જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.
વિવેક મનહર ટેલર

રોજ – ચિનુ મોદી

મેડીએ ચડીને તમે બેઠેલાં હોવ
.             તમે ઊભેલાં હોવ
.             તમે થીજેલાં હોવ
તમે કંપેલાં પાણીથી બ્હીધેલાં હોવ
અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે.

રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય
રોજ ૫૨પોટા ફૂટ્યાના હોબાળા થાય
રોજ હુક્કા છોડીને નેળ નોધારાં થાય
રોજ તડકામાં પૂર અને ઓવારા થાય
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યા કરે,
વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યા કરે.

ક્યાંક આંગળીઓ દૂઝણી ને વેળા ખલાસ
ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ
ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ
ક્યાંક મ્હોરાં ખલાસ, ક્યાંક ચ્હેરા ખલાસ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે

– ચિનુ મોદી

કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને કેટલો ‘ફ્રી-હેન્ડ’ આપે છે એનો થોડો ખ્યાલ આ રચના પરથી આવે એમ છે. ભાગ્યે જ જોવા મળે એવું નવ-નવ પંક્તિઓમાં પથરાયેલ મુખડું અને ચાર-ચાર પંક્તિના બંધ સાથે ચાર-ચાર પંક્તિની પૂરકપંક્તિઓ. ચિનુ મોદી ભાષા પાસેથી એનો કાન આમળીને ધાર્યું કામ કઢાવી લેનાર કવિઓમાંના એક છે. કવિતાના નાનાવિધ કાવ્યસ્વરૂપોને એમણે જેટલા તાગ્યા છે, એટલા બહુ ઓછા સ્વાતંત્ર્યોત્તર કવિઓએ તાગી જોયા છે.

દુનિયા કોઈના માટે રોકાઈ નથી, ન રોકાશેનો સૂર ગીતમાંથી જન્મે છે, પણ કવિની વાત-માંડણીની જે રીત છે એની ખરી મજા છે. લય એવો પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીત વાંચી જ ન શકાય. ગીત જેને સંબોધીને લખાયું છે એ ‘તમે’ એટલે માન આપીને બોલાવાય એવી કોઈ સ્ત્રીની વાત છે એ ‘બેઠેલાં’ વિ. શબ્દોના માથે મૂકાયેલ અનુસ્વાર પરથી સમજી શકાય છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારની કમાલ ન સમજી શકે એ વ્યક્તિ તો આ કરામતથી વંચિત જ રહી જવાનો. ચિનુ મોદીના દર્શન આપણને ત્રીજી પંક્તિમાં થાય છે, જ્યાં સ્થાપિત norms ને ચાતરીને કવિ કાવ્યનાયિકા માટે ‘થીજેલાં’ ક્રિયાપદ પ્રયોજે છે. નાયિકા મેડીએ ચડી છે એનું મહત્ત્વ એના ચાહનારને મન ભલે ગમે એટલું હોય, દુનિયાને શું!. મેડીએ નાયિકા બેઠેલ હોય કે ઊભેલ હોય, કે કંઈપણ સ્થિતિમાં હોય, રસ્તા પરથી પસાર થનારાઓ એની તમામ ક્રિયાઓથી રોજ બેપરવાહ પસાર થતા આવ્યા છે, પસાર થતા રહે છે, પસાર થતા રહેશે. મેડીને ભૂલી જાવ, નાયિકાને પણ ભૂલી જાવ, દુનિયામાં કોઈ પણ ઘટના બને, નાની કે મોટી, દુનિયાને કોઈ ફરક પડતો નથી એ વાતની માંડણી કવિએ ગીતમાં કેવી મજાની રીતે કરી છે એની જ ખરી મજા છે…

10 Comments »

  1. pragnajuvyas said,

    August 4, 2022 @ 3:51 AM

    સ્વ ચિનુ મોદીના મજાના ગીતનો ડો.વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
    મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
    વ્હાણ ચાલ્યાં કરે
    રોજ ચાલ્યાં કરે
    વાહ્
    તેમની જ પંક્તિઓમા
    આંખને ખૂણે હજીયે ભેજ છે,
    આ comment લખવાનું કારણ એ જ છે.

    સાથે અનેક રચનાઓ પડઘાય છે…
    લાગણીની બીક લાગે છે મને
    વાત એ પણ ઠીક લાગે છે મને
    પાણીમાં ચહેરાને જોયો એ પછી
    દર્પણો દાંભીક લાગે છે મને !
    બંધ આંખે હેતુ વાંચો છો તમે
    રેતી દેખી સેતુ બાંધો છો તમે
    સાત પગલાં ચાલવા છે એટલે
    સાવ ટુંકો પંથ માંગો છો તમે.
    ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
    ના ગમે તો વાત આગળ ના કરે.

  2. preetam lakhlani said,

    August 4, 2022 @ 11:41 AM

    કવિતામાં શું નથી!, કેતટલી ઉત્તમ કવિતા!, વિવેક્ભાઈ બહુ ગમી

  3. Harihar Shukla said,

    August 4, 2022 @ 11:54 AM

    નરી મોજ ગીતની અને એના અદકેરા આસ્વાદની👌

  4. ડૉ. રાજુ પ્રજાપતિ said,

    August 4, 2022 @ 12:21 PM

    સરસ સુંદર ગીત … ગીતની પસંદગી માટે .. સલામ .. શ્રી .. ચીનુભાઈ ને કવિતાનાં માધ્યમથી અમરત્વ પામવા બદલ .. અભિનંદન ..

  5. Shailesh pandya Nishesh said,

    August 4, 2022 @ 1:49 PM

    વાહ.. બહું જ સરસ ગીત… એકદમ લયાન્વિત… આપણી ભાષાનું ગૌરવ સમું ગીત… વિવેકભાઈ.. ખુબ સરસ

  6. મકરંદ મુસળે said,

    August 4, 2022 @ 1:55 PM

    ક્યા બાત…
    મોજ પડી

  7. ગૌરાંગ ઠાકર said,

    August 4, 2022 @ 7:08 PM

    વાહ વાહ.. ખૂબ જ સરસ મજાનું ગીત

  8. Chetan Shukla said,

    August 5, 2022 @ 11:24 AM

    વાહ્….કેટલી લયાત્મક અને વહાણની વાત કરતી કવિતા પણ દરિયાના મોજામાં હિલ્લોળા લેતી હોય તેવી અદભૂત 

  9. Poonam said,

    August 5, 2022 @ 4:08 PM

    અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
    તોય…
    મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
    વ્હાણ ચાલ્યાં કરે…
    – ચિનુ મોદી – Waah ! Saheb…
    Aaswad 👌🏻

  10. Rajesh hingu said,

    August 6, 2022 @ 12:40 AM

    આહા.. કેવું મજાનું ગીત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment