ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા

વીણેલાં મોતી – લવ સિંહા

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે,
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર.
*
હું એને પામવાના પ્રયાસો કર્યા કરું,
જેનો જરા પ્રભાવ મને મારી નાખશે.

કડવી છે કહીને મારી દવા પણ નહીં કરે,
હદથી વધુ લગાવ મને મારી નાખશે.
*
ઘડીભર વિચાર્યું તો‌ લાગ્યું મને-
હજી આ સબંધો બચે એમ છે.

લગોલગ જો બેઠો, તો સમજણ પડી,
હજી થોડું અંતર ઘટે એમ છે.
*
નાની બહુ જ લાગી ઘરબારની ઉદાસી,
જોઈ રહ્યો છું હું તો સંસારની ઉદાસી.
*
હું તને જોઈને દુનિયા જોઉં છું,
કંઈ નથી એવું કે જે ગમતું નથી.
*
દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય,
આપણે પણ માપસરનું રોઈએ.

શાંત થઈએ અથવા તૂટી જઈએ, ચલ!
ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ?

– લવ સિંહા

પ્રવર્તમાન નવી પેઢીમાં ઝડપભેર આગળ આવી રહેલા નામો પૈકી એક તે લવ સિંહા. એમની થોડી ગઝલોમાંથી કેટલાક ગમી ગયેલા શેર આજે આપ સહુ માટે. આ બધા જ શેર બહુ હળવે હાથે ખોલવા જેવા છે.

3 Comments »

  1. pragnajuvyas said,

    July 16, 2022 @ 6:44 AM

    શાયરી શબ્દ સાંભળીને જ આ૫ણુ મન હળવુ થઇ જાય -રોમેન્ટીંક મુડમાં આવી જવાય. આમતો શાયરી ૫ણ ખણા પ્રકારની હોય છે જેવી કે લવ શાયરી, લાગણી શાયરી, પ્રેમ ભરી શાયરી, દર્દ ની શાયરી, વિરહ શાયરી, શ્રદ્ધાંજલિ શાયરી, દુખ ભરી શાયરી, સુંદરતા શાયરી, ભાઈ બહેન ની શાયરી, રાધા ની શાયરી, ગુલાબ ની શાયરી ઈ.
    આજે ખૂબ જ સુપ્રસિઘ્ઘ કવિ લવની શાયરી માણી -વોહી તો મેં સોચું કે, શેર યે હૈ તો ગઝલમેં ક્યા હોગા ? ડૉ વિવેકજી હવે તો આ શેરવાળી ગઝલ બને તો કવિના સ્વરમા આસ્વાદ સાથે મણાવવી પડશે

  2. લવ સિંહા said,

    July 17, 2022 @ 8:02 AM

    ખૂબ ખૂબ આભાર 😊

  3. Harihar Shukla said,

    July 18, 2022 @ 9:48 AM

    બધા શેર સરસ પણ પહેલો તો શિરમોર 👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment