સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

(બેન કહીને હેનો બોલાવસ?) – દેવાંગી ભટ્ટ

લાજતો નથ બળ્યા કાળમુખા, મન ‘બેન’ કહીને હેનો બોલાવસ ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી- ફૂંકીને પેટાવસ ?

બેન તારી હગલીયું ને બેન બલારાત, બેન તારી પાડોશણ રાધા,
ઈ રાધુડી પયણીને બીજે ગુડાય ઈની રાખી સે મનમાં મેં બાધા,
આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, તે મારે ત્યાં ગાય-ભેંશુ નથ ?
ઊંધું ઘાલીને મૂઆ વાટકી દઈ દે’સ, તને પઈનુંય હમજાતું નથ ?
હંધાયે લોકની સેડતી કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

– દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટને નવલકથાકાર અને અભિનેત્રી તરીકે આપણે સહુ ઓળખીએ છીએ પણ આજે એમની નવીન ઓળખ સાથે મુખામુખ થઈએ. તળપદી ભાવેણા ભાષામાં ગામની ગોરીનું હૈયું જેના પર આવી ગયું છે એ છેલછબીલો એને બહેન કહીને સંબોધે છે એ ઘડીએ ફાટતા જ્વાળામુખીની ક્ષણનું આ ગીત છે. જેને મનનો માણીગર માની લીધો છે એની પાસે હૈયાની આગ ઠારવવાની અપેક્ષા હોય, એના સ્થાને આ રોયો તો ફૂંકી-ફૂંકીને આગ વધુ પ્રજ્વલિત કરે છે. જે રીતે નાયિકા આ તારી બેન ને પેલી તારી બેનના છાજિયા લઈને પિયુની પાડોશણ રાધાના કારણે પોતાને અનુભવાતી અસલામતી વ્યક્ત કરે છે એ તરત આપણને સ્પર્શી જાય છે. એમાંય જન્ટલમનવેડા તો હાય હાય! કેવું સરસ! પોતાના ઘરે ગાય-ભેંસ હોવા છતાં પિયુના ઘરે વારેઘડીએ દહીં માંગવા નાયિકા પહોંચી જાય અને પઈનીય સમજ ન ધારવતો નાયક ઊંધુ ઘાલીને વાડકી ભરી દે છે ત્યારે નાયિકાનો પુણ્યપ્રકોપ વળી ઓર ઊંચાઈએ પહોંચે છે… સરવાળે, સીધું હૈયામાં ઘર કરી જાય એવું ગીત!

32 Comments »

  1. Varij Luhar said,

    February 25, 2022 @ 12:23 PM

    સરસ ગીત..જો કે તળપદ ભાષામાં હવે ગીતો લખવા એક પ્રકારનું સાહસ જ ગણાય જે પ્રમાણમાં સફળ થયું હોય તેવું લાગે

  2. રાજેશ હિંગુ said,

    February 25, 2022 @ 12:26 PM

    આહા… કેવું મજાનું ગીત!.અને એવો જ મજાનો આસ્વાદ…
    કવયિત્રીને ખોબલે ખોબલે અભિનંદન

  3. Rinal said,

    February 25, 2022 @ 12:28 PM

    મજા આવી

  4. Janki said,

    February 25, 2022 @ 12:43 PM

    વાહ..વાહ.. સોંસરવું ઉતરી ગયું આ ગીત..
    શાહુકાર થઈને કવરાવસ…..માં કવરાવસ ના સમજાયું…
    અનુકૂળતાએ સમજાવશો.

    વહેંચવા બદલ આભાર કવિ,અને દેવાંગીબેનને ખૂબ ખૂબ અભિનંદન

  5. Manisha shah mausam said,

    February 25, 2022 @ 1:05 PM

    ખૂબ જ મજાનું ગીત!

  6. ગૌરાંગ ઠાકર said,

    February 25, 2022 @ 1:21 PM

    વાહ વાહ ને વાહ .. ખૂબ સરસ મજ્જાનું ગીત…

  7. મયૂર કોલડિયા said,

    February 25, 2022 @ 1:44 PM

    વાહ વાહ…. ક્યા બાત…. ખૂબ સુન્દર ગીત

  8. Aasifkhan aasir said,

    February 25, 2022 @ 2:23 PM

    વાહ મજાનું ગીત અને
    આસ્વાદ પણ મજાનો

  9. Jigar joshi said,

    February 25, 2022 @ 4:56 PM

    વાહ વાહ ને વાહ…બહુ જ સરસ ગીત…

  10. Dilip kumar mehta said,

    February 25, 2022 @ 5:01 PM

    Excellent poem

  11. Dilip kumar mehta said,

    February 25, 2022 @ 5:01 PM

    Khub gami

  12. Parbatkumar nayi said,

    February 25, 2022 @ 5:20 PM

    વાહ વાહ

    સાચેજ હૈયામાં ઘર કરી જાય એવું ગીત

  13. Anjana Bhavsar said,

    February 25, 2022 @ 5:31 PM

    સરસ ગીત..

  14. કિશોર બારોટ said,

    February 25, 2022 @ 5:42 PM

    તળપદી ભાષાની સોડમ સભર મજાનું ગીત.

  15. pragnajuvyas said,

    February 25, 2022 @ 7:21 PM

    બહુ સરસ ગીત

  16. Poonam said,

    February 25, 2022 @ 8:22 PM

    આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ? Ha ha
    – દેવાંગી ભટ્ટ –

  17. Kiran Piyush shah said,

    February 26, 2022 @ 5:59 AM

    ખૂબ સરસ ગીત

  18. જયેન્દ્ર ઠાકર said,

    February 26, 2022 @ 8:08 AM

    આ ગુસ્સો આટલો પ્રબળ છે તો પ્રેમતો કેવોક ગજબ હશે??

  19. Maheshchandra Naik said,

    February 26, 2022 @ 8:35 AM

    તળપદી ભાષામાં મનભાવન રચના, આસ્વાદ પણ ખૂબ રસદાયી…..
    કવિયત્રિને અભિનંદન….

  20. Harihar Shukla said,

    February 26, 2022 @ 8:40 AM

    ઓહો, નકરી મોજ👌

  21. Suresh said,

    February 26, 2022 @ 8:42 AM

    ”કવરાવસ” એટલે “કહેવડાવે”

  22. DHAVAL B SOLANKI said,

    February 26, 2022 @ 10:33 AM

    કવરાવસ એટલે – પરેશાન કરવું, અકળાવી નાખવું.

  23. હર્ષદ દવે said,

    February 26, 2022 @ 1:08 PM

    વાહ… ગીતમાં પ્રણયભાવનું નિરૂપણ અને તળ બોલીનો વિનિયોગ સુપેરે થયા છે.
    સરસ ગીતના આસ્વાદ માટે આપને પણ ધન્યવાદ.

  24. Sanjay Parmar said,

    February 26, 2022 @ 4:20 PM

    “હાલતિ’નો થા”

  25. Arun said,

    February 26, 2022 @ 5:28 PM

    બહુ જ મજા આવી. ગામઠી ભાષાનું ધીન્ગુ ગીત, આ કોઈ ગાય તો મજ્જા પડી જાય!!

  26. Kiran Bhatt said,

    February 26, 2022 @ 10:20 PM

    Great poem. Only a great poem can become a great song. Thanks for posting this poetry/song

  27. Harshad Bhatt said,

    February 27, 2022 @ 6:35 AM

    ંંઆનન્દ્ આવિ ગયો.

  28. Devangi Bhatt said,

    February 27, 2022 @ 5:40 PM

    કવરાવવું એટલે તોફાન કરવું, ખીજવવું. બાળક તોફાન કરે ત્યારે મા વઢે કે ” રોયો બહુ કવરાવે છે “.

    તમામનો આભાર 🙏

  29. દક્ષેશ પ્રજાપતિ said,

    February 28, 2022 @ 1:58 PM

    જોરદાર ગીત

  30. Jitendra Desai said,

    June 26, 2022 @ 11:21 AM

    આજે એમનું એક કાવ્ય દિવ્ય ભાસ્કર માં વાંચ્યું. આજ શૈલી માં. અદ્ભુત !
    જે મને ઠેલવાળો મનિયો ય ગમે સે…

    એમણે લખતા રહેવું જોઈએ

  31. dhruv kumar said,

    August 18, 2026 @ 11:42 AM

    આગળના બન્ને ગીતોમાં જેમ ઉપરછલ્લી અને અતાર્કિક વાત હતી ..એવી જ વાત આ ગીતમાં છે.. નાયિકા નાયકને મનોમન ચાહે છે..અને સામે નાયક એને બેન કહે છે…એક તરફી પ્રેમ છે પણ છતાં એક તરફનો નાયિકાનો પ્રેમ ,લગાવ ,જે નાયકને દેખાય એવી ચેષ્ટા ગીતમાં ક્યાંય નથી..

    અગાઉના કાવ્યોની જેમ જ આ ગીતમાં પણ કવિયત્રીએ કાવ્યાત્મક નાટકિયતા અને તળપદી બોલીનો બાહ્ય ચમકારો ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વાર્તાના તાર્કિક આધાર અને પાત્રોના ભાવ-વિકાસ તરફ ધ્યાન આપ્યું નથી.
    નાયિકાનો દંભ અને અસ્પષ્ટ ચેષ્ટા:
    નાયિકા પોતે નાયક સમક્ષ પોતાના પ્રેમ કે આકર્ષણની કોઈ સ્પષ્ટ અભિવ્યક્તિ કે ઈશારો કરતી નથી. તે માત્ર “દહીં લેવા જવું” જેવી સામાન્ય ઘટનાથી નાયક તેની ભાવના સમજી જાય તેવી અવાસ્તવિક અપેક્ષા રાખે છે. પુરુષ જ્યારે કોઈ સંકેત વગર સાહજિક રીતે તેને ‘બેન’ કહીને માન આપે છે, ત્યારે નાયિકા તેને “કાળમુખો” કે “દંભી” ગણાવે છે, જે સંપૂર્ણપણે અસંગત અને સ્વેચ્છાચારી મનોવૃત્તિ દર્શાવે છે.
    નાયકની ‘ભલમનસાઈ’નું ગુનાહિત કરણ:
    આ ગીતમાં નાયક ખરેખર કોઈ ગેરવર્તણૂક કરતો નથી. તે નાયિકા સાથે મર્યાદા જાળવીને (“ઊંધું ઘાલીને વાટકી દઈ દેવી”, “બેન કહેવું”, “જન્ટલમનવેડા”) વર્તે છે. નાયકની આ સભ્યતા અને મર્યાદાને જ નાયિકા તેનો “દંભ” કે “શાહુકાર થઈને કવરાવવું” ગણાવે છે. કવયિત્રીએ નાયકના સારા વર્તનને જ કારણ વગર આરોપીના કઠેડામાં ઊભું કરી દીધું છે, જે અતાર્કિક લાગે છે.
    વિરોધાભાષી અને અધૂરી પૃષ્ઠભૂમિ:
    નાયિકા આક્ષેપ કરે છે કે નાયક “આખા મલકમાં છાકટો ફરે છે” અને “હંધાયે લોકની સેડતી કરે છે”. જો નાયક ખરેખર લંપટ કે રખડૂ હોય, તો તે નાયિકા સાથે આટલી મર્યાદા અને સભ્યતાથી શા માટે વર્તે? આ વિરોધાભાસ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ કે ઘટના કાવ્યમાં આપવામાં આવી નથી.
    એકતરફી મોહ અને આક્રોશનો અતિરેક:
    જેમ અગાઉના ગીતોમાં ક્ષણિક શંકા પરથી આખો સંસાર છોડી દેવાની વાત હતી, તેમ અહીં પણ માત્ર એકતરફી મોહ અને અપેક્ષાભંગના કારણે નાયિકા અત્યંત તીખો અને અપમાનજનક આક્રોશ વહાવે છે. ભાવનો કોઈ ક્રમિક વિકાસ (Emotional Arc) ન હોવાથી આ આક્રોશ વાચકને સ્પર્શવાને બદલે કૃત્રિમ લાગે છે.
    કવિયત્રી ગ્રામીણ પરિવેશ, બોલી અને સ્ત્રી-હૃદયની ચટપટી લાગણીઓને ઉપસાવવા માંગે છે, પરંતુ ઘટનાના તાર્કિક પાયા, પાત્રોની આંતરિક સંગતતા અને ભાવ-વિસ્તારના અભાવે આ રચનાઓ સાહિત્યિક ઊંડાણ પામવાને બદલે માત્ર ઉપરછલ્લી અને નાટકીય બનીને રહી જાય છે.

  32. dhruv kumar said,

    August 18, 2026 @ 12:03 PM

    કવિયત્રી દેવાંગી ભટ્ટ ની ત્રણ ગ્રામીણ ગીતરચનાઓ: વિવેચનાત્મક અને મૂલ્યાંકનાત્મક સમીક્ષા
    ગુજરાતી ગીત-સાહિત્યમાં ગ્રામીણ પરિવેશ, તળપદી બોલી અને નારી-સંવેદનાને કેન્દ્રમાં રાખીને લખાતી રચનાઓનું એક આગવું આકર્ષણ રહ્યું છે. પ્રસ્તુત ત્રણેય ગીતોમાં કવિયત્રીએ તળપદા શ્રાવ્ય-ચિત્રો અને નારીના આક્રોશ દ્વારા ક્ષોભ અને ઈર્ષ્યાના વાતાવરણને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, સાહિત્યિક ઊંડાણ, પાત્ર-આલેખન અને કાવ્યાત્મક તર્કની દ્રષ્ટિએ આ રચનાઓનું ઝીણવટભર્યું આકલન કરવામાં આવે તો તેમાં કેટલીક પાયાની મર્યાદાઓ સ્પષ્ટપણે ઊભરી આવે છે.
    ૧. તાર્કિક આધાર અને ઘટનાત્મક વિસંગતતા (Logical Inconsistency)
    કોઈપણ કાવ્ય કે નાટ્યાત્મક ગીતમાં નાયિકાનો આક્રોશ ત્યારે જ વાચક કે શ્રોતાના હૃદયને સ્પર્શે જ્યારે તેની પાછળ કોઈ નક્કર અને તાર્કિક ઘટનાનો આધાર હોય. આ ત્રણેય ગીતોમાં આ તાર્કિક પાયો કાચો પડે છે:
    પ્રથમ બે ગીતોમાં: નાયિકા માત્ર આઘેથી જોઈ ગયેલી ત્રાંસી નજર કે ક્ષણિક આકર્ષણ (“ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા”) પરથી સીધો જ વાસીદાં, છાણાં અને બેડાં ફેંકી દેવાનો આત્યંતિક બળવો પુકારે છે. ગ્રામીણ સમાજના વાસ્તવિક તાણાવાણામાં આવી અત્યંત નાની કે અસ્પષ્ટ બાબતે આટલો મોટો નિર્ણય લેવાવો તે વ્યવહારુ તર્કથી પર લાગે છે.
    ત્રીજા ગીતમાં: નાયક મર્યાદાપૂર્વક વર્તે છે, નીચું જોઈને વાટકી આપી દે છે અને નાયિકાને ‘બેન’ કહીને સંબોધે છે. નાયકની આ સભ્યતાને નાયિકા “શાહુકાર થઈને કવરાવવું” કે “દંભ” ગણે છે. નાયિકા પોતે પોતાની ભાવનાનો કોઈ ઈશારો કરતી નથી અને સામે પક્ષે પુરુષ પોતાની મર્યાદા જાળવે ત્યારે તેને કાળમુખો ગણાવવો તે સંવેદનાને બદલે તાર્કિક અસંગતતા ઊભી કરે છે.
    ૨. ભાવ-વિસ્તાર અને પૃષ્ઠભૂમિનો અભાવ (Lack of Emotional Arc)
    સારા ગીતમાં ભાવનો ક્રમિક વિકાસ (Emotional Arc) હોય છે, જ્યાં નાયિકાના વિરહ, ઉપેક્ષા કે દાહ પાછળ તેની ભૂતકાળની સ્મૃતિઓ કે અનુભવો વણાયેલા હોય છે.
    આ રચનાઓમાં પરિસ્થિતિનો કોઈ આંતરિક કે ભૂતકાળનો વિસ્તાર મળતો નથી. નાયિકા પરિણિત છે કે નહીં, તેને બાળકો છે કે નહીં, ભૂતકાળમાં પતિ કે નાયક સાથે તેના કેવા સંબંધો હતા—આવી કોઈ સ્પષ્ટ પૃષ્ઠભૂમિ (Backstory) વિના માત્ર સપાટી પરનો ગુસ્સો જ આલેખાયો છે. પરિણામે, કાવ્યનો ઉત્કટ લાગતો આક્રોશ કાવ્યાત્મક ગહનતા પામવાને બદલે માત્ર એકતરફી ચડભડ કે અસંતોષ બનીને રહી જાય છે.
    ૩. પાત્ર-આલેખનની મર્યાદાઓ (Limitations of Characterization)
    એકપરિમાણીય નાયિકા (One-dimensional Protagonist): ત્રણેય ગીતોમાં નાયિકાનું પાત્ર અત્યંત અધીરું, શંકાશીલ અને આત્યંતિક પ્રતિક્રિયા આપનારું બતાવાયું છે. તેનામાં આત્મ-નિરીક્ષણ કે પરિસ્થિતિને સમજવાની પરિપક્વતાનો અભાવ છે.
    વિરોધાભાષી નાયક (Contradictory Antagonist/Hero): ત્રીજા ગીતમાં નાયકને “આખા મલકમાં છાકટો” અને “સેડતી કરનારો” કહેવાયો છે, પણ ગીતની પ્રત્યક્ષ ઘટનામાં તે અત્યંત “જન્ટલમેન” અને સંકોચી વર્તે છે. આ વિરોધાભાસનું સાહિત્યિક સમાધાન ક્યાંય મળતું નથી.
    નિષ્કર્ષ
    આ ત્રણેય કાવ્યોમાં કવિયત્રીએ તળપદી બોલીનો લય અને ગ્રામીણ ચિત્રો (દહીંથરા, માદરપાટ, વાસીદાં, કુંવર) ઊભા કરવામાં કૌશલ્ય દાખવ્યું છે. પરંતુ, ઘટનાના કાચા તાર્કિક પાયા, નાયિકાના ભાવ-વિકાસના અભાવ અને કૃત્રિમ આક્રોશને કારણે આ રચનાઓ માનવ-હૃદયના ઊંડા મનોવિજ્ઞાનને સ્પર્શવામાં નિષ્ફળ નીવડે છે. સાહિત્યિક દ્રષ્ટિએ આ રચનાઓ સપાટી પરનું નાટકિય વાતાવરણ ઊભું કરે છે, પરંતુ ઊંડાણ અને આંતરિક સંગતતાના અભાવે ઉપરછલ્લી અને અધૂરી રહી જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment