ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ

(ઝાડવાં આવ્યાં રણે) – ડૉ. જિતુભાઈ વાઢેર

કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.

કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!

કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!

તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.

જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.

– ડૉ. જિતુભાઈ વાઢેર

લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…

11 Comments »

  1. Chetan Shukla said,

    June 1, 2022 @ 12:03 PM

    કવિને સંગ્રહ માટે શુભેચ્છા

  2. preetam lakhlani said,

    June 1, 2022 @ 12:04 PM

    કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

  3. Uday maru said,

    June 1, 2022 @ 1:24 PM

    સ્વાગત અને અભિનંદન કવિને

  4. Yogesh Gadhavi said,

    June 1, 2022 @ 1:47 PM

    કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
    બાળપણ કેવું સૂતું છે પારણે!…..
    ખૂબ જ સુન્દર રચના…

  5. રિયાઝ લાંગડા (મહુવા). said,

    June 1, 2022 @ 2:07 PM

    ખૂબ સરસ..👌
    અભિનંદન💐💐💐

  6. pragnajuvyas said,

    June 1, 2022 @ 9:03 PM

    કવિ શ્રી ડૉ.જિતુભાઈ વાઢેર અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ નું સહૃદય સ્વાગત
    વ્યવસાયે ડૉકટરો પણ પદ્યની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે. આ રચનાઓ અલંકાર અને છંદ વડે પણ સજ્જ હોય છે !
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    તુંય સારું જીવ ને હું પણ જીવું,
    બેઉનું બગડે છે ખોટાં કારણે.
    વાહ
    ‘એડજસ્ટ એવરીવ્હેર !’ આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે. ક્લેશ એ માનસિક છે, અજ્ઞાનને આધીન છે.જ્ઞાન હોય, સમજણ હોય તો નિવેડો લાવે.
    આ મક્તા
    જિંદગી એવી નકામી તો નથી,
    આખરે આવ્યો હું એવા તારણે.
    બહુ સ રસ
    તારણ-જેટલુ વહેલુ આવે તેટલુ વધુ સુંદર

  7. Aasifkhan said,

    June 2, 2022 @ 12:09 AM

    Vaah khub srs gazal

  8. Dr.Jitubhai Vadher said,

    June 2, 2022 @ 12:23 AM

    નમસ્કાર,
    લયસ્તરો પર મારી ગઝલ મૂકી એ બદલ આપનો આભારી છું, વિવેકભાઈ.
    હજુ પણ વધુ સારું લખાય અને સૌને ગમે એવું લખાય એવી અંતરની ઈચ્છા ખરી, આપનું આવું જ પ્રોત્સાહન અને ભાવક અને મિત્રો કે જેમણે કૉમેન્ટ્સ કરી બિરદાવ્યો છે એ સૌનો પ્રેમ મળતો રહે એવી હ્રદયેચ્છા…thanks all

  9. Bharat tansukhbhai vaghela said,

    June 2, 2022 @ 9:05 AM

    ખૂબ સરસ…. જિતુભાઇને અભિનંદન…..

  10. યોગેશ પંડ્યા said,

    June 4, 2022 @ 4:01 PM

    કવિ શ્રી ડો.જીતુભાઈ વાઢેર નું સ્વાગત. તેમના પ્રથમ સંગ્રહ’એક સદીનો પોરો’ને હાર્દિક શુભકામનાઓ.💐💐💐
    ઉત્તમ ગઝલ.

  11. Lata Hirani said,

    June 9, 2022 @ 2:11 PM

    સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment