મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.
અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.
પંચમ શુક્લ

મેઘ વરસી જા – ચંદ્રશેખર પંડ્યા

મૂશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઓતરાદું કોરું ધાક્કોર,
ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઈ ગ્યો ડાકોર,
મેઘ વરસી જા અઢળક આ કોર.

બતકી ને હંસ તરે રેતીને વ્હાણ, ઓલ્યા કલકલિયે છોડી છે માછલી,
સુરખાબે ૨ણને સલામ કરી લીધી છે, ભરવા ઉડાન હવે પાછલી,
ચાતક ટિટોડી તો પરસેવે ન્હાય, અને આંસુડાં પીવે છે મોર
મેઘ વરસી જા અઢળક આ કો૨.

કેમ કરી ખેડૂના ખાડા પુરાય, તને સ્હેજે પણ આવે ના લાજ?
ઝરણાંને નદીયુંથી અળગાં કરીશ! એવા નખરાને છોડી દે આજ
એકવા૨ ધોધમા૨ ૨મઝટ બોલાવ, પછી નિરાંતે આવ છેક પોર
મેઘ વરસી જા અઢળક આ કો૨

પર્ણોએ ખોયાં છે ઓસ તણાં બિંદુ ને ચીમળાઈ ગઈ છે લજામણી
નાગરની વેલ, રાતરાણી ને જૂઈ, કદી નીરખી ના આમ સાવ વામણી
જલદી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થો૨
મેઘ વરસી જા અઢળક આ કો૨.

– ચંદ્રશેખર પંડ્યા

કવિના નામ સાથે આજ પહેલાં કોઈ પરિચય નહોતો. અચાનક કુરિયરમાં એક પુસ્તક આવ્યું – ‘કોઈ સગાં થાવ છો?’ સાવ અલગ જ પ્રકારનું શીર્ષક. સંગ્રહ ખોલ્યો. પહેલાં કવિપરિચય વાંચ્યો અને પછી હરીકૃષ્ણભાઈએ લખેલી પ્રસ્તાવના થોડી વાંચી. અન્ય કોઈએ ઊભી કરેલી છાપની અસરમાં સંગ્રહમાં પ્રવેશવાનું થાય એ પહેલાં સંગ્રહમાંથી પસાર થવું શરૂ કર્યું. ઘણી રચનાઓ ગમી જાય એવી. વિષય વૈવિધ્ય અને મૌલિકતા આંખે ઊડીને વળગે એવાં. મોટાભાગનાં ગીતોમાં છૂટકમૂટક તો છૂટકમૂટક, પણ અલગ જ પ્રકારનો સ્પાર્ક જોવા મળ્યો. લયસ્તરો પર કવિ અને એમના ગીતસંગ્રહનું સહૃદય સ્વાગત છે.

આપણે ત્યાં ચોમાસું દક્ષિણથી પ્રારંભાય. ઘણીવાર એવું થાય કે મેઘો ત્યાં એવી બેઠક જમાવી બેસે કે અહીં આવવાનું જ ભૂલી જાય. આવા કોઈ વરસાદાતુર સમયનું આ ગીત છે. વર્ષાની રાહ જોતાં ગીતો તો અસંખ્ય છે, પણ મુખડાની બીજી કડી એને આ ગીતોના ઢગલામાં અલગ તારવી આપે છે. ડાકોરની કથા જાણીતી છે. વિજયસિંહ બોડાણા બોત્તેર વર્ષની વય સુધી દર વરસે વરસમાં બે વાર તુલસી લઈ દ્વારિકા જઈ રણછોડરાયની પૂજા કરતા, પણ શરીરે સાથ દેવાની ના કહી, ત્યારે દ્વારકાધીશે સ્વપ્નમાં આવી એને ગાડું લઈ દ્વારકા આવવા આમંત્રણ પાઠવ્યું. ગૂગરી બ્રાહ્મણોએ મંદિરને તાળું મારી દીધું તો રાત્રે ખુદ દ્વારકાધીશે તાળાં ખોલી નાંખ્યાં અને રથ હંકારી બોડાણા સાથે ડાકોર આવી ગયા. આ વાતનો સંદર્ભ લઈને કવિ મેઘા સાથે અંકોડા ભરાવે છે. કહે છે, જે રીતે બોડાણો માધવને ડાકોર લઈ ગયો હતો એ રીતે શું મારે તને ગાડામાં બેસાડીને ઉત્તરમાં લઈ આવવાનો છે?

પછીના ત્રણ બંધમાં કવિ વરસાદની અનુપસ્થિતિના ત્રણ મજાનાં ચિત્રો દોરી આપે છે. પહેલા ચિત્રમાં તરસે વલખાં મારતાં પક્ષીઓની પરિસ્થિતિ તાદૃશ થાય છે, તો બીજા બંધમાં ખેડૂતની વ્યથાને કવિએ ચીતરી છે. સામાન્યતઃ નદીમાં ભળી જતાં ઝરણાંઓ સૂકાઈ જાય ત્યારે નદીથી અલગ થયેલાં નજરે આવે એ વાતને રજૂ કરીને કવિએ વરસાદના અભાવને જે રીતે ચાક્ષુષ કર્યો છે, એવું કામ ગુજરાતી કવિતામાં ઓછું જ થયું છે. ત્રીજા બંધમાં વનસ્પતિસૃષ્ટિને સમાવી લઈને કવિ સમગ્ર પ્રકૃતિચક્રને આવરી લઈ આપણને મજાનું પ્રતીક્ષા-કાવ્ય આવે છે.

24 Comments »

  1. pragnajuvyas said,

    July 2, 2022 @ 6:54 AM

    કવિ શ્રી ચંદ્રશેખર પંડ્યાનુ સુંદર-ગીત મેઘ વરસી જા ના ડો વિવેકના આસ્વાદમા જણાવે છે તે પ્રમાણે અસંખ્ય મેઘ કાવ્યોમા-‘ સમગ્ર પ્રકૃતિચક્રને આવરી લઈ આપણને મજાનું પ્રતીક્ષા-કાવ્ય જેવા કાવ્યો ઓછા જોવા મળે છે .વાતે યાદ આવે રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા કવિ શ્રી હરિશ્ચંદ્ર જોશી :
    કોણ ભીનો આપે આધાર
    છેડીને રણમાં મલ્હાર ?
    કોણ હુલાવે શબ્દકટાર
    બન્ને બાજુ કાઢી ધાર ?
    ડોળીમાં શ્લથ સૂરજ લઈ
    સાંજ નીકળે બની કહાર.
    આખી રાત રડ્યું કોઈ –
    ઝાકળ ઝાકળ ઊગી સવાર.
    લોહી સોંસરું ધિરકિટ ધિર
    લયનું લશ્કર થયું પસાર.
    બિનવારસી આંખ પડી
    સપનાં ફરતાં અંદર-બ્હાર.
    અને આ મહીનાઓમા અમારા સુરતના જંગલ વિસ્તારના અનુભવમા હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણના હવામાનનો વર્તારો દિવસે લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપ અને રાત્રે જાદુઈ ટૉર્ચ રાખનાર આગિયા આપતા. આકાશમા પ્રકૃતિના આનંદદરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો. વૃક્ષો વાદળોને ઓઢીને ઊભાં હોય એમ લાગે છે અને આ વાદળોમાં આકાશ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ વૃક્ષો-છોડવાઓ બધું જ ઓગળી ગયું છે. ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! કેટલીક વાર તો પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ થાય જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતા પવનના સૂર, વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદનાં ફોરાં  ઝાંઝરના રણકાર સમાં ભાસે છે. જાણે સ્વર્ગના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ આનંદની અનુભૂતિ. આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું હતું .આવા
    અનુભવમા યાદ આવે અધ્યાત્મના ગૂઢ સંકેત લઈ આવતા અમારા શ્રી દલપતભાઈ :
    ગોરંભો લઈ ગગન ઝળૂંબે
    એક પડે ના ફોરું
    તારે ગામે ધોધમાર, ને
    મારે ગામે કોરું ગોરંભો……………….
    પલળેલી પહેલી માટીની,
    મહૅંક પવન લઈ આવે-…
    ઝરમર ઝરમર જીલવું અમને
    બહાર કોઈ બોલાવે
    આઘે ઊભું કોણ નીતરતું
    કોણ આવતું ઓરું…ગોરંભો………….
    નાગણ જેવી સીમ વછૂટી
    ધસી આવતી ઘરમાં…
    ભીંતે ભીતે ભાર પડ્યા
    હું ભરત ભરું ઉંબરમાં ..
    ચાસ પડ્યા તારા ચૌટામાં
    હું અંધારાં ઓઢું ગોરંભો…
    વિચારવમળને વિરામ આપું
    અસ્તુ

  2. Harihar Shukla said,

    July 2, 2022 @ 9:21 AM

    નકરી મોજ, કવિતાની, એના આસ્વાદની અને પ્રજ્ઞા બહેને કરાવેલ વિશેષ અનુભૂતિની, બીજાં બે સરસ ગીતોની 👌💐

  3. PrashantKumar M Purohit said,

    July 2, 2022 @ 10:40 AM

    અદભુત રચના…પ્રાકૃતિક માહોલ સાથે પ્રકૃતિ ને વીણી લીધી…મહેરબાની સાથે વિનંતી કે કોઈ આ ગીત નો રાગ જણાવશો?કઈ રીતે આ ગીત ગાઈ શકાય…
    તો સોનામાં સુગંધ ભળશે…એવું સરસ ગીત ગમ્યું…અને અત્યારે આને લલકારવા નો ,આને ગણગણવા નો આ જ ખરો સમય છે.
    સાથે રચયિતા કવિ ની યાદો પણ ગીત સાથે ગૂંથાઈ જશે… ધન્યવાદ

  4. Piyush Pandya said,

    July 2, 2022 @ 11:38 AM

    આ ઉત્તમ ગીતોને લાંબા સમય સુધી તાજું રાખવા માટે એને સ્વરબદ્ધ કરાવી, કોઈ નીવડેલા ગાયક કલાકાર દ્વારા રજૂ કરાવવામાં આવે એવું નમ્ર સૂચન છે.

  5. DR. SEJAL BHAVESH DESAI said,

    July 2, 2022 @ 11:44 AM

    ખૂબ સરસ ગીત. .ડાકોર વાળી વાત ગમી…કવિને અભિનંદન..

  6. Mana s. Vyas said,

    July 2, 2022 @ 11:47 AM

    ખૂબ સુંદર આસ્વાદ કવિતાઓનો..આમેય વરસાદને લાડને અછોવાના કરતાં ગીત અને કવિતા ખૂબ ગમે.

  7. હર્ષદ દવે said,

    July 2, 2022 @ 12:15 PM

    વરસાદની પ્રતિક્ષાની લયબદ્ધ અભિવ્યક્તિથી બનતી ગીતકવિતાથી મન તરબતર થઇ ભીંજાયું. કવિને અને સવિસ્તર સરસ આસ્વાદ માટે આપને પણ અભિનંદન.

  8. કમલેશ શુક્લ said,

    July 2, 2022 @ 12:41 PM

    કવિ શ્રી ચંદ્રશેખરને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખું છું. અમે મળ્યા ફક્ત એક જ વાર છે પણ સારા મિત્ર બની ગયા છે.
    ભાઈ શેખરને એના કાવ્ય સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન 🌹

  9. Hardik Vora said,

    July 2, 2022 @ 2:01 PM

    Waah sundar

  10. Bharati gada said,

    July 2, 2022 @ 2:41 PM

    ખૂબ સુંદર લયબદ્ધ ગીત એની સાથે ખૂબ સરસ રસાસ્વાદ 👌👌

  11. charu Shah said,

    July 2, 2022 @ 3:08 PM

    તમારી દરેક રચના અદ્ભૂત જ હોય છે

  12. Nayan said,

    July 2, 2022 @ 4:51 PM

    Excellent poem with nice details.

  13. સંદીપ ભાટિયા said,

    July 2, 2022 @ 6:26 PM

    “જલદી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થો૨”

    થોર પણ સુકાઇ જશે એમ કહી જળના અભાવની ચરમસીમા આંકી છે.
    ખૂબ સુંદર. અભિનંદન કવિ.

  14. Shweta Talati said,

    July 2, 2022 @ 6:56 PM

    વાહ..!!

  15. Lata Hirani said,

    July 2, 2022 @ 10:37 PM

    ખરેખર ગમી જાય એવું ગીત..

  16. Indu Shah said,

    July 3, 2022 @ 7:05 AM

    સુંદર ગીત અને વિવેક્ભાઈએ કરેલ આસ્વાદ,
    કવિ ચંદ્ર્સશેખરને અભિનંદન.

  17. રિયાઝ લાંગડા (મહુવા) said,

    July 3, 2022 @ 1:50 PM

    વાહ…. ગાડે બેસાડી તને લાવું ? જેમ બોડાણો લઈ ગયા ડાકોર.
    ચાતક ને ટીટોડી પરસેવે ન્હાય
    ઝરણાં ને નદીયુંથી જુદા પાડવા
    ડાંડલિયા થોરનું સુકાવું
    ખૂબ સુંદર અને નવીન કલ્પનો…👌👌
    સરસ આસ્વાદ
    અન્ય બે ગીતો પણ ખૂબ સરસ

  18. Poonam said,

    July 3, 2022 @ 6:34 PM

    મૂશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઓતરાદું કોરું ધાક્કોર,
    ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઈ ગ્યો ડાકોર,
    મેઘ વરસી જા અઢળક આ કોર.
    – ચંદ્રશેખર પંડ્યા –
    Waah !

    ‘કોઈ સગાં( vahaala ) થાવ છો?’ 👌🏻
    Aaswad mast 😊

  19. sunilkumar dholi said,

    July 4, 2022 @ 9:33 AM

    અતિ સુન્દર!

  20. Chetan Shukla said,

    July 4, 2022 @ 9:56 AM

    ખૂબ સુંદર. અભિનંદન કવિ..ની સાથે ખૂબ સરસ રસાસ્વાદ

  21. રસિક દવે said,

    July 4, 2022 @ 10:30 AM

    વાહ
    કલ્પન નાવિન્ય અને ભાવસભર ગીત ખૂબ ગમ્યું.

  22. Chitralekha Majmudar said,

    July 4, 2022 @ 1:00 PM

    Wonderful song and thoughts. Similies that are brought in from Nature, are also very appropriate, praise worthy. Congratulations.Please do keep it up.Best Wishes.

  23. Dr Heena Mehta said,

    July 10, 2022 @ 6:23 PM

    કવિએ લાગણી ભીની, વરસાદ માટે તરસતા હૈયાની વાત સુંદર રીતે રજૂ કરી

  24. praheladbhai prajapati said,

    July 19, 2022 @ 7:28 AM

    નઇસ પિપિસા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment