કદી મૌન થૈને સરી ગયા….- આદિલ મન્સૂરી
કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા
અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા
અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા
બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા
અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા
જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા
અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા
– આદિલ મન્સૂરી
આદિલની લાલાક્ષણિક છટા….સરળ બાની પણ અર્થગાંભીર્ય પૂરું…..
pragnajuvyas said,
August 9, 2022 @ 8:40 PM
જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ…
ની સુંદર ગઝલનો મસ્ત મત્લા
અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા
વાહ…
વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવો શબ્દબદ્ધ થયા છે
ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.
ગઝલપ્રેમી said,
August 13, 2022 @ 11:26 PM
આદીલ સાહેબ જ આ રચી શકે. અદ્ભુત.