મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

નજર પહોંચી શકે…..- મનોજ ખંડેરિયા

નજર પહોંચી શકે ત્યાં લગી બસ શુષ્ક ધરણી છે;
વચાળે જિંદગી છે સમજી લે કે ફૂલખરણી છે.

લીલી દુર્વાની જેવાં આપણાં સપનાં ચરી જાતી;
સતત દેખાતી ગભરુ કિંતુ એ છેતરતી હરણી છે.

પુરાયાની પીડા ભૂલી ગયા સહુ બહાર જોવામાં,
જગત આખુંય જાણે કાચની આ એક બરણી છે.

પ્રવેશે છિદ્રમાંથી પાણી ત્યાં બસ આંગળી રાખી,
દીધેલી તેંય જન્મારાની કેવી કાણી તરણી છે.

ગઝલ મારી લખાયા બાદ નીરખીને મને થાતું,
પડી કાગળ ઉપર આ કોની પગલી કંકુવરણી છે.

તમારે મન ફક્ત ગજરો અમારે મ્હેકતો રેલો,
અમારી સાવ જુદી આપથી વિચારસરણી છે.

– મનોજ ખંડેરિયા

બળકટ ગઝલ….

3 Comments »

  1. pragnajuvyas said,

    July 18, 2022 @ 8:19 PM

    ખૂબ જ બળકટ ગઝલ
    વારંવાર વાંચવા ગમે તેવી
    તમારે મન ફક્ત ગજરો અમારે મ્હેકતો રેલો,
    અમારી સાવ જુદી આપથી વિચારસરણી છે.
    મક્તા માણતા યાદ આવે…
    બે ધડકતા દિલોની કહાણી બને,
    રંગ ભીની કરુણાની લ્હાણી બને,
    પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
    તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.
    દેહના કોડિયે, પ્રાણની વાટને,
    લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
    તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
    દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

  2. Rohit Kapadia said,

    July 18, 2022 @ 11:14 PM

    ખૂબ જ સુંદર રચના. બહારની દુનિયા જોવામાં આપણે સહુ એક કેદમાં પૂરાયેલા છીએ તે વાત જાણે ભૂલી ગયા છીએ આ વાતને અત્યંત સહજતાથી ગઝલમાં વણી લીધી છે. ધન્યવાદ.

  3. વિવેક said,

    July 19, 2022 @ 11:09 AM

    મજાની ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment