‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ઈને પોંખવો સે અધમણની ગાળે) – દેવાંગી ભટ્ટ

પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે, પાછો મરકે સે ગામની વચાળે
કોક દિ’ જો સીમ જતાં એકલો મળે, ઈને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

આ તો નાનકડું ગામ, હૌ ને હૌની પંચાત, અહીં આવા અળવીતરા થવાય?
જ્યાં બાજુની ભીંત તારી છીંકુએ હાંભળે, ન્યા લવ-બવની વાતું કરાય?
તારી નકટી જીભડીને કોક બાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

બેડું ભરીને હજી નેકળતી હોઉં, ન્યા ઈ અક્કરમી આવી અથડાય,
ડોશીઓને હેડ્કીયું ઉપડે ને ચોતરાની આંખ્યું તલવાર થઇ જાય;
પાસો ફાટીમૂઓ મૂછને પંપાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

– દેવાંગી ભટ્ટ

ભાષા અભિવ્યક્તિનું સૌથી સશક્ત માધ્યમ છે. માનવમનના ભાવોને વ્યક્ત કરવા માટે ભાષાથી ચડિયાતી રીત હજી આપણે શોધી શક્યા નથી. સારો કવિ ભાષાના સામર્થ્યને નિચોવીને કવિતા રચે. ભાષાનું એક અગત્યનું અંગ છે બોલી. ભાષા ભલે એક જ રહે, પણ બોલી તો દર બાર ગાઉ પર બદલાય. સારો કવિ ભાષાની જેમ જ બોલીને પણ ઉપાદાન બનાવીને આસ્વાદ્ય રચના આપી શકે. જુઓ, આ રચના. અહીં જે મજા છે, એ બોલીની છે. કવિતાનો વિષય જાણીતો છે. નાયક નાયિકાને જાહેરમાં આંખઉલાળા કરીને સતાવે છે અને નાયિકા એને અધમણની ગાળોથી પોંખવાના અભરખા સેવે છે. ગીતની ખરી મજા એની તળપદી બોલીમાં છે. એમાંય ચોતરાની આંખ્યું તલવાર થઈ જાય જેવા ચમકારા ગીતને વધુ જાનવંતુ બનાવે છે.

Comments (23)

(માદરપાટે જઈને મોહ્યા…) – દેવાંગી ભટ્ટ

મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા,
ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા મેં આઘેથી જોયા.

તું કાગડાની જાત, મારા દહીંથરા-શા મૂલ, તોય હાચવ્યા મેં તારા ઘરબાર,
ધગધગતા ખેતરમાં વાઢ્યા મેં ધાન અને રોટલામાં કાઢ્યો અવતાર;
તોય હાળા ભમરાળા, તેં તારા સાનભાન, ઈ રવલીની પસવાડે ખોયા?
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.

આજથી નહિ છાણા, નહિ બેડાનો ભાર, વાસીદાં હોત નહિ વાળું,
વડ્કું કરું તારી વાંકદેખી માને, ને કહી દઉં હું તારું ભોપાળું;
બાઈ! તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, ઈ માદરપાટે જઈને મોહ્યા…
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.

– દેવાંગી ભટ્ટ

એક નશા પર બીજો ન કરવાની સલાહ જાણકારો આપતા હોય છે, પણ આ ગીત જુઓ… અહીં મજા જ બેવડા નશાની છે.. એક નશો તો ભાવેણા પંથકની તળપદી ભાષાની અને બીજો નશો છે ખંડિતા નારીના હૈયે ઉકળતા ચૂલાની ગરમીનો…

પોતાના પતિની આંખમાં અવર સ્ત્રીને જોઈને ઉગેલા ઓરતા પત્નીની નજરથી કંઈ છાના રહે? કુદરતે એની આંખમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટૉલ કરી આપ્યા છે. ઈર્ષ્યાની મારી એની ભીતરમાં આગ ઊઠે છે અને પારાવાર દાઝ ચડે છે. નાયિકા સમજે છે કે એનો એના પતિ સાથેનો (કુ)મેળ કાગડો દહીંથરું લઈ જવા બરાબરનો જ થયો છે, પણ મન મોટું રાખીને આજ લગી એ એનું ઘરબાર સાચવતી આવી છે, બપોરના તાપનીય દરકાર કર્યા વિના ખેતરમાં વેઠ પણ કરતી રહી છે અને બદલામાં પકવાનની કોઈ આશા રાખવાના બદલે થાળીમાં આવતા ધાન-રોટલામાં એણે સંતોષના ઓડકાર ખાધા છે. આટઆટલું કર્યા પછી પણ મનનો માણીગર રવલીની પાછળ ભાનસાન ખુએ એ કેમ પોષાય? એ નક્કી કરે છે કે આજથી બધું ઘરકામ બંધ. અને નફામાં એની વાંકદેખી માને એ બેવફા સનમનું ભોપાળું કહી દેવાની ધમકીય ઉચ્ચારે છે કે લે બાઈ! જો આ તારો દીકરો… મલલમની સુંવાળપ છોડીને એ માદરપાટમાં જઈ મોહ્યો છે…

અગત્યની વાત એ છે કે નાયિકા કેવળ ધમકી આપે છે, સાસુને સાચુકલી ચુગલી કરતી નથી. એનો વણલખ્યો આશય તો યેનકેન પ્રકારે પિયુજીની પુનઃપ્રાપ્તિ જ છે કેવળ…

કેવું સુવાંગ સુંદર ગીત!

Comments (17)

(બેન કહીને હેનો બોલાવસ?) – દેવાંગી ભટ્ટ

લાજતો નથ બળ્યા કાળમુખા, મન ‘બેન’ કહીને હેનો બોલાવસ ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી- ફૂંકીને પેટાવસ ?

બેન તારી હગલીયું ને બેન બલારાત, બેન તારી પાડોશણ રાધા,
ઈ રાધુડી પયણીને બીજે ગુડાય ઈની રાખી સે મનમાં મેં બાધા,
આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, તે મારે ત્યાં ગાય-ભેંશુ નથ ?
ઊંધું ઘાલીને મૂઆ વાટકી દઈ દે’સ, તને પઈનુંય હમજાતું નથ ?
હંધાયે લોકની સેડતી કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

– દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટને નવલકથાકાર અને અભિનેત્રી તરીકે આપણે સહુ ઓળખીએ છીએ પણ આજે એમની નવીન ઓળખ સાથે મુખામુખ થઈએ. તળપદી ભાવેણા ભાષામાં ગામની ગોરીનું હૈયું જેના પર આવી ગયું છે એ છેલછબીલો એને બહેન કહીને સંબોધે છે એ ઘડીએ ફાટતા જ્વાળામુખીની ક્ષણનું આ ગીત છે. જેને મનનો માણીગર માની લીધો છે એની પાસે હૈયાની આગ ઠારવવાની અપેક્ષા હોય, એના સ્થાને આ રોયો તો ફૂંકી-ફૂંકીને આગ વધુ પ્રજ્વલિત કરે છે. જે રીતે નાયિકા આ તારી બેન ને પેલી તારી બેનના છાજિયા લઈને પિયુની પાડોશણ રાધાના કારણે પોતાને અનુભવાતી અસલામતી વ્યક્ત કરે છે એ તરત આપણને સ્પર્શી જાય છે. એમાંય જન્ટલમનવેડા તો હાય હાય! કેવું સરસ! પોતાના ઘરે ગાય-ભેંસ હોવા છતાં પિયુના ઘરે વારેઘડીએ દહીં માંગવા નાયિકા પહોંચી જાય અને પઈનીય સમજ ન ધારવતો નાયક ઊંધુ ઘાલીને વાડકી ભરી દે છે ત્યારે નાયિકાનો પુણ્યપ્રકોપ વળી ઓર ઊંચાઈએ પહોંચે છે… સરવાળે, સીધું હૈયામાં ઘર કરી જાય એવું ગીત!

Comments (30)