નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

અત્તરની શીશીમાં મોહ્યા- સંદીપ ભાટિયા

સખી! અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ, અમે આંગણના મોગરાને ખોયા…

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ન પોતાના શ્વાસને,
એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે, ઝાકળ બંધાય ત્યારે ઘાસને,
મલકયાનો હોઠવગો ભૂલી મલક, અમે નકશાના ગામ કાજે રોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

આપણે પણછ થકી છૂટેલા તીર નથી, જેને ના હોય પાછું વળવું,
કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું, સાવ છે સહજ ભૂલા પડવું,
ઝાઝા ન દૂર હવે રાખો સખી! કે અમે ધબકારા છાતીવછોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

– સંદીપ ભાટિયા

આપણા બધામાં એક કસ્તૂરીમૃગ જીવે છે. પંડમાં હોય એને ઓળખી ન શકીએ અને વને-વન શોધતા ફરીએ. મનુષ્ય સ્વભાવની બીજી પણ એક ખાસિયત છે કે લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે. આંગણામાં મોગરો મઘમઘ કરતો હોય એનો આનંદ લેવાના બદલે આપણે ક્યાં તો બીજાના બગીચામાંથી આવતી સુગંધોની કામના કરીએ છીએ અથવા તો કૃત્રિમતાની પૂજા કરીએ રાખીએ છીએ. આખુંયે ગીત સુવાંગ સુંદર છે. એની મહેંકને ધીમે ધીમે માણીએ. મિલિન્દ ગઢવીએ આ ગીત સાથે પૉસ્ટ કરેલ ચાર વાક્યોની કમેન્ટ પણ મમળાવવા જેવી છે:

‘Realization is sad. Realization is painful. Realization is heart breaking.
But at the same time, realization is a blessing.’

6 Comments »

  1. pragnajuvyas said,

    July 1, 2022 @ 1:20 AM

    સંદીપ ભાટિયા નુ મધુરું ગીત ડો વિવેકનો સ રસ આસ્વાદ
    ગીતમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ,
    અંતે મધુરું સમાધાન
    આપણે પણછ થકી છૂટેલા તીર નથી, જેને ના હોય પાછું વળવું,
    કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું, સાવ છે સહજ ભૂલા પડવું,
    ઝાઝા ન દૂર હવે રાખો સખી! કે અમે ધબકારા છાતીવછોયા…
    સખી! અત્તરની શીશીમાં મોહ્યા.
    ધન્યવાદ

  2. જયેન્દ્ર ઠાકર said,

    July 1, 2022 @ 1:24 AM

    આપણે ઉંબરો મુકી ડુંગરો પુજવાની ઉક્તિથી માહિતગાર છીએ. Grass is always greener in neighbor’s lawn! સંદીપભાઈ પણ આ વાતને સમજાવી કહે છે કે ચાલો હવે જાગ્યા ત્યારથી સવાર સમજો.

  3. Vineschandra Chhotai 🕉 said,

    July 1, 2022 @ 2:32 AM

    અભિનંદન @ વિચાર કર્યો ને પામ્યા

    કુદરત નિયંત્રણ રેખા પર જીવન

    વિત રાગિ છે તેમને માટે

    સામાન્ય વાત @ બહુ જે સરસ વાત

    Rajkapoor દેશ મેં ગંગા baheti માં કહી

    મહેમા જો હામારા હોતા હૈ વો jan se પ્યારા હોતી

    હૈ જ્યાદા કી લાલચ હમકો …………….
    .

  4. રિયાઝ લાંગડા (મહુવા). said,

    July 1, 2022 @ 12:03 PM

    વાહ

  5. Harihar Shukla said,

    July 2, 2022 @ 9:12 AM

    બગીચાના ફૂલોની જેમ મહેક મહેક થતું ગીત👌

  6. ચંદ્રશેખર said,

    July 4, 2022 @ 4:50 PM

    વાહ! ખૂબ જ મનભાવન ગીત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment