નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.
– રવીન્દ્ર પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

Comments (3)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

Comments (4)

(મહેંદી જોઈને) – આરતી યુ જોશી ‘અમી’

હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !

તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.

હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.

મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને

નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને !

– આરતી યુ જોશી ‘અમી’

કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે.

Comments (13)

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

Comments (4)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)

ફાવી નથી શકતો – અમીન આઝાદ

જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.

હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.

સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.

ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.

દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.

મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.

– અમીન આઝાદ

કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…

Comments (2)

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

Comments (19)

સુધી…..– અનિલ ચાવડા

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Comments (4)

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

Comments (1)

દીવાને ઘણી ખમા -પારુલ ખખ્ખર

કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા
કમલી… તારા આંગણિયે અજવાળા મૂકે દોટ, દીવાને ઘણી ખમા.

કમલી, તારા દીવા ફરતે કેટકેટલા ભેદ બાઈ…
કમલી, તારું જીવતરિયું તો ખુલ્લે ખુલ્લી કેદ બાઈ…
ટૂંકમાં કહી દે, મોઘમ કહી દે ક્યાં લાગી છે ચોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારો રાણો વસતો દૂરદૂર કો’ દેશ બાઈ…
કમલી, તારી પરબડીએ આવ્યો થઈ દરવેશ બાઈ…
કહી દે ભોળી પૂતળિયું ને આજ રહે ના ભોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા રાણે લીધી નહિ મળવાની ટેક બાઈ…
કમલી, તારે એકલપંડે જાવું છેકોછેક બાઈ…
એક વરતનો પાક્કો બેલી, એકની ફરતે કોટ દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા અખંડ દીવડે કદી ન ખૂટજો તેલ બાઈ…
કમલી, તારી ભીંતે ફૂટજો અમરતફૂલની વેલ બાઈ…
વાટ નિરખતી આંખડિયુંમાં ના’વે ભરતી-ઓટ, દીવાને ઘણા ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

-પારુલ ખખ્ખર

અમરેલીના હવા-પાણીમાં નક્કી કંઈક હોવું જોઈએ. અમસ્તો જ કંઈ ત્યાંથી ઊઠનાર અવાજ આમ અલગ ન તરી આવે! જુઓ આ ગીત…

કમલીનો રાણો કોઈક કારણોસર એને ફરી નહીં મળવાની ટેક લઈને દૂરદૂરના કોઈક દેશમાં વસવા ચાલ્યો ગયો છે અને કમલી એની પ્રતીક્ષાનો અખંડ દીવડો સળગાવીને બેઠી છે. વાત કમલીના ઘરની હોય કે એના આતમકક્ષની, એક દીવો ઈંતેજારીનો મધ્યમ આંચે સળગી રહ્યો છે. આંચ મધ્યમ છે, કેમકે ભલે અનવરત પ્રતીક્ષારત્ કેમ ન હોય, કમલીએ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. બીજું, ધીમી આંચ હોય તો પ્રકાશ ઓછો પડે ને મોટી જ્યોત હોય તો દઝાડે પણ ખરી. મધ્યમ જ્યોતનું મધ્યમ અજવાળું ઓરડીના ખુલ્લા બારણામાંથી બહાર એવી રીતે રેલાય છે, જાણે અજવાળું રાણો આવ્યો કે કેમ એ ચકાસવા ઓરડેથી ખોરડાના આંગણિયે દોટ મૂકતું ન હોય! આ દીવો ક્યાંક બુઝાઈ ન જાય એ માટે તો ઘણી ઘણી ખમ્મા જ કહેવું પડે ને!

દીવાલ વગરની ખુલ્લી કેદમાં જીવતી કમલીનું જીવતર અનેકાનેક ભેદ ભીતર ઢરબીને બળી રહ્યું છે. ઘર પરબ સમું બન્યું છે, જ્યાં રાણો વળી દરવેશનો વેશ કાઢીને એના સમાચાર જાણવા આવે છે. મતલબ, રાણાના દિલમાં પણ પ્રેમ તો છે જ. આંખની પૂતળીઓ રાણાને ઓળખવું ચૂકી ન જાય એ માટે પણ દીવાનું સળગતા રહેવું અનિવાર્ય છે. ઘરના દરવાજે પૂતળીઓ લટકાવવાનો પણ એક રિવાજ છે. આ પૂતળીઓ ઘરનું ભૂત-પિશાચ-ચોરોથી રક્ષણ કરતી હોવાની આસ્થા હોય છે. દરવાજે લટકતી આ પૂતળીઓ અંધારામાં ભોટની જેમ રાણાને ઓળખવાનું ચૂકી ન જાય એ માટે અજવાળું વેરતા દીવાને ઘણી ખમ્મા. એક તરફ રાણો ફરી નહીં મળવાની ટેકનું પાક્કું વ્રત લઈ બેઠો છે, તો બીજી તરફ જીવનપથ એકલા જ કાપવાનું નસીબે લખાવી બેઠેલી કમલી જીવતરના કોટમાં બંધ છે. એની પ્રતીક્ષાના અખંડ દીપકનું તેલ કદી ખૂટનાર નથી, એની આંખોમાં ચડેલા વાટના દરિયામાં કોઈ ભરતી-ઓટ નથી, એની રાહ જોવાની તીવ્રતામાં કોઈ વધ-ઘટ થનાર નથી… રાણો ફરી આવે અને કમલીની ભીંત જેવી પ્રતીક્ષા પર અમૃત જેવાં પ્રેમપુષ્પોની વેલ ફૂટે એ જ એકમાત્ર આશા…

Comments (8)

(ફોઈએ) – નેહા પુરોહિત

એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.

આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!

શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!

ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?

ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;
ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.

કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!

– નેહા પુરોહિત

આમ તો ક્રિયાપદવાળી રદીફ હોય એટલે ગઝલ કહેવી આસાન થઈ જાય પણ અહીં પ્રયોજાયેલી ક્રિયાપદવાળી રદીફમાં જે રીતે સોઈ અને ફોઈ આવી ગયાં છે એ કાબિલે-દાદ છે. સોયનું કામ બે છેડા જોડવાનું અને ફાટેલું સાંધવાનું. આટલી અમથી વાત જ્યારે બે પંક્તિના શેરમાં આવે છે ત્યારે કેવી ઉત્તમ કવિતા બની શકે છે એ તો જુઓ. સોય હોય કે જીવતર હોય, સાંધવા-ઢાંકવા સાથે પનારો પણ બહુધા સ્ત્રી જ પાડતી હોય છે, અને આ ગઝલ પણ એક સ્ત્રીના હૈયેથી જ અવતરી હોવાથી વાત આટલી દમદાર થઈ શકી છે. સ્ત્રી જ એકલી હોય તોય રોવાને બદલે મોતીની જેમ ચળકાટ વેરતા રહેવાની વાત પણ કરી શકે. બધા જ શેર સંતર્પક થયા છે, પણ સ્વનામધન્ય મક્તા તો કેવો મજાનો! પોતાના નામનો મક્તામાં આવો બખૂબી ઉપયોગ બહુ ઓછા કવિઓ કરી શકે છે.

Comments (10)

(કમાડે) – લિપિ ઓઝા

હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે

ન તકતી,ના શુભ-લાભ,ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે

નિસાસા હવામાં જ્યાં વ્હેતા મૂક્યા મેં
ટકોરા પડ્યા જઈને કોના કમાડે?

ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે

કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે

તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે ‘ભલેને પધાર્યા’ કમાડે !

એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે

કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં’તાં
મરણ પણ નથી આવતું આ કમાડે

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના… કમાડ એટલે શક્યતાઓ ઊઘડવાની વાત. અને કવયિત્રીએ અહીં કમાડે જેવી કપરી રદીફ વાપરીને કમાડ સાથે સંકળાયેલી ઘણી બધી શક્યતાઓને નાણી જોઈ છે અને પરિણામસ્વરૂપ આપણને પાણીદાર શેરોવાળી દમદાર ગઝલ સાંપડી છે. તમામ શેર ધ્યાનાર્હ થયા છે…

Comments (6)

શું ચીજ છે – મનોજ ખંડેરિયા

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

સિદ્ધહસ્ત કલમ…….પ્રત્યેક શેર બળકટ

Comments (3)

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

Comments (3)

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

Comments (4)

વેશ્યા – મલિકા અમર શેખ (મરાઠી) (અનુ.: અલકા અસેરકર)

પુરુષો ઉભા હોય છે
નાકે નાકે..
કેડ વાંકી કરીને ને
આઁખો મિચકાવતા
તોય એમને કોઈ વેશ્યા કહેતુ નથી…

– મલિકા અમર શેખ (મરાઠી)
(ગુજ. અનુવાદ: અલકા અસેરકર)

*
નુક્કડ પર, બસમાં, ઑફિસમાં
પુરુષો ઊભા હોય છે, કમ્મર મટકાવતા, આંખ મીંચકારતા,
છતાં કોઈ એમને વેશ્યા નથી કહેતું.

– મલિકા અમર શેખ (મરાઠી)
(અનુ: વિવેક મનહર ટેલર)

*
नाक्यावर, बसमध्ये ऑफिसमध्ये
पुरुष उभे, कंबर वाकडी करीत, डोळा मारीत,
तरी त्यांना कोणी वेश्या म्हणत नाहीत.
– मलिका अमर शेख

કેવી સશક્ત કવિતા! કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત! આપણી સદીઓ જૂની પુરુષી માનસિકતાના ગાલ પર સણસણતો સમાચો!

Comments (14)

વસંતવિલાસ – અજ્ઞાત (ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ (અર્થાત્ જેમાં રાત અને દિવસ સરખાં છે એવી) શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંતની ઋતુ (શરૂ થઈ) છે. દસે દિશાઓમાં (પુષ્પોના) પરિમલ પ્રસરી રહે છે. અને દિગંતો નિર્મળ (વાદળવિહીન) બન્યાં છે.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

વસંતના ગુણો (લાક્ષણિક શોભા) ખીલી ઊઠ્યા છે. બધા આંબા (મંજરીથી) મઘમઘી રહ્યા છે, અને કોયલના અનંત ટહુકા ત્રિભુવનમાં (વસંતઋતુનો) જયજયકાર કરી રહ્યા છે.

માનિની જનમનક્ષોભન શિભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

માનિની સ્ત્રીઓનાં મનને ક્ષુબ્ધ કરી નાંખતા (અર્થાત્ પરાવ્શ કરી નાંખતા) મનોહર વાયરા વાય છે અને રતિક્રીડાથી શ્રમિત બનેલાં કામીજનોનાં અંગોને સુખ ઉપજાવે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

વસંતના વાયુઓ મુનિજનના મનને (કામાવેગથી) ભેદે છે (અર્થાત્ વ્યથિત કરી મૂકે છે). માનિની સ્ત્રીઓનાં માન (પ્રણયકોપ) મુકાવી દે છે, કામીજનનોના મનને આનંદ આપે છે અને પથિકજનોના પ્રાણને પીડે છે.

મયણ જિ વયણ નિરોપિએ લોપએ કોઈ ન આણ,
માનિનીજનમન હાકએ તાકએ કિશલકૃપાણ. |૨૧|

મદન જે આદેશો ફરમાવે છે તેની આણ કોઈ લોપતું નથી. (અર્થાત્ કોઈ લોપવાને સમર્થ નથી.) તે કિસલય (કૂંપળ)રૂપી કટાર સામે ધરે છે અને (પ્રિયતમથી રિસાયેલી) માનિનીઓનાં મનને ભયભીત કરે છે.

થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સ્તનો (હંમેશા) દૃઢ રહેવાનાં નથી માટે હે ગમાર સ્ત્રી, મૂર્ખતા કર નહીં. તું શા માટે રિસાય છે? યૌવન તો બેચાર દિવસ જ (ટકનાર) છે.

જિમ જિમ વિહસઈ વિણસઈ વિણસઈ માનિની માન,
યૌવનમદિહિં ઊદંપ તી દંપતી થાઈ યુવાન. |૨૭|

જેમ જેમ વનસ્પતિ ખીલી ઊઠે છે તેમ તેમ માનિનીઓનું માન (પ્રણયપ્રકોપ) ઓસરતું જાય છે (નાશ પામે છે), અને યૌવનના મદથી તે યુવાન દંપતીઓ ઉન્મત્ત બને છે.

ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ ઉપર ભરાઓ ઘૂમી (ગુંજી) રહ્યા છે, જાણે કે શૂરવીર મન્મથના (યુદ્ધ) પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકે છે!

– અજ્ઞાત
(ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

*

મધ્યકાલીન ગુજરાતમાં ફાગુકાવ્યોનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી ફાગુ એટલે વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર એમ કહી શકાય. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ ‘વસંતવિલાસ’ નામના આ ફાગુકાવ્યના કર્તાનું નામ જાણી શકાયું નથી, પણ મોટાભાગે જૈનેતર કવિની આ રચના હોવાનું મનાય છે. ૨૪ માત્રાના દોહરા અને રોળા છંદોની ગૂંથણી વડે ૮૪ કડીઓનું આ કાવ્ય વસંતઋતુ આવતાં પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા અને પ્રિયતમના આગમન અને બંનેના મિલનના વર્ણનનું કાવ્ય છે, જેમાંથી કેટલીક કડીઓ લયસ્તરોના વાચક મિત્રો માટે અહીં રજૂ કરી છે. કવિતાની ભાષા, નાદસૌંદર્ય, પ્રાસ અને આંતર્પ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે.

કડીઓ સાથેનો સરળ ગુજરાતી પાઠ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનો છે. એમનો આભાર.

Comments (1)

વૃદ્ધ થા મુજ સંગ – રોબર્ટ બ્રાઉનીંગ [ અનુ. મકરંદ દવે ]

Grow old along with me!
The best is yet to be,
The last of life,
for which the first was made,
Our times are in his hand
Who saith, “A whole I planned,
Youth shows but half;
trust God: see all, nor be afraid !”

– Robert Browning

વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિ પર રાખ તું વિશ્વાસ
સઘળું તે જ માંહી તપાસ
ભય ના રાખ તું તલભાર”

– રોબર્ટ બ્રાઉનીંગ [ અનુ. મકરંદ દવે ]

મૂળ કાવ્ય કદાચ વધુ આકર્ષક છે. વાત સરળ છે……આગે આગે ગોરખ જાગે….

Comments (1)

હૈયા સુધી ગયાં – હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !

શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ જ અજાણ્યા એક વખત જે હતા, હવે
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..

– હરીન્દ્ર દવે

પ્રત્યેક શેર પાણીદાર…મક્તો સવિશેષ ગમ્યો….શક્યતાના પ્રદેશની વાત છે.

Comments (2)

લગ્નનું ઘર – ‘સનાતન’

(શિખરિણી)

કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.

– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)

આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.

(ધૂવળ-ધૂવર, ધૂળ)

Comments (3)

સખિ! તારો- – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’

‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (3)

(એને ક્યમ ઢંઢોળું) – હરીશ મીનાશ્રુ

સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
(પુણ્યસ્મરણ: પલટૂદાસ)

નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું

મરુથળ શું મન, મૃગજળનો
તેં ખંતે કીધો ખડકલો
સરવર સમજી રાચે
એ તો પરપોટાનો ઢગલો

ભરતી ઓટે ઉછાંછળું તે નીર લવણથી ડહોળું
ઝીલવાં બારે મેઘ ને તારું છાછર સાવ કચોળું

ઘટમાં ઘર ઘેઘૂર ને ભીતર
જે વસનાર ગૃહસ્થી
ખપે ન એને મહેલ મિનારા
ગેહ કે ગુહા અમસ્થી

વણ નક્શાનું ઘર એ ઝીણું, નથી સાંકડું પહોળું
દશે દિશાનાં અંબર : લલદે શીદ જાચે ઘરચોળું

– હરીશ મીનાશ્રુ

ઓગણીસમી સદીના પ્રારંભ-મધ્યકાળમાં થઈ ગયેલા સંત પલટૂદાસ કે પલટૂસાહિબ બીજા કબીરના નામે પણ ઓળખાય છે. એમનો પ્રસિદ્ધ દોહો હાથમાં ઝાલાને કવિ સ-રસ રીતે વિચાર વિસ્તાર કરે છે. જે માથું સંતના ચરણોમાં નમે છે, એ જ સાચું માથું છે; જે નથી નમતું એ મસ્તક નથી, કોળું છે. આ વાત કવિ ગીતસ્વરૂપે વધુ વિગતે કરે છે.

જે જાગવા છતાં જાગી નથી શકતાં એને કઈ રીતે ઢંઢોળી શકાય? રણ જેવા મનમાં મૃગજળ જેવી તૃષ્નાઓનો ખડકલો કરીને આપણે જીવીએ છીએ. જેને સરોવર ગણીએ છીએ એ જીવન તો પળમાં ફૂટી જાય એવા પરપોટાઓના ઢગલાથી વિશેષ કંઈ નથી. સ્થિર હોય એ નીર જ સાફ રહી શકે. દરિયાનું પાણી ભરતી-ઓટના ઉછાળા મારે છે, ઉછાંછળું છે એટલે એ મીઠાંના ભારથી કાયમ ડહોળું રહે છે. આપણી ભીતર જે આત્મા છે, ઈશ્વર છે એને કશાનો ખપ નથી. આ ઘરનો કોઈ નકશો નથી. એના કોઈ આયામ પણ નથી. એ દિશાઓ ધારણ કરે છે ને આપણે એને ઘરચોળું પહેરાવવા મથીએ છીએ, કહીને આપણા સૂતેલા માહ્યલાને જગાડવાની ફેર કોશિશ કરે છે.

(છાછર-તાસક, રકાબી; કચોળું-છલોછલ)

Comments (1)

ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

– જલન માતરી

Comments (2)

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

અનંત સાગરમાં એક અનંત બિંદુ….. [ જિબ્રાન ]

Comments (2)

શેર – मिर्ज़ा ग़ालिब

बंदगी में भी वो आज़ादा ओ ख़ुद-बीं हैं कि हम
उल्टे फिर आए दर-ए-काबा अगर वा न हुआ

– मिर्ज़ा ग़ालिब

અમે બંદગીમાં પણ એવા આઝાદ અને ખુદ્દાર છીએ, કે ઊંધા ફરી ઉતરી આવ્યા જો સામે કાબાનો દરવાજો ખુલ્યો નહિ.

ઘણો જાણીતો શેર છે. અહીં ગાલિબનો અસલ અંદાઝે-બયાં જોવા મળે છે. સામાન્ય વાંચને આ ગાલિબની ખુદ્દારી-આત્મસન્માનની વાત લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ તો ખ્યાલ આવે કે કાબાનો દરવાજો, જે કદી બંધ હોતો જ નથી, તેના રૂપકને પ્રયોજીને ગાલિબ કંઈ જુદું જ કહેવા માંગે છે.

ઈશ્વર ખુદ હો, ઈશ્વરસમક્ક્ષ કંઈક હો, આત્મીય સંબંધ હો…….કંઈપણ અમૂલ્ય વસ્તુ કેમ ન હો – જો તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આત્મગૌરવનો હ્રાસ હોય તો સમજી જવું કે ક્યાંક આપણી premises માં જ ભૂલ છે. ઊંધા ફરી આવી જવું અને ગંતવ્યને ફરી ફરી ચકાસવું – ક્યાંક આપણે મિથ્યાઈશ્વરને તો પૂજી નથી રહ્યાને ! સાચો ઈશ્વર,સાચો સંબંધ કદી આગંતુક ભક્તના મોઢે દરવાજા અફાળીને વાસી ન દે……

આ શેર સાથે જ ગુલઝારની ફિલ્મ ‘માચિસ’ નું ગીત યાદ આવ્યા કરે છે….. ” છોડ આયે હમ વો ગલિયાં…….. ”

Comments (1)

થઈ જા ભવાની – કાજલ કાંજિયા ‘ફિઝા’

લખ હવે તારી કહાની,
તું ‘ફિઝા’! થઈ જા ભવાની

બહુ થયું, બસ! ક્યાં સુધી આમ-
તું કલમને બાંધવાની !?

બંધ તૂટે ! તૂટવા દે-
ખોલ હોઠોની બુકાની.

અબઘડી મંડાણ કર, ચાલ;
રાહ ના જો શ્રી સવાની!

જિંદગી દઈ દીધી આખી,
ના મળી એક પળ મજાની.

જો, ઘસાઈ ગઈ છે અંતે
જાત સાથે આ જવાની.

હોઠ પર સૂકાઈ રહી છે,
હાસ્યની અંતિમ રવાની.

જા, તરી જા આખો સમદર,
નાવ લઈને ગાલગાની.

– કાજલ કાંજિયા ‘ફિઝા’

સ્ત્રી જ્યાં સુધી સહન કરી શકાય ત્યાં સુધી બસ સહન કરતી રહે છે. પતિ અને પરિવારનો બોજો એ એના નાજુક ખભા પર મૂંગા મોઢે વેંઢાર્યે રાખે છે. પણ આ જ સ્ત્રી જ્યારે ભાંગી પડવાની કગાર પર આવી પડે ત્યારે કવચિત આપણને રણચંડીનો સાક્ષાત્કાર થાય છે. આ ગઝલ આવા જ કોઈ સાક્ષાત્કારની ગઝલ છે. સામાન્ય રીતે ગઝલના આખરી શેર -મક્તા-માં કવિ પોતાનું ઉપનામ મૂકતા હોય છે પણ આ સાક્ષાત મા ભવાનીમાં રૂપાંતરિત થયેલી સ્ત્રીની ગઝલ છે, જેણે અચાનક સમાજે એની ફરતે બાંધી રાખેલી સાંકળોમાંથી મુક્ત થઈ ઉન્મુક્ત થવાનું નિર્ધાર્યું છે એટલે ઉપનામ મક્તાના બદલે મત્લામાં પ્રયોજાયું છે- જાણે કે કવયિત્રી બળવાનો પડચમ ન લહેરાવતા હોય! બધા જ શેર સ-રસ થયા છે… દૂ…રથી દુષ્યન્તકુમારના અવાજનો પડઘો દરેક શેરમાં સંભળાયા વિના નથી રહેતો…

Comments (11)

તળાવ -ધીરેન્દ્ર મહેતા

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર. – નવo

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર! – નવo

-ધીરેન્દ્ર મહેતા

ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ. નામ તો તળાવ છે પણ પાણી ટીપુંય નથી. તળાવમાં ટીપુંય પાણી નથી એટલે કાગડા-બગલાં તળિયાં ખોતરે છે અને એકાદું સૂકું તણખલું ચાંચમાં ખોરાક ઝાલીને પકદ્યા બાદ છેતરાયા હોવાના અહેસાસથી ચાંચ ખોલીને એને ફગાવે છે ત્યારે તળાવને જાણે પોતાની મૃત્યુચિઠ્ઠી ખોલતાં હોય એવું લાગે છે. માથે અસીમ આકાશ છે પણ એમાં સમ ખાવાનેય વાદળો નથી. તળાવ વિસરી ગયું છે કે અષાઢ, શ્રાવણ જેવી કોઈ ઋતુ પણ સમયચક્રમાં અસ્તિત્વ ધરાવે છે અને ગોરંભો તો ક્યાંય દેખાતો નથી. તળાવને જાણે તળાવનું નામ દઈને નામના બોજની પીડા વેંઢારવાનું લલાટે જડી ન દેવાયું હોય!

(મયણાં- મરણ, આળન્ગ- ગોરંભો, પીર-પીડા)

Comments (4)

જગન રેપ કર – ઉત્પલ વી.બી. (મરાઠી) (અનુ.: રાજુલ ભાનુશાલી)

જગન રેપ કર.
આવું જગનને કોઈ કહેતું નથી.
જગન જાતે જ રેપ કરે છે.

શાળાએ ગયેલો, ન ગયેલો, એમબીએ થયેલો, ન થયેલો, ફેસબુક પર હોય એવો જગન, ફેસબુક પર ન હોય તેવો જગન.. જગનના આવા ઘણાય પ્રકાર છે.
એ બધા જ રેપ કરી જાણે છે.

જગન બાકીના સમયે કદાચ સારા માણસોમાં ગણાતો હશે.
પણ તે કમળા પર નજર રાખે છે, અને મોકો મળતાં જ એને પીંખી નાખે છે.
છેલ્લે ઘાતકી રીતથી મારી પણ નાખે છે.
જગન ખરાબ છે. અત્યંત ખરાબ.

એ બધા ખરાબ જગનોમાંથી એક કેસ આ જગનનો છે.
આ કેસમાંના જગનને બીજા જગનોની જેમ જ પંદર-સોળ વર્ષે પહેલીવાર ઇરેક્શન થયું.
કમળાને ઋતુસ્ત્રાવ શરૂ થયો એના બે’એક વર્ષ પછી.

ઇરેક્શન થાય ત્યારે શું કરવું જોઈએ તે જગનને એના માતાપિતાએ સમજાવ્યું નહોતું.
કારણ એમને એવી વાતો કરતાં સંકોચ થતો હતો.
કમળાને માસિક આવ્યું કે તરત માએ એને શું કરવું અને કેમ કરવું એ સમજાવ્યું.
પણ જગનને ઇરેક્શન થાય ત્યારે શું કરવું એ તેના પિતા સમજાવતા નથી.
કારણ એમને પણ કોઈએ સમજાવ્યું નહોતું.

પિતાના પિતાએ એકવાર એમને ઉઘાડી સ્ત્રીઓના ફોટાવાળું પુસ્તક વાંચતા પકડી પાડેલા પછી ખૂબ માર મારેલો.
પણ ઇરેક્શનનું શું કરવું એ સમજાવ્યું નહોતું.
પિતાએ પોતે ત્રીસેક વર્ષ પહેલા હેલનને નાચતી જોઈને હસ્તમૈથુન કરેલું.

હવે તો નાચની પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ છે.
જગનની સામે ઘણી સ્ત્રીઓ નાચે છે. મલ્લિકા, મુન્ની, શીલા વગેરે વગેરે..

કેમેરો એ નાચનારીઓના અંગેઅંગ પર ફરી વળતો હોય છે.
કારણ એનેય ખબર છે કે જગનને આવું બધું જોવાનું ગમશે.
અને કેમેરા પાછળની વ્યક્તિઓને મળશે પૈસા. અઢળક પૈસા.
આવા અનેક જગન તૈયાર કરવા એ જ એમનો ધ્યેય છે.
હશે.

વાંક જગનનો છે.
તે પછી હસ્તમૈથુન કરે છે.

એકવાર મા જોઈ ગઈ અને એણે જગનના પિતાને કહી દીધું.
પિતાએ આ વાત માટે નાનપણમાં ઢોરમાર ખાધો હતો.
એટલે-
એમણે જગનને પણ ઢોરમાર માર્યો.
પણ માર ખાવાથી ઇરેક્શન અટકતા નથી.
એટલે જ જગન ફરી નાચ જુએ છે, ઉઘાડી સ્ત્રીઓના ફોટા આવતા હોય એવા પુસ્તકો વાંચે છે, બ્લુ ફિલ્મ જુએ છે.
અને,
હસ્તમૈથુન કરે છે.

આપણી પરંપરાઓ બહુ જ ઉમદા છે.
એમનો જયજયકાર થજો.

પરંપરા આપણને શીખવે છે કે લગ્ન પહેલા સંભોગ વર્જ્ય છે.
લગ્ન સુધી ધીરજ ધરવી અને પછી બધી જ કસર એકસાથે પૂરી કરી લેવી. એમાં જરાય વાંધો નથી.
એટલે કે લગ્નની પ્રથમ રાત્રિએ ભલે નવવધુને તકલીફ થાય, પીડા થાય.. કશો વાંધો નહીં!
પણ ત્યાં સુધી સ્ત્રીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ.
જગન લગ્ન થાય ત્યાં સુધી નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો બેસી રહે છે.

આમ તો પેલા પુસ્તકોમાં જેમના નગ્ન ફોટા છપાતા એ સ્ત્રીઓને ખરાબ ગણવામાં આવતી.
કારણ એ બધીઓ જગનને બગાડે છે
પણ જગનને તો એ બધીઓ બહુ જ ગમે.
એમના કારણે જ તો એને પોતાના ઇરેક્શનથી છૂટકારો મળે છે અને થોડા દિવસ સુધી રાહત થઈ જાય છે.

ફક્ત થોડાક દિવસ –
કાયમ માટે એવું થતું નથી.
પછી એક તબક્કે જગનને થાય છે કે હવે તો સ્ત્રી જોઈએ જ..
અને એ પેલી કમળાને ‘સ્ત્રી’ તરીકે જોતો થઈ જાય છે.

આખરે એક દિવસ કમળાને ઝડપી લે છે.
જગનનું રુપાંતર જાનવરમાં થઈ જાય છે.
દુર્ભાગ્યે જગન પુરુષ છે.

આપણી સંસ્કૃતિએ ઘણી પ્રગતિ કરી છે, પણ હજુ એની પાસે ઇરેક્શનનું શું કરવું એનો ઉત્તર નથી.
આ બધા અનુત્તર ઇરેક્શન સાથે એને પિતૃસત્તાકપણાનું શિક્ષણ મળે છે!

એટલે કે પિતા કુટુંબપ્રમુખ છે.
માનું સ્થાન એમની પાછળ.

જગન, તું છોકરો છે.
છોકરીની જેમ રડે છે શું?
જગન, જા જઈને તારા ભાઈબંધો જોડે રમ જોઈએ. અહિં છોકરીઓ વચ્ચે શું કરે છે!
જગન, છોકરીઓ તો ક્રિકેટમાં ચીયર ગર્લ્સ બને, રમે તો છોકરાઓ જ!
જગન, અહિં રસોડામાં શું લેવા ગુડાણો છે? રાંધવાનું કામ તારું નહીં.
તારે તો પ્લંબિંગ બ્લંબિંગ જેવું કશું શીખવું જોઈએ.
જગન, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય છે, એ ઘરે રહે તે જ સારું.
જગન, તું મર્દ છે.
ખરી મર્દાનગી સ્ત્રીને જીતવામાં છે.
વગેરે..વગેરે..

એક તો આ ઇરેક્શન, અને એની ઉપર આ પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન.
જગન છેક બગડી ગયો છે.
એનું હિંસકપણું જાનવરને પણ સારા કહેવડાવે એટલું વકરી ગયું છે.

કમળાના મૃત્યુ પછી એની સખીઓ, એના માતાપિતા, આપણી પરંપરા બધાનો રોષ હદ બહાર વધી ગયો છે.
જગનને ફાંસી થવી જોઈએ એવી સહુની માંગણી છે.
ખરી વાત, જગનને ફાંસી થવી જ જોઈએ.
ફાંસી આપ્યા પછી જગન મરી જશે.
પણ,
એની અંદરનો નર બાકી રહી જશે.

કારણ નર અને માદા ક્યારેય મર્યા નથી અને ક્યારેય મરશે પણ નહીં.
નર ફરીથી હસ્તમૈથુન કરતાં કરતાં પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન લઈને મોટો થશે
અને,
માદા અનંતકાળ સુધી જેમ વાટ જોતી આવી છે એમ હજુ અનંતકાળ સુધી જોતી રહેશે.
શુભ સંભોગની.

– ઉત્પલ વી.બી. (મરાઠી)
(ગુજરાતી અનુવાદ: રાજુલ ભાનુશાલી)

આવી કવિતા આપણામાંથી કોઈએ ભાગ્યે જ વાંચી હશે. આ કવિતા બળાત્કારના મૂળ સુધીની યાત્રા છે. આ કવિતા આપણને બળાત્કારીઓના મનોપ્રદેશની જુગુપ્સાપ્રેરક મુસાફરીએ લઈ જાય છે. સભ્ય સમાજના સભ્ય નાગરિકો માટે આ કવિતા કદાચ ‘ખરાબ’ સાહિત્યનો ઉત્તમ દાખલો છે. પ્રતિબંધ પણ મૂકી શકાય. હસ્તમૈથુન અને ઇરેક્શન જેવા શબ્દો આ કવિતામાં ચણા-મમરાની જેમ વેરાયેલા છે પણ આપણે ત્યાં આટલા બધા બળાત્કાર કેમ થાય છે એની માનસિકતા અહીં સુપેરે છતી થાય છે.

જગન આ કવિતાનો નાયક છે પણ કવિ કાવ્યારંભે જ સ્પષ્ટ કરી દે છે કે આ જગન આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. દીકરીને પહેલવહેલી વાર માસિક આવે ત્યારે જે રીતે અભણ મા પણ એને ‘શું કરવું-શું ન કરવું’ની સમજ આપે છે, એ રીતે દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ઊલટું દીકરો પૉર્નોગ્રાફી જોતો કે હસ્તમૈથુન કરતો પકડાઈ જાય તો જઘન્ય અપરાધ કરી નાંખ્યો હોય એમ એની અભૂતપૂર્વ ધોલાઈ કરવામાં આવે છે, જેના પરિણામે પૉર્નોગ્રાફી, હસ્તમૈથુન, સ્વપ્નદોષ વગેરે મહાઅપરાધ હોવાની વાત મનમાં ઘર કરી જાય છે, પણ જીવનમાંથી દૂર કરી શકાતી નથી.

ટૂંકમાં, જે મનોવૃત્તિ ભૂખ-તરસ-ઊંઘ જેટલી જ સાહજિક છે, એનું અકુદરતી દમન કરવાની કોશિશ સ્ત્રીઓ પર બળાત્કારના સ્વરૂપે વમન પામે છે. ખજૂરાહો અને કામસૂત્રના દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાના નામે જે દંભ વકર્યો છે, એના પરિપાકરૂપે આજે ભારતમાં લગભગ દર પંદર મિનિટે કોઈ એક ખૂણામાં કોઈ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, અને આ આંકડો તો સરકારી દફ્તરે નોંધાયેલો આંકડો છે. મોટા ભાગની સ્ત્રીઓ ફરિયાદ કરતી નથી એટલે સાચો આંકડો કેટલો મોટો હશે એની માત્ર કલ્પના જ કરી શકાય.

આ કવિતાનો અનુવાદ કરવાનું હિંમતભર્યું કામ એક કવયિત્રીએ કર્યું છે એ વાત પણ નોંધવા જેવી છે. આ બહાદુરી બદલ કવયિત્રી અઢળક અભિનંદનના હકદાર છે. ખાસ્સી લાંબી હોવાથી મૂળ મરાઠી કવિતા કમેન્ટ તરીકે નીચે મૂકી છે.

Comments (25)

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- મનોજ ખંડેરિયા

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
અમે લાગણીના ચહેરે ઉઝરડો !

ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ –
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?

સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો

અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો

હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો

-મનોજ ખંડેરિયા

 

ઝીણી તરડો…….. કેવી ખૂબીથી બયાન થયું છે !!!!!

Comments (2)

અમને તો ફીરકી ને માંજાના કોડ – મુકેશ જોષી

અમને તો ફીરકી ને માંજાના કોડ
તમે દીધો અવતાર કાં પતંગનો
આમ પળપળમાં તૂટતા સંબંધનો

છાતીના ચાર કોશ છેદીને ભાયગની રેખા શી દોર તમે બાંધો
આંચકાઓ આપીને આયખાને ચીરો ને થીગડાનું નામ દઈ સાંધો

અણદીઠા સરનામે મોકલો ને
ટેકો તો ડગમગતા વાયરાના સ્કંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

સૂરજના આંગણમાં અંગોને ઓગાળી જાતને રાખ લગી બાળવી
આકાશે થંભે ના એકાદું પંખી, આ આંખોને ક્યાં જઈ પલાળવી

પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

– મુકેશ જોષી

 

વધુ તો શું બોલવું……..

Comments (4)

तवक्को – मिर्ज़ा ग़ालिब

जब तवक्को ही उठ गयी ग़ालिब
क्यों किसी का गिला करे कोई

– मिर्ज़ा ग़ालिब

[ तवक्को = અપેક્ષા ]

કોઈ શેર આખી ગઝલને ભારે હોય છે, આ શેર આખા ગ્રંથને ભારે છે. આ નિરાશાનો ભાવ વ્યક્ત કરતો શેર નથી, આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે. અહીં આગળ-પાછળ-ઉપર-નીચે કશું જ બચ્યું નથી. પ્રકાશ તો નથી જ નથી….પણ અંધારું સુદ્ધા નથી.

Comments (3)

(દુર્લભ કિસ) – મેહુલ પટેલ ‘ઈશ’

ઈશ્વરે આપેલી દુર્લભ કિસ છે.
શાયરી તો કુદરતી બક્ષિસ છે.

તારી પાસે છે જે તકલાદી ગઝલ ,
મારી પાસે એનો માસ્ટર પીસ છે.

મારી ગઝલો ફક્ત ગઝલો ક્યાં છે દોસ્ત
છંદમાં ઢાળી દીધેલી ચીસ છે.

હું તને આજેય ભુલ્યો છું જ નહીં,
તારા પ્રત્યે આજે પણ બહુ રીસ છે.

માત્ર એક બે છે અહીં ગાલિબ -મરીઝ
શાયરો તો એકસો છવ્વીસ છે !

-ઈશ

એક માસ્ટર પીસવાળો શેર માસ્ટર પીસ બનતાં બનતાં રહી ગયો, બાકી આખી ગઝલ માસ્ટરપીસ થઈ છે.

Comments (3)

(બહુ સતાવે છે) – સંદીપ પૂજારા

રહી રહીને આ સચ્ચાઈ બહુ સતાવે છે
કરે છે એથી વધુ વ્હાલ સૌ જતાવે છે

ભલે એ હાર અને જીત બેઉ લાવે છે
છતાંય યુદ્ધ મને મારી સાથે ફાવે છે

જીવી રહ્યા છે જગતમાં હજી ઘણા શંકર
હસીને ઝેર રિવાજોનું ગટગટાવે છે

ઝડપથી મારું હૃદય હૃષ્ટપુષ્ટ થઈ જાશે
સવાર-સાંજ કોઈના સ્મરણને ધાવે છે

વિચારું છું કે તડીપારની સજા આપું
અમુક ઇચ્છાને, આતંક જે મચાવે છે

જો કોઈ મારી તરસ વિશે પૂછે તો કહું કે
છે માત્ર તન અહીં મારુ ને મન તળાવે છે

– સંદીપ પૂજારા

કેવી મજાની રચના! દરેક શેર ધીમેધીમે મમળાવવા જેવા થયા છે…

Comments (6)

હજુ – મયંક ઓઝા

જોઈ રહી છે જર્જરિત ભીંતો હજુ,
ઓલવાતો કેમ ના દીવો હજુ?

એક પડછાયો હજુ અથડાય છે,
કોણ કરતું હોય છે પીછો હજુ?

આ.. તો ટેવાઈ ગયો છે ઓરડો,
ક્યાં થયો છે દૂર ખાલીપો હજુ?

સાવ ક્યાં ભૂતકાળને ભૂલાય છે?
કો’ક દિ’ સંભળાય છે ચીસો હજુ.

હર વખત બસ, હું જ બાજી હારતો,
કોણ ચીપે એમ ગંજીફો હજુ?

કેમ પીવામાં કરું જલ્દી મરીઝ?
જિંદગીનો રસ તો છે ફીકો હજુ.

એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ.

– મયંક ઓઝા

‘સ્મિતા પારેખ’પારિતોષિક, ૨૦૧૯: કવિતા વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા કૃતિ…

મુક્ત કાફિયા છે, પદઅન્વય ક્યાંક-ક્યાંક નબળો છે પણ સરળ ભાષામાં ટૂંકીટચ રદીફને સાતેય શેરમાં ન્યાયપૂર્વક નિભાવવામાં આવી છે અને લગભગ દરેક શેર મનનીય થયો છે, એ ન્યાયે લગભગ સવાસો કૃતિઓને હંફાવીને આ ગઝલ પ્રથમ ક્રમે વિજેતા નિવડી છે. કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

Comments (3)

समझौता – सिराज फ़ैसल ख़ान

बहुत पुरानी कोई उदासी
बदन खंडर में पड़ी हुई है
ज़हन के ताक़ों में कितनी यादों की अब भी कालिख जमी हुई है

है दर्द कोई रगों में बहता ख़मोश जैसे

हैं अश्क़ कुछ जो तलाशते हैं
बहाने आँखों से झाँकने के

हैं ज़ख़्म कुछ बे-क़रार रहते हैं जैसे खुलने को हर घड़ी ये

कमाल ये है
सजा के इक
झूटी मुस्कुराहट
मैं हर अज़ीयत दबा गया हूँ
सभी को लगता है ठीक है सब
नए मरासिम बना के ख़ुश हूँ…..

कहाँ मैं जाऊं
कि सारी चीज़ों से,
हर जगह से तो उसकी यादें जुड़ी हुई हैं
ये बेड़ियां तो हमारे पैरों में जाने कब से पड़ी हुई हैं

वो बाद मुद्दत के अब भी इतना भरा है मुझमें
बग़ैर उसके तो इस शहर का
हर एक रस्ता
तमाम गलियाँ
बज़ार कैफ़े
नज़र में जैसे
सुई की मानिंद चुभ रहे हैं…

वही थियेटर है
कार्नर की वही दो सीटें,
है फ़िल्म पर्दे पे कॉमेडी इक,
सभी तमाशाई एक लय में
ख़ुशी में डूबे हुए ठहाके लगा रहे हैं,
जगह पे उसकी
हमारे पहलू में शख़्स बैठा हुआ है कोई
हमारे काँधे पे उसका सर है
हम अपने अंदर सिसक रहे हैं…………!!

-सिराज फ़ैसल ख़ान

નઝ્મના શીર્ષકમાં જ અર્થ અભિપ્રેત છે…..

Comments (1)

રાણી -પાબ્લો નેરુદા (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મેં તારું નામ રાણી રાખ્યું છે.
તારા કરતાંય વધુ ઊંચી, વધુ ઊંચી સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ શુદ્ધ, વધુ શુદ્ધ સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ મનોરમ્ય, વધુ મનોરમ્ય સ્ત્રીઓ છે.

પણ તું રાણી છે.

જ્યારે તું શેરીઓમાં થઈ ગુજરે છે
કોઈ તને ઓળખતું નથી.
તારો હીરાનો તાજ કોઈને દેખાતો નથી, કોઈ જોતું નથી
એ લાલ સ્વર્ણિમ જાજમ
જેના પર થઈને તું પસાર થાય છે,
એ અવિદ્યમાન જાજમ.

અને જ્યારે તું આવે છે
સમસ્ત નદીઓ રણકી ઊઠે છે
મારા શરીરમાં, ઘંટડીઓ
આકાશ હચમચાવે છે,
અને એક સ્તોત્ર વિશ્વને ભરી દે છે.

કેવળ તું અને હું,
કેવળ તું અને હું, મારા પ્યાર,
સાંભળ આને.

-પાબ્લો નેરુદા (સ્પેનિશ)
(અંગ્રેજી અનુવાદ: ડોનાલ્ડ ડી. વૉલ્શ)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં પ્રિય પાત્રથી વધીને કંઈ નથી. પ્રિય પાત્રથી વધારે ચડિયાતી અનેક વ્યક્તિઓ દુનિયામાં વસતી હોવા છતાંય પ્રિયજન ચડિયાતાંઓથીય ચડિયાતું લાગે છે એ પ્રેમનાં ચશ્માંની અસર છે. પ્રેમી માટે એની પ્રેમિકા માથે હીરાજડિત તાજ પહેરીને લાલ જાજમ પરથી પસાર થતી મહારાણીથી સહેજેય કમ નથી. પ્રેયસીની ઉપસ્થિતિથી પ્રેમીનું આખું તંત્ર રણઝણ થઈ ઊઠે છે, આખી દુનિયા જાણે સ્તોત્રોચ્ચારથી ભરાઈ આવે છે. પ્રેમના સરવાળામાં બે જણ સિવાય બીજું કશું બચતું કે રહેતું નથી. માત્ર એક-મેકના દિલને સાંભળવાનું રહે છે…

*
The Queen

I have named you queen.
There are taller ones than you, taller.
There are purer ones than you, purer.
There are lovelier than you, lovelier.

But you are the queen.

When you go through the streets
no one recognizes you.
No one sees your crystal crown, no one looks
at the carpet of red gold
that you tread as you pass,
the nonexistent carpet.

And when you appear
all the rivers sound
in my body, bells
shake the sky,
and a hymn fills the world.

Only you and I,
only you and I, my love,
listen to it.

– Pablo Neruda
(translated from original Spanish by Donald D. Walsh)

Comments (5)

ઓછા ના થયા – વ્રજેશ મિસ્ત્રી

દૃશ્યના વિસ્તાર ઓછા ના થયા,
પાંપણોના ભાર ઓછા ના થયા.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા;
આંસુઓના ખાર ઓછા ના થયા.

ના ઘટ્યા દળ એમના તલભાર પણ,
કે સ્મરણ તલભાર ઓછા ના થયા.

રાતભર આંખો ઉલેચી તોય પણ;
ભીતરે અંધાર ઓછા ના થયા.

ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.

– વ્રજેશ મિસ્ત્રી

પાંચેય શેર મજાના થયા છે. કવિએ રદીફ ખૂબ સરસ રીતે નિભાવી છે. ચોથા શેરમાં ‘તોય પણ’માં ‘ય’ અથવા’પણ’ -બેમાંથી એકનો પ્રયોગ ટાળી શકાયો હોત તો રચના ભાષાદોષમુક્ત થઈ શકી હોત.

Comments (4)

ગુરુવંદના – કિશોર બારોટ

ગુરુવર તમને વંદન
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન

આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન

અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન

– કિશોર બારોટ

કેવા સરળ શબ્દોમાં કેવી ઉમદા ગુરુવંદના! અદભુત!!

Comments (7)

તારાઓ – સૌમ્ય જોશી

સવારસાંજ સૈકાઓ વીંઝાય છે મારામાં
મારી મુઠ્ઠીમાં મારો મુઠ્ઠીભર ઈતિહાસ હોય છે દિવસે
પણ રાત્રે તો પ્રકાશવર્ષો હોય છે મારી પાસે
સાવ આથમી ગયા પછી પણ સૂરજ આઠ મિનિટ સળગ્યા કરે છે મારી બાજુમાં
ને પછી,
મારી થોડી થોડી ઘેરાયેલી
ઝીણી ઝીણી આંખોમાં,
હળુહળુ ડગ માંડે છે મનવન્તરો.
રાત પડી હોય ભલે હમણાં જ પણ હોય છે એ મનવન્તરો પુરાણી.
મારી નાની અમથી તારીખોની આંખો પહોળી થઈ જાય છે.
ત્રણસો પાંસઠ દિવસનું મારું વજનિયું માપી જ નથી શકતું રાતોને,
કારણ કે કંઈ કેટલાય તારાઓનો યુગોપુરાણો ઈતિહાસ આવીઆવીને અથડાતો હોય છે મારા વર્તમાન સાથે,
રોજ રાત્રે
આદ્રનો પેલો ગુલાબી તારો કલ્પો પહેલાં નીકળી ગયો’તો મને મળવા માટે,
પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
સપ્તર્ષિનું પેલું ઝૂમખું એકબીજાથી કંઈકેટલાય અંતરે પણ એકસાથે આવીને બેસી જાય છે મારી તાણેલી ચાદરમાં,
વારતા સાંભળવા બેઠેલાં ચાર ટાબરિયાંની જેમ.
ને વારતા કહેવા બેઠેલો હું સાવ યુનિવર્સલ થઈ જાઉં છું.
ચીબરી, તમરો, ઘુવડ, ચાણક્ય ને ઈસુનાં હાલરડાં સંભળાવી દઉં છું એમને.
એમની ઝોળીમાં મારા વર્તમાનથી માંડીને મારા નજીવા અતીત સુધીનું બધું જ ભરી દઉં છું.
ને વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
મારા ધોળાધબ ધાબળામાં,
એમનો લાં…બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.

– સૌમ્ય જોશી

 

 

હું સચેતન છું,તો સમય છે.

મારુ ચેતન ઓલવશે-સમય નહિ રહે.

Comments (4)

જતાં પહેલાં-નિકોનાર પારા

Before I go
I’m supposed to get a last wish:
Generous reader
burn this book
It’s not at all what I wanted to say
Though it was written in blood
It’s not what I wanted to say.
No lot could be sadder than mine
I was defeated by my own shadow:
My words took vengeance on me.
Forgive me, reader, good reader
If I cannot leave you
With a warm embrace, I leave you
With a forced and sad smile.
Maybe that’s all I am
But listen to my last word:
I take back everything I’ve said.
With the greatest bitterness in the world
I take back everything I’ve said.

– Nicanor Parra [translated by Miller Williams]

*જતાં પહેલાં-

જતાં પહેલાં
મારી છેલ્લી ઈચ્છા
પરિપૂર્ણ થવી જ જોઈએ:
ઉદાર વાચક,
આ પુસ્તકને સળગાવી દેજે.
મારે જે કહેવું હતું
તેમાંનું કશું જ એમાં નથી;
એ રક્તથી આલેખાયું હતું
તે છતાંયે
મારે જે કહેવું હતું
તે એમાં જરાયે નથી.

મારા કરતાં કોઈનું ભાગ્ય
વધારે વિષાદભર્યું નહીં હોય!
મારા જ પડછાયાથી
મારો પરાજય થયો હતો:
શબ્દો મારા પર વેર વાળતા હતા!

ક્ષમા કરજે મને વાચક, સહ્રદય વાચક!
જો હું તને કોઈ શ્રધ્ધાપૂર્ણ સંકેત
આપ્યા વિના તારી વિદાય લેતો હોઉં તો!
હું તો તારાથી છૂટો પડું છું,
મુખ પર એક બળજબરીથી આણેલા
અવસાદભર્યા સ્મિત સાથે!

કદાચ હું એવો જ હોઈશ
પણ મારા છેલ્લા શબ્દને સાંભળતો જા:
મેં જે કંઈ કહ્યું છે તે બધુંય
હું પાછું ખેંચી લઉં છું-
વિશ્વની સમગ્ર કડવાશથી
મેં જે કંઈ કહ્યું છે તે બધુંયે
હું પાછું ખેંચી લઉં છું

– નિકોનાર પારા [અનુવાદ : કંચન પારેખ ]

આ લાગણી અમુક સર્જકોને થતી હોય છે. મૂળ મુદ્દો એ છે કે સર્જક જે અનુભવે તે આલેખે…તે સર્જક પૂરતું સત્ય હોય – તેથી જ જિબ્રાને કહ્યું છે – ” એમ ન કહો કે મને સત્ય મળ્યું છે-એમ કહો કે મને એક સત્ય મળ્યું છે “. સર્જકની ચેતના, તેની પ્રજ્ઞા, તેની અનુભૂતિ અનન્ય હોવી સ્વાભાવિક છે.

[ કાવ્ય-અનુવાદ-સૌજન્ય :- ડૉ નેહલ વૈદ્ય – inmymindinmyheart.com ]

Comments (1)

ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં અતિશયોક્તિ એ આપણી અનિવાર્યતા છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ, પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમની મુલાકાત લેવા વિનંતી છે.

*

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

Comments (2)

સાક્ષીભાવ – પ્રદીપ ‘સુમિરન’

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!

– પ્રદીપ ‘સુમિરન’

કાફિયાઓની બાબતમાં કવિએ પ્રમાણમાં ખાસ્સી આળસ સેવી હોવા છતાં મસ્ત મજાની ગઝલ લખાઈ પણ જાય, કૈં નક્કી નહીં!

Comments (6)

પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો.

તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,
અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો.

વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,
અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.

કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર,
આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો.

હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.

પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.

– જુગલ દરજી

સાદ્યંત સુંદર રચના. કવિને જન્મેલા પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે…

Comments (13)

વિપ્રલબ્ધા ગઝલ – જવાહર બક્ષી

એક ભ્રમનો આશરો હતો …. એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણાં સુધી જઈ…..પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો

– જવાહર બક્ષી

[ વિપ્રલબ્ધા = અષ્ટનાયિકાઓમાંની એક નાયિકા ]

પ્રત્યેક શેર બળકટ…..જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ એક ઘેરી ઉદાસીનો સામો બંધાતો જાય છે…

Comments (4)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

બદલે – ડૉ.મનોજ જોશી ‘મન’

પરિસ્થિતિ તો હજાર બદલે;
ન વેદનાઓ લગાર બદલે.

તું જેમ બખ્તર ધરાર બદલે,
ક્ષણોય એમ જ પ્રહાર બદલે.

‘હ’કાર બદલે; ‘ન’કાર બદલે,
‘હું’કારનો બસ પ્રકાર બદલે.

જનમથી રાતે સૂતાં રહો છો;
તો આમ ક્યાંથી સવાર બદલે!

સળંગ બદલે મૂળેથી માણસ;
જરાક એ જો વિચાર બદલે.

કદાચ બદલે તો રીત બદલે,
મરણ ન તિથિ, ન વાર બદલે.

યુગોયુગોથી જીવે પ્રતીક્ષા;
બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે.

– ડૉ.મનોજ જોશી ‘મન’

દેખાવમાં ટૂંકી ટચરક પણ નિભાવવી દોહ્યલી થઈ પડે એવી ‘બદલે’ સાતે-સાત શેરમાં કેવી બ-ખૂબી નિભાવી છે તે જુઓ… બધા જ શેર વિચારણીય થયા છે.

 

Comments (4)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

હાજર છે – જયંત ડાંગોદરા

પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.

તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.

પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.

જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.

– જયંત ડાંગોદરા

‘જરા હટ કે’ બયાનીસભર ગઝલ…

Comments (3)