(રોજ નિશ્ચય કરું તે તૂટે છે) – હનીફ સાહિલ
રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે
જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે
આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે
એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે
કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે
શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે
– હનીફ સાહિલ
ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.
નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!
ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?
Aasifkhan said,
June 3, 2022 @ 11:16 AM
Vaah મઝા ની ગઝલ
સુંદર આસ્વાદ
સુષમ પોળ said,
June 3, 2022 @ 11:34 AM
સરસ રચના
જય કાંટવાલા said,
June 3, 2022 @ 11:40 AM
વાહ
DILIPKUMAR CHAVDA said,
June 3, 2022 @ 12:28 PM
જોરદાર
pragnajuvyas said,
June 3, 2022 @ 9:07 PM
કવિશ્રી હનીફ સાહિલની રોજ નિશ્ચય કરું ને તૂટે છે ટૂંકી બહરની સુંદર ગઝલનો ડો વિવેક દ્વારા સ રસ આસ્વાદ
રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે
વાહ સામાન્ય જનોને અનુભવાતી સટિક વાત
આપણો નિશ્ચય કાચો છે. નિશ્ચય કાચો ના પડે, એ આપણે જોવાનું છે. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું જ છે. અહીં પુરુષાર્થનું બળ છે. એ બહુ ગજબનું બળ છે. છતાં આપણામાં નબળાઈ છે તે જાણવું, પણ એની સામે શૂરાતન હોવું ઘટે, તો જ્યારે ત્યારે એ નબળાઈ જશે. શૂરાતન હશે તો એક દહાડો જીતી જશે, પણ પોતાને નિરંતર ખૂંચવું જોઈએ કે આ ખોટું છે.અને આ મક્તા
શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે—-ના વિચારવમળે
જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.
વળી મરણની ક્ષણ પ્રારબ્ધથી નક્કી થયેલી જ હોય છે. સાધારણતયા સંયમ, પ્રાણાયામ વગેરે આયુર્વર્ધક બતાવ્યાં છે, પણ બહુધા વ્યક્તિનું આયુષ્ય તો એના પ્રારબ્ધથી જ નક્કી થાય છે. દેહ કર્મવેગથી ટકે છે. અસંખ્ય પૂર્વ કર્મોમાંથી એક વિશિષ્ટ અંશ ઉપભોગવા દેહરૂપે જન્મ લીધો. એ જ છે ‘પ્રારબ્ધ કર્મ’ એ ભોગવી લીધા પછી દેહ પડી જાય છે.અમારું નમ્ર મંતવ્ય છે કે મૃત્યુની ક્ષણને ટાળી નથી શકાતી, પણ એના પ્રકારને બદલી શકાય છે.
Poonam said,
June 3, 2022 @ 9:41 PM
આમ એકાંત ઉમટે ભરચક,
આમ ખાલીપણુંય ખૂટે છે… Aahaa !
– હનીફ સાહિલ –
Aaswad prarbhadh 👌🏻
preetam lakhlani said,
June 6, 2022 @ 10:14 AM
રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે… આ મત્લાપર વારી ગયો
Lata Hirani said,
June 9, 2022 @ 2:08 PM
બહુ સરસ ગઝલ