ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

વટ્ટનો કટ્ટકો – ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

– ચંદ્રશેખર પંડ્યા

મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…

6 Comments »

  1. Harsha Dave said,

    August 26, 2022 @ 6:33 PM

    વાહ વાહ… લયસ્તરો પર ખૂબ સુંદર કૃતિઓ શેર કરવામાં આવે છે
    કવિને અભિનંદન
    લયસ્તરોને શુભેચ્છાઓ

  2. યોગેશ પંડ્યા said,

    August 26, 2022 @ 7:00 PM

    ચંદ્રશેખર પંડ્યા ના ગીતસંગ્રહ નું હમણાં જ ભાવનગર માં વિમોચન થયું.પ્રસ્તુત ગીત નાયિકાના મુગ્ધ ભાવોને અલ્લડપણે સ્ફૂટ કરે છે.એના મનમાં ભાવિ ભરથરમાં એકાકાર
    થઈ જવાની તરસ ને કવિ એ વિવિધ બહાના હેઠળ રજૂ કરી છે.એને કાંબી કડલા નો મોહ નથી.એને તો બસ એના વરનું વ્હાલ જ જોઈએ છે.આમ એના ભાવિ ભરથાર ને વઢે ધખે છે પણ એના વરની પુરુષ સહજ ચેષ્ટા અંદરખાને તો બહુ ગમે છે.આ જ મુગ્ધાવસ્થા છે.કવિ એ સીધે સીધા બયાન થકી એ નાયિકા ની ઈચ્છાઓને સ્ફૂટ કરી દીધી છે એવી મર્યાદા સિવાય ગીત ને અનુરૂપ વિસ્તરણ સરસ રીતે થયું છે. ગીતકારને અભિનંદન.અને લયસ્તરો ઉપર આપ જે નવા નવા કવિઓને રજૂ કરો છો એ માટે તો ખૂબ ખૂબ ધન્યવાદ..

  3. સુષમ પોળ said,

    August 26, 2022 @ 9:33 PM

    ખૂબ સુંદર લયબધ્ધ ગીત

  4. pragnajuvyas said,

    August 27, 2022 @ 12:58 AM

    કવિ શ્રી ચંદ્રશેખર પંડ્યાનુ સહજ અને મજાનું ગીત
    તેઓએ સત્તર વર્ષે પ્રથમ ગઝલ લખી અને પરિવારના સંગીત અને સાહિત્યના વાતાવરણમાં જેની શબ્દસાધના પાંગરી, અનેક રચનાઓ લખી જેને વિવિધ સામાયિકોમાં સ્થાન મળ્યું અને ભાવકોએ વધાવી તેમના કવિકર્મને બિરદાવ્યું છે તેવા ચંદ્રશેખર પંડ્યાના પ્રથમ ગીત સંગ્રહ ’કોઈ સગાં થાવ છો?’નું લોકાર્પણ થયુ
    મૂળ ભાવનગરના જ અને હાલ વડોદરા સ્થિત નિવૃત્ત વન-અધિકારી ચંદ્રશેખર પંડ્યા પોતાના પિતા સ્વ. હસમુખ પંડ્યા, કે જેઓ ’બંસી’ ના ઉપનામથી ભક્તિરચનાઓ લખતા, તેમનો શબ્દ-વારસો સાચવી રહ્યા છે. યુવા વયે શબ્દ કર્મ શરૂ કર્યા બાદ નોકરીના લાંબા સમય દરમ્યાન કાવ્ય પ્રવૃત્તિનો સંપર્ક ઓછો થઈ ગયો પરંતુ આજે ૭0 વર્ષની વયે પહોંચેલા ચંદ્રશેખર પંડ્યા છેલ્લા દસ વર્ષથી ફરી સર્જન પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત બન્યા છે.
    તેમની નીવડેલી કલમથી લખાયેલાં ગીતોનો સંગ્રહ પ્રતિષ્ઠિત કવિ હરિકૃષ્ણ પાઠકના હસ્તે અને અમારી દિકરી યામિનીના મિત્ર જાણીતા ગીત કવિ વિનોદ જોશી તથા ’પથિક’ પરમારની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટીના જૂના કોર્ટ હોલ ખાતે લોકાર્પિત થયો.
    કવિશ્રી લયસ્તરો પર ગયા મહીને મૂશળની ધાર મેઘ વરસાવી તરબોળ કરી ગયા અને આજે
    જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
    બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
    છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
    મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…
    મને ૬૬ વર્ષ પહેલા ગઢેચી-ભાવનગરમા થયેલ ભાનવગરની અનુભૂતિ યાદ કરાવી !
    ડૉ વિવેકના આસ્વાદમા જણાવે છે તેમ કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે.

  5. ઉદય મારુ said,

    August 27, 2022 @ 12:56 PM

    અરે પણ

    મજા મજા

  6. Poonam said,

    August 29, 2022 @ 12:38 PM

    મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો… સરસ !
    – ચંદ્રશેખર પંડ્યા –

    Aaswad rasmay !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment