આ જિંદગી,
‘હું’પણાનો નાદ સંકેલો હવે.
અને કવિશ્રી અરવિંદ બારોટની રચના
વીતી ગઈ છે રાતઃ પથારી સંકેલો !
પોકારે પર ભાતઃ પથારી સંકેલો !
અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
રુંવે રુંવેરણઝણતુંકો’ બીન બજાવેેત
આ જ ઘડી રળિયાતઃ પથારી સંકેલો !
મોંસૂઝણાની વેળા થઈ છેઃ નેણાં ખોલો !
અજવાળાંનાં પગલાં થાશેઃ ખડકી ખોલો !
પરદા ખૂલશે સાતઃ પથારી સંકેલો !
બચકાં બાંધોઃ જાવું છે છેટાની વાટે,
વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટેત
ભેળી લેજો જાતઃ પથારી સંકેલો ! અને
અમારા ઉષાબેનશ્રીના ગીત
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની પર અમારા ડો.વિવેકજી આસ્વાદમા કહે-‘ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય.’