ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

હું ન ડોશી – નીરવ પટેલ

ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .
વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.

– નીરવ પટેલ

આમ તો આ અછાંદસ એક કવિતાયુગ્મમાંનું બીજું કાવ્ય છે પણ મને લાગે છે કે આ એક કાવ્ય પણ પૂરતું છે. પહેલું કાવ્ય વાંચ્યા વિના સીધું આ વાંચીએ તો શરૂમાં તો વાત શેની થઈ રહી છે એ સમજવું જરા અઘરું લાગે પણ અંત ભાગ તરફ જતાં સુધીમાં ખ્યાલ આવી જાય છે કે ચૂંટણીનો સમય છે અને ઉમેદવારો મત ઉઘરાવવા ગામમાં આવી ચડ્યા છે. આખો દિવસ તડકાતાપમાં કચરો-ભંગાર વીણી લાવે ત્યારે મગો મહેતર એક કોથળાના પાંચ રૂપિયા આપે અને ડોશો-ડોશી બંને રોટલા ભેળા થાય છે. પણ ચૂંટણી ટાણે એક ઉમેદવારે મત દીઠ દસ રૂપિયાની લાંચ આપવાની જાહેરાત કરી છે એટલે ડોશો આ તક ઝડપીને બીજા ઉમેદવાર પાસે જઈને તમારે બાર રૂપિયા આપવા હોય તો કહો. મારો અને ડોશીનો- એમ અમારા બે મત છે. અને આ પાછળનું ડોશાનું ગણિત પણ સાવ સીધું છે. રોજરોજના વૈતરામાંથી બે ઘડી છૂટકારો તો મળે! ચૂંટણી છેવાડાના આદમીને બીજું તો કંઈ આપવાની નથી, કમ સે કમ બે’ક પળ એને પોરો ખાવાની તક આપે એ ય આ લોકો માટે તો બહુ છે… નેતાને રાજપાટ આપી દઈને રઝળપાટ વહાલી કરનારી આ પ્રજા છે.

અસ્તિત્ત્વ ચીરી નાંખે એવી ધારદાર આ કવિતા એની તળપદી બાનીના કારણે વધારે ચોટદાર બની છે.

7 Comments »

  1. Pravin Shah said,

    April 10, 2020 @ 5:55 AM

    પહેલા તો ન સમજાઈ. પણ તમારા વિવેચન
    બાદ, ફરી વાન્ચી. અ…નૅ…. સમજાઇ ગઈ !

    તદ્ ન વાસ્તવિક અનૅ ચોટદાર !

  2. pragnajuvyas said,

    April 10, 2020 @ 10:11 AM

    ‘હું ન ડોશી’ ધારદાર કવિતા.
    ડૉ વિવેકજીનો આસ્વાદ ને લીધે માણવાની સરળતા રહી.
    ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક, સંપાદક અને ગુજરાતી પ્રતિરોધી સાહિત્યના અગ્રણી દલિત-સર્જક સ્વ. સોમો હિરો ચમારે જાતિવાદના અત્યાચારને કારણે પોતાનું નામ નીરવ પટેલ રાખ્યું. સમાજમાં નિમ્નવર્ગની-દલિતોની સ્થિતિ તથા શોષિતોનું સ્થાન વગેરેનું આલેખન તેમની ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહની મહત્ત્વની કવિતાઓને આધારે સામાજિક વિષમતા- તથા શોષિતોની વેદનાની વાત કરી છે.‘બહિષ્કૃત ફૂલો’ની કવિતામાં ‘હું ને ડોશી’ એ મહત્વની રચના છે પોતાના અમૂલ્ય- મતથી કોણ કેટલા પૈસા આપશે ને તેના દ્વારા બે દિવસનો ગુજારો કરી લેવાનું તથા તે માટે ભાવતાલ નક્કી કરવા માટે ડોસાને મોકલતી ડોશીના શબ્દો કાવ્યને સમાજિકતા અર્પે છે. આ કાવ્યમાં સામાજિક વિડંબના તથા સ્થિતિ બન્નેય રજૂ થઈ છે ને આ બધાને વ્યક્ત કરવામાં વપરાયેલી ‘બોલી’ કવિતાને નવી ઊંચાઈ આપે છે. એકબાજુ લોકશાહી દ્વારા સરકાર રચવાની સામે સમાજમાં ગરીબોનું સ્થાન – સ્થિતિ બન્નેયને આ કવિતા વાચા આપે છે. તેમના મતે ‘મત’-મતદાન એ કેવળ પૈસા –ખાવાનું આપવાનું સાધન છે કેમકે પછી ક્યારેય આ નેતાઓ મત લીધા બાદ પૈસા કે કંઈ લાભ આપવાના નથી. તે વાત કાવ્યમાં નિરૂપાઈ છે. તેમની કવિતાને તમે વ્યંજના, પ્રતીકની દૃષ્ટિએ ન જોઈ શકો, તેમની કવિતાને સામાજિક આંદોલન અને વર્તમાન સ્થિતિના સંદર્ભે જોઈ શકાય.તેમની કવિતામાં સતત પ્રતિરોધ પ્રગટ થાય છે.એના સરીખો વેધક વ્યંગ્ય, બળકટ અભિવ્યક્તિ, ભાવકની સમાનુભૂતી બનતી અને હ્રદયસ્પર્શી ઘેરી સંવેદના અને સ્વમાન કાજે સદૈવ દુઃખતી અને દૂઝતી રહેતી એની રગ દલિત કવિતામાં કંઠાભરણને નવલખા રત્નોથી સોહાવતી રહેશે આવું કહેનાર જાણીતા દલિત લેખક જૉસેફ મેકવાનની દૃષ્ટિમાંથી પસાર થયેલ ‘હું ને ડોશી’ કવિતાને ‘કડખેદનું કલમનામુ’ કહીને નવાજી છે

  3. PALASH SHAH said,

    April 11, 2020 @ 6:30 AM

    એક્દમ ચોટદાર કાવ્ય

  4. હરિહર શુક્લ said,

    April 12, 2020 @ 7:23 AM

    બે સ (બે છીએ)
    હું ન ડોશી

    મેંહોણાની બોલી

    નકરી મોજ ગરીબાઈ વચ્ચેય મોજ મેળવી લેવાની વાત વાંચીને.

    નીરવ પટેલ (પરમાર) નું એક હાડકાં સોસરવું ઉતરી જાય એવું અછાંદસ કાવ્ય પહેલાં વાંચ્યું હતું એમના વિશેના લેખ સાથે, કદાચ શબ્દ સૃષ્ટિમાં.

  5. Kajal kanjiya said,

    April 13, 2020 @ 5:14 AM

    સમજવામાં થોડી અઘરી લાગી પણ આસ્વાદ વાંચ્યા પછી ઘણી વેધક લાગી..ખૂબ સરસ

    આવી રચનાનાં તળ સુધી તો તમારા જેવા ઉત્તમ મરજીવા જ પહોંચી શકે અને તળમાંથી મોતી લાવી શકે.જય હો
    અભિનંદન 💐

  6. વિવેક said,

    April 14, 2020 @ 2:40 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

  7. Meenakshi Chandarana said,

    April 20, 2020 @ 4:16 AM

    ઇન્જેક્શન માફ્ક લોહીમાં ઉતરી જાય એવી કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment