(માદરપાટે જઈને મોહ્યા…) – દેવાંગી ભટ્ટ
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા,
ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા મેં આઘેથી જોયા.
તું કાગડાની જાત, મારા દહીંથરા-શા મૂલ, તોય હાચવ્યા મેં તારા ઘરબાર,
ધગધગતા ખેતરમાં વાઢ્યા મેં ધાન અને રોટલામાં કાઢ્યો અવતાર;
તોય હાળા ભમરાળા, તેં તારા સાનભાન, ઈ રવલીની પસવાડે ખોયા?
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.
આજથી નહિ છાણા, નહિ બેડાનો ભાર, વાસીદાં હોત નહિ વાળું,
વડ્કું કરું તારી વાંકદેખી માને, ને કહી દઉં હું તારું ભોપાળું;
બાઈ! તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, ઈ માદરપાટે જઈને મોહ્યા…
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.
– દેવાંગી ભટ્ટ
એક નશા પર બીજો ન કરવાની સલાહ જાણકારો આપતા હોય છે, પણ આ ગીત જુઓ… અહીં મજા જ બેવડા નશાની છે.. એક નશો તો ભાવેણા પંથકની તળપદી ભાષાની અને બીજો નશો છે ખંડિતા નારીના હૈયે ઉકળતા ચૂલાની ગરમીનો…
પોતાના પતિની આંખમાં અવર સ્ત્રીને જોઈને ઉગેલા ઓરતા પત્નીની નજરથી કંઈ છાના રહે? કુદરતે એની આંખમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટૉલ કરી આપ્યા છે. ઈર્ષ્યાની મારી એની ભીતરમાં આગ ઊઠે છે અને પારાવાર દાઝ ચડે છે. નાયિકા સમજે છે કે એનો એના પતિ સાથેનો (કુ)મેળ કાગડો દહીંથરું લઈ જવા બરાબરનો જ થયો છે, પણ મન મોટું રાખીને આજ લગી એ એનું ઘરબાર સાચવતી આવી છે, બપોરના તાપનીય દરકાર કર્યા વિના ખેતરમાં વેઠ પણ કરતી રહી છે અને બદલામાં પકવાનની કોઈ આશા રાખવાના બદલે થાળીમાં આવતા ધાન-રોટલામાં એણે સંતોષના ઓડકાર ખાધા છે. આટઆટલું કર્યા પછી પણ મનનો માણીગર રવલીની પાછળ ભાનસાન ખુએ એ કેમ પોષાય? એ નક્કી કરે છે કે આજથી બધું ઘરકામ બંધ. અને નફામાં એની વાંકદેખી માને એ બેવફા સનમનું ભોપાળું કહી દેવાની ધમકીય ઉચ્ચારે છે કે લે બાઈ! જો આ તારો દીકરો… મલલમની સુંવાળપ છોડીને એ માદરપાટમાં જઈ મોહ્યો છે…
અગત્યની વાત એ છે કે નાયિકા કેવળ ધમકી આપે છે, સાસુને સાચુકલી ચુગલી કરતી નથી. એનો વણલખ્યો આશય તો યેનકેન પ્રકારે પિયુજીની પુનઃપ્રાપ્તિ જ છે કેવળ…
કેવું સુવાંગ સુંદર ગીત!
Jayesh Dharia said,
June 11, 2022 @ 11:25 AM
વાહ ભાઈ વાહ, કેવું સરસ ગીત અને ગામઠી ભાષાનો નશો સાચે જ ચાર ચાંદ લગાવે છે. હૈયું આનંદિત થઇ ગયું.
સુષમ પોળ said,
June 11, 2022 @ 11:50 AM
એકદમ લયબદ્ધ અને અતિ સુંદર રીતે સ્વરબધ્ધ કરી શકાય એવું ગીત.પરિણિત ભરથારની સાવ સાહજિક ઘટનાને ખૂબ સરસ તળપદા શબ્દો વડે વર્ણવી છે,અને આંખોના કૅમેરામાં જ્યારે એ ઝડપાઈ જાય, ત્યારપછીની મ્હાયલામાં સળગતી વેદનાને ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી છે.”ઘાયલકી ગત ઘાયલ જાને” એવું સમજીને રવલીને જરાય દોષિત ઠેરવી નથી એય એક સુંદર કવિકર્મ આ ગીતમાં છતું થાય છે.ખૂબ સુંદર ગીત👌 ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન 💐💐
Harihar Shukla said,
June 11, 2022 @ 12:23 PM
હા, બિલકુલ સુવાંગ સુંદર તળપદી શૈલીમાં ગીત !👌💐
Harihar Shukla said,
June 11, 2022 @ 12:24 PM
બિલકુલ સુવાંગ, સુંદર, તળપદી શૈલીમાં લયબદ્ધ ગીત 👌💐
Varij Luhar said,
June 11, 2022 @ 12:30 PM
વાહ..સરસ ગીત આસ્વાદ ખૂબ સરસ
Rena suthar said,
June 11, 2022 @ 1:40 PM
આ કાવ્યમાં ભાષા ની મજા તો છે જ જબરજસ્ત પણ નારી ના સિક્સ્થ સેન્સ ની વાત છે તેને ખૂબ ગહનતા થી કાવ્યમાં પરોવી છે. સ્ત્રી ને કોઈ પણ પુરુષ ના આંખોના ભાવ પારખી લેવાની ગજબની સેન્સ ભગવાને મૂકી છે.
રિયાઝ લાંગડા(મહુવા). said,
June 11, 2022 @ 2:56 PM
વાહ….👌👌
Hemant Dalal said,
June 11, 2022 @ 8:01 PM
Khub saras
pragnajuvyas said,
June 12, 2022 @ 3:09 AM
સુ શ્રી દેવાંગી ભટ્ટનુ તળપદી ભાષામા સુંદર ગીતનો ડૉ વિવેકનો દ્વારા અતિ સુંદર આસ્વાદ
યાદ આવે સુ શ્રી રાધિકા પટેલનું અછાંદસ
ઓ પુરૂષ,
તારા સામર્થ્યથી પરીચિત છું હું
થથરે છે આખું જંગલ
તારી પહોંચ છેક સીમાડા સુધી
પણ જરા મારી પાંખો સામે પણ જો.
એનો વિસ્તાર, જંગલથી પણ આગળ છે
ચતુર કાગડાએ મને આપેલું મોતી
મેં સાચવી રાખ્યું છે.
એ હું તને ક્યારેય નહીં આપું.
જરા ધ્યાનથી જો મારી આંખમાં.
મારી બુદ્ધિ મારી પાનિમાં નથી.
લખ… શાસ્ત્રો, નવેસરથી
એના થકી જ ઉખડી ગઈ છે –
મારા પગની બેડી.
હવે તું સાંભળ્યા કર પડઘા
તારા ક્રોધના.
તારા મનોરંજન અર્થે હવે નથી બચી
કોઈ મેનકા, રંભા કે ઉર્વશી…
એ બધીએ ભેગા મળી
નવી રોજગારી ઉભી કરી લીધી છે.
હવે તારા પગ તું જાતે જ દબાવી લેજે
અને…તો…
તું મારા રસ્તા પરથી
તારી પથારી હટાવી દે!
હે પ્રિય પુરૂષ,
તારું સ્વર્ગ મારા ચરણમાં નથી
મેં મારા ખોળામાં
એને અકબંધ રાખ્યું છે.
યોનિમાર્ગના ટૂંકા રસ્તેથી
નહિ આવતો મને મળવા.
હું તને ત્યાં નહિ મળું.
મારા ગમા- અણગમાને
ધ્યાનથી સાંભળ પ્રથમ.
પછી હું મૂકી દઉં મારું સૌંદર્ય
તારી બે હથેળીમાં…
ને યૌવનને તારી મૂછો પર
અર્ધનારીશ્વરની પરિકલ્પના
જૂની થઈ ગઈ હવે.
નથી એવી કોઈ શક્યતા.
જુદી-જુદી દિશામાં ફેંકાયેલા બે ફાડા
પૂર્વવત્ ન થઈ શકે.
ચાલ, રાંધીએ એમાંથી સ્વાદિષ્ટ ખીચડી.
માંડીએ વાર્તા ચકાચકીની.
શીખીએ સાલસા નૃત્ય!
તું રોટલી ખાઈ ખાઈને થાકી ગયો છે,
મને ખબર છે, તને બ્રેડ પસંદ છે.
પણ તારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજે.
પ્રિય… એમ તો હું પણ ખાઈ લઉં છું,
ખાટીમીઠી કેરી
પેલા આંબેથી ચોરીને.
હું નથી કોઈ શબરી
તું નથી કોઈ રામ
બોર સાથે જ ચાખીને
જુદાંજુદાં તારવીએ
આપણાં સંતાન માટે.
પેટનોખાડો અખંડ છે,
ચાલ જોતરી લઈએ,
પૃથ્વીને આ ખભા પર
બંને.
સ્ત્રીઓની વેદનાઓ અમારી પીઠને પૂછો જીવનની થાકની કથાઓ, જે ઉંચકવાનું ગજું અમારું છે. પુરષના ગઠીલા લાગતા બદન પાછળ એક ગમતી છોકરી સાથે ખુલીને વાત કરવામાં ય ભયભીત થઈ જતું ચિત્ત હોય છે. પણ વીફરે એ નારી વાઘની માફક ફાડી ખાય.
નદાયુષ્મનખગપતે યેથેષ્ટં ગમ્યાતામિત,
ન ચતે ગર્ણીયાપિ ગર્હિતવ્યા: સ્ત્રિય કવચિત -સ્ત્રીને તમારી વ્યાખ્યા કે ચોકઠામાં બાંધવાનો વિચાર પણ એની નિંદા છે. બિંદી લગાવી નાસાનું મિશન હેન્ડલ કરનાર સ્વાતિ મોહન કહે છે -‘દીકરાઓ માટે એમની શિખામણશિબિર કરો! ‘
જયેન્દ્ર ઠાકર said,
June 12, 2022 @ 4:45 AM
તળપદી ભાષામાં લખાયેલું આ કાવ્ય વાંચતાં વાંચતાં સહજ પણે સ્મિત ફુરૅ છે. કાવ્યનો વિષય નવો નથી પણ શૈલી દાદ માગે છે. નબળા નાર અહીં રણચંડી બની છે. તેની શક્તિ સંસારાને રાખ કારી દેવાની તાકાત બતાવે છે.
Lata Hirani said,
June 12, 2022 @ 10:09 AM
મજા આવી…
Labhshankar Bharad said,
June 12, 2022 @ 11:18 AM
ખૂબ સુંદર માર્મિક રચના. ધન્યવાદ. 🌹જય શ્રી કૃષ્ણ 🙏
લલિત ત્રિવેદી said,
June 12, 2022 @ 7:59 PM
બહુ સરસ…….. અસલ…. વાહ વાહ
Himanshu Jasvantray Trivedi said,
June 13, 2022 @ 1:02 AM
ખુબજ સરસ ગીત. આભાર.
Mansi shah said,
June 16, 2022 @ 10:12 PM
વાહ…નાયિકા ની વેદના ને જુસ્સો ..બંને આહલાદક
મુકુંદરાય જોશી said,
June 19, 2022 @ 1:19 PM
ખૂબ સરસ…વેદના વલોવાતું ગીત
Purna joshi said,
June 26, 2022 @ 10:46 PM
Khub saras