જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

ઓહો! – ચંદ્રશેખર પંડ્યા

સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’

બજાર વચ્ચે જઈએ, છોરા ટીકી ટીકી ઝાંખે
ભમરીનું દ૨ ભૂલભૂલમાં ભાડે લીધું માખે
યૌવનનું મહેરામણ છોડી, ડોહી ૫૨ કાં મોહો!
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

પંજાબી પહેરે તું જ્યારે, હૈડું હાય હડિપ્પા!
ટૉપ-પલાઝો સાથે શોભે, મલમલના દુપટ્ટા
ચૂડીદા૨માં ચમકો એવાં, સાડીમાં પણ સોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

એકમેક ૫૨ શ્રદ્ધા ને વિશ્વાસે ગાડાં દોડે
મતભેદો તો થાય છતાં, મનભેદ ચડે ના ઘોડે
શંકાની તો ઐસીતૈસી, થાય કદી ના ઘોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

– ચંદ્રશેખર પંડ્યા

મુખડું વાંચતાં જ મોહી પડાય એવું ગીત. ઓગણાસિત્તેર વર્ષની વયે પોતાને ડોહો કહેતો પતિ પત્નીને ડોહી કહી શકતો નથી, એ જોયું? સંસારની ખરાખરીની ખબર ગીતની પહેલી પંક્તિમાં જ પડી જાય છે, ખરું ને? 😉

વય સાથે બંનેનો ઠસ્સો પણ એવો વધ્યો છે કે બજારમાં નીકળે તો છોકરાઓ જુવાન છોકરીઓને તાકવાને બદલે બે ઘડી એમને જોઈ રહે છે. હજી આ વયે પણ કોઈપણ કોઈપણ પ્રકારનો વેશપરિધાન કરવામાં આ લોકોને કોઈ છોછ નથી, ઊલટું દરેક વેશભૂષામાં તેઓ દીપી ઊઠે છે. હૈડું હાય હડિપ્પાનો લય તો કમાલનો થયો છે. વાહ કવિ! પણ આ બધું તો ઉપલક છે. દેખાવ, વસ્ત્રભૂષા – આ બધું તો બાહ્ય સમ્રુદ્ધિ. સાચી મિલકત તો માંહ્યલો છે. પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવા ઘટે. મતભેદ ભલે લાખ થાય પણ મનભેદ એકેય ન થાય ત્યારે ભીતરી સૌંદર્ય બહાર છલકે છે. શંકા જ્યાં સુધી સંબંધમાં ગોટાળા ઊભા ન કરે ત્યાં સુધી જિંદગી હાય હડિપ્પા જ રહેવાની…

5 Comments »

  1. Aasifkhan said,

    November 4, 2022 @ 11:41 AM

    વાહ મજાનું ગીત

  2. Bharati gada said,

    November 4, 2022 @ 1:33 PM

    સરસ મજાનું લયબદ્ધ ગીત 👌

  3. Udayan said,

    November 4, 2022 @ 2:29 PM

    Aava majana geeto lakhta raho Chandrashekhar!

  4. pragnajuvyas said,

    November 4, 2022 @ 8:35 PM

    કવિ ચંદ્રશેખર પંડ્યાનુ મધુરું ગીત
    ડૉ.વિવેક ખૂબ સ રસ આસ્વાદ
    ‘સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
    તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’
    વાહ
    યાદ આવે કવિ નીરજનુ ગીત
    તમે તો જનમના ભોળિયા, ડોહા —
    વૈતરાં કૂટી ખાવ.
    હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ ?
    અન ગાંઠિયાનું પડીકું સોગા મ.
    મોટર મેલી જાય ન લૈ જાય.
    ઘૈડે – ઘડપણ જીવી લો બે ઘડી,
    પોટલી પાંણી પીવું હોય તો પી લો.
    વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ —
    કે’જો ક બે સ:
    હું ન ડોશી.

  5. Lata Hirani said,

    November 18, 2022 @ 12:30 PM

    મજા પડે છે આવાં કાવ્યો વાંચવાની !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment