એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!
રમેશ પટેલ ‘ક્ષ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રશેખર પંડ્યા

ચંદ્રશેખર પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઓહો! – ચંદ્રશેખર પંડ્યા

સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’

બજાર વચ્ચે જઈએ, છોરા ટીકી ટીકી ઝાંખે
ભમરીનું દ૨ ભૂલભૂલમાં ભાડે લીધું માખે
યૌવનનું મહેરામણ છોડી, ડોહી ૫૨ કાં મોહો!
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

પંજાબી પહેરે તું જ્યારે, હૈડું હાય હડિપ્પા!
ટૉપ-પલાઝો સાથે શોભે, મલમલના દુપટ્ટા
ચૂડીદા૨માં ચમકો એવાં, સાડીમાં પણ સોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

એકમેક ૫૨ શ્રદ્ધા ને વિશ્વાસે ગાડાં દોડે
મતભેદો તો થાય છતાં, મનભેદ ચડે ના ઘોડે
શંકાની તો ઐસીતૈસી, થાય કદી ના ઘોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

– ચંદ્રશેખર પંડ્યા

મુખડું વાંચતાં જ મોહી પડાય એવું ગીત. ઓગણાસિત્તેર વર્ષની વયે પોતાને ડોહો કહેતો પતિ પત્નીને ડોહી કહી શકતો નથી, એ જોયું? સંસારની ખરાખરીની ખબર ગીતની પહેલી પંક્તિમાં જ પડી જાય છે, ખરું ને? 😉

વય સાથે બંનેનો ઠસ્સો પણ એવો વધ્યો છે કે બજારમાં નીકળે તો છોકરાઓ જુવાન છોકરીઓને તાકવાને બદલે બે ઘડી એમને જોઈ રહે છે. હજી આ વયે પણ કોઈપણ કોઈપણ પ્રકારનો વેશપરિધાન કરવામાં આ લોકોને કોઈ છોછ નથી, ઊલટું દરેક વેશભૂષામાં તેઓ દીપી ઊઠે છે. હૈડું હાય હડિપ્પાનો લય તો કમાલનો થયો છે. વાહ કવિ! પણ આ બધું તો ઉપલક છે. દેખાવ, વસ્ત્રભૂષા – આ બધું તો બાહ્ય સમ્રુદ્ધિ. સાચી મિલકત તો માંહ્યલો છે. પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવા ઘટે. મતભેદ ભલે લાખ થાય પણ મનભેદ એકેય ન થાય ત્યારે ભીતરી સૌંદર્ય બહાર છલકે છે. શંકા જ્યાં સુધી સંબંધમાં ગોટાળા ઊભા ન કરે ત્યાં સુધી જિંદગી હાય હડિપ્પા જ રહેવાની…

Comments (5)

વટ્ટનો કટ્ટકો – ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

– ચંદ્રશેખર પંડ્યા

મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…

Comments (6)

મેઘ વરસી જા – ચંદ્રશેખર પંડ્યા

મૂશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઓતરાદું કોરું ધાક્કોર,
ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઈ ગ્યો ડાકોર,
મેઘ વરસી જા અઢળક આ કોર.

બતકી ને હંસ તરે રેતીને વ્હાણ, ઓલ્યા કલકલિયે છોડી છે માછલી,
સુરખાબે ૨ણને સલામ કરી લીધી છે, ભરવા ઉડાન હવે પાછલી,
ચાતક ટિટોડી તો પરસેવે ન્હાય, અને આંસુડાં પીવે છે મોર
મેઘ વરસી જા અઢળક આ કો૨.

કેમ કરી ખેડૂના ખાડા પુરાય, તને સ્હેજે પણ આવે ના લાજ?
ઝરણાંને નદીયુંથી અળગાં કરીશ! એવા નખરાને છોડી દે આજ
એકવા૨ ધોધમા૨ ૨મઝટ બોલાવ, પછી નિરાંતે આવ છેક પોર
મેઘ વરસી જા અઢળક આ કો૨

પર્ણોએ ખોયાં છે ઓસ તણાં બિંદુ ને ચીમળાઈ ગઈ છે લજામણી
નાગરની વેલ, રાતરાણી ને જૂઈ, કદી નીરખી ના આમ સાવ વામણી
જલદી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થો૨
મેઘ વરસી જા અઢળક આ કો૨.

– ચંદ્રશેખર પંડ્યા

કવિના નામ સાથે આજ પહેલાં કોઈ પરિચય નહોતો. અચાનક કુરિયરમાં એક પુસ્તક આવ્યું – ‘કોઈ સગાં થાવ છો?’ સાવ અલગ જ પ્રકારનું શીર્ષક. સંગ્રહ ખોલ્યો. પહેલાં કવિપરિચય વાંચ્યો અને પછી હરીકૃષ્ણભાઈએ લખેલી પ્રસ્તાવના થોડી વાંચી. અન્ય કોઈએ ઊભી કરેલી છાપની અસરમાં સંગ્રહમાં પ્રવેશવાનું થાય એ પહેલાં સંગ્રહમાંથી પસાર થવું શરૂ કર્યું. ઘણી રચનાઓ ગમી જાય એવી. વિષય વૈવિધ્ય અને મૌલિકતા આંખે ઊડીને વળગે એવાં. મોટાભાગનાં ગીતોમાં છૂટકમૂટક તો છૂટકમૂટક, પણ અલગ જ પ્રકારનો સ્પાર્ક જોવા મળ્યો. લયસ્તરો પર કવિ અને એમના ગીતસંગ્રહનું સહૃદય સ્વાગત છે.

આપણે ત્યાં ચોમાસું દક્ષિણથી પ્રારંભાય. ઘણીવાર એવું થાય કે મેઘો ત્યાં એવી બેઠક જમાવી બેસે કે અહીં આવવાનું જ ભૂલી જાય. આવા કોઈ વરસાદાતુર સમયનું આ ગીત છે. વર્ષાની રાહ જોતાં ગીતો તો અસંખ્ય છે, પણ મુખડાની બીજી કડી એને આ ગીતોના ઢગલામાં અલગ તારવી આપે છે. ડાકોરની કથા જાણીતી છે. વિજયસિંહ બોડાણા બોત્તેર વર્ષની વય સુધી દર વરસે વરસમાં બે વાર તુલસી લઈ દ્વારિકા જઈ રણછોડરાયની પૂજા કરતા, પણ શરીરે સાથ દેવાની ના કહી, ત્યારે દ્વારકાધીશે સ્વપ્નમાં આવી એને ગાડું લઈ દ્વારકા આવવા આમંત્રણ પાઠવ્યું. ગૂગરી બ્રાહ્મણોએ મંદિરને તાળું મારી દીધું તો રાત્રે ખુદ દ્વારકાધીશે તાળાં ખોલી નાંખ્યાં અને રથ હંકારી બોડાણા સાથે ડાકોર આવી ગયા. આ વાતનો સંદર્ભ લઈને કવિ મેઘા સાથે અંકોડા ભરાવે છે. કહે છે, જે રીતે બોડાણો માધવને ડાકોર લઈ ગયો હતો એ રીતે શું મારે તને ગાડામાં બેસાડીને ઉત્તરમાં લઈ આવવાનો છે?

પછીના ત્રણ બંધમાં કવિ વરસાદની અનુપસ્થિતિના ત્રણ મજાનાં ચિત્રો દોરી આપે છે. પહેલા ચિત્રમાં તરસે વલખાં મારતાં પક્ષીઓની પરિસ્થિતિ તાદૃશ થાય છે, તો બીજા બંધમાં ખેડૂતની વ્યથાને કવિએ ચીતરી છે. સામાન્યતઃ નદીમાં ભળી જતાં ઝરણાંઓ સૂકાઈ જાય ત્યારે નદીથી અલગ થયેલાં નજરે આવે એ વાતને રજૂ કરીને કવિએ વરસાદના અભાવને જે રીતે ચાક્ષુષ કર્યો છે, એવું કામ ગુજરાતી કવિતામાં ઓછું જ થયું છે. ત્રીજા બંધમાં વનસ્પતિસૃષ્ટિને સમાવી લઈને કવિ સમગ્ર પ્રકૃતિચક્રને આવરી લઈ આપણને મજાનું પ્રતીક્ષા-કાવ્ય આવે છે.

Comments (24)