દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

*

જાપાનમાં ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ ટોકિયોમાં મહાભૂકંપ આવ્યા પછી ફેલાયેલી અફવાઓને કારણ બનાવીને જાપાનીઓએ જાપાનમાં રહેતા કોરિયનોનો જઘન્ય નરસંહાર કર્યો… ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેલ આ મનુષ્યના વાસ્તવિક ચહેરાના નગ્ન નાચે દુનિયાને હચમચાવી દીધી હતી… વાત જાપાનના કાન્ટોવિસ્તારમાં થયેલ કત્લેઆમની છે પણ સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે એ જ કવિતા. સ્થાનિક હત્યાકાંડનો તાંતણો ઝાલીને આ કવિતા ખરેખર તો વિશ્વચેતનાને સંકોરવાની કોશિશ છે… અંગ્રેજી અનુવાદ અને વિશદ કાવ્યાસ્વાદમાં રસ ધરાવતા મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    July 24, 2022 @ 1:23 AM

    ઇત્સુકો ઇશિકાવાનુ કરુર રસ અછાંદસ,નો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    ‘ઇત્સુકો ઇશિકાવાની ‘તમારા માટે’ ૧૯૨૩ના કાન્તો હત્યાકાંડને પ્રતિબિંબિત કરે છે, જેમાં જાપાનના ૬,000 થી વધુ કોરિયન રહેવાસીઓની હત્યા કરવામાં આવી હતી. ગ્રેટ કાન્તો ધરતીકંપ પછીના દિવસોમાં, આગ ફેલાઈ ગઈ, પાણી અને ખાદ્ય પુરવઠો બંધ થઈ ગયો અને ઘણા અખબારોએ છાપવાનું બંધ કરી દીધું. અંધાધૂંધી વચ્ચે, અફવાઓ ફેલાવવામાં આવી હતી કે કોરિયન રહેવાસીઓ તોફાનો કરી રહ્યા હતા અને આગ લગાવીને અને કૂવામાં ઝેર આપીને આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસ, સૈન્ય અને જાગ્રત જૂથોએ કોરિયન તરીકે ઓળખાતા લોકોની લિંચિંગ અને સામૂહિક હત્યા કરી હતી. તેના પરિણામ સ્વરૂપે, જાપાન સરકાર દ્વારા હત્યાકાંડને છુપાવવામાં આવ્યો હતો, ઘટનાઓની પ્રકૃતિ અને મૃતકોની સંખ્યા અસ્પષ્ટ હતી.’
    વાતે
    નમ આંખ
    ક મ ક મી

  2. Chetan Shukla said,

    July 26, 2022 @ 9:09 PM

    નિઃશબ્દ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment