નીરવ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 10, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નીરવ પટેલ
ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.
ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .
વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.
– નીરવ પટેલ
આમ તો આ અછાંદસ એક કવિતાયુગ્મમાંનું બીજું કાવ્ય છે પણ મને લાગે છે કે આ એક કાવ્ય પણ પૂરતું છે. પહેલું કાવ્ય વાંચ્યા વિના સીધું આ વાંચીએ તો શરૂમાં તો વાત શેની થઈ રહી છે એ સમજવું જરા અઘરું લાગે પણ અંત ભાગ તરફ જતાં સુધીમાં ખ્યાલ આવી જાય છે કે ચૂંટણીનો સમય છે અને ઉમેદવારો મત ઉઘરાવવા ગામમાં આવી ચડ્યા છે. આખો દિવસ તડકાતાપમાં કચરો-ભંગાર વીણી લાવે ત્યારે મગો મહેતર એક કોથળાના પાંચ રૂપિયા આપે અને ડોશો-ડોશી બંને રોટલા ભેળા થાય છે. પણ ચૂંટણી ટાણે એક ઉમેદવારે મત દીઠ દસ રૂપિયાની લાંચ આપવાની જાહેરાત કરી છે એટલે ડોશો આ તક ઝડપીને બીજા ઉમેદવાર પાસે જઈને તમારે બાર રૂપિયા આપવા હોય તો કહો. મારો અને ડોશીનો- એમ અમારા બે મત છે. અને આ પાછળનું ડોશાનું ગણિત પણ સાવ સીધું છે. રોજરોજના વૈતરામાંથી બે ઘડી છૂટકારો તો મળે! ચૂંટણી છેવાડાના આદમીને બીજું તો કંઈ આપવાની નથી, કમ સે કમ બે’ક પળ એને પોરો ખાવાની તક આપે એ ય આ લોકો માટે તો બહુ છે… નેતાને રાજપાટ આપી દઈને રઝળપાટ વહાલી કરનારી આ પ્રજા છે.
અસ્તિત્ત્વ ચીરી નાંખે એવી ધારદાર આ કવિતા એની તળપદી બાનીના કારણે વધારે ચોટદાર બની છે.
Permalink
June 7, 2007 at 2:00 AM by સુરેશ · Filed under અછાંદસ, નીરવ પટેલ
જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.
મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.
મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.
હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.
ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.
અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.
પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.
– નીરવ પટેલ
દલિતોની વેદનાને વાચા આપતી નીરવ પટેલની દરેક રચનામાં સામ્પ્રત સમાજ વ્યવસ્થા પર તીવ્ર આક્રોશ હોય છે.
Permalink
September 28, 2006 at 9:37 AM by સુરેશ · Filed under અછાંદસ, નીરવ પટેલ
મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !
બબલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,
મારો ભંગિયાનો ય બેલી ભગવાન !
– નીરવ પટેલ
જેમને એક જાણીતા સમાચાર પત્રના અહેવાલમાં ‘દલિત કવિતાનો આદ્યાક્ષર’ , ‘દલિત કવિતાના મણકાનો મેર‘, ‘જે લખવા ખાતર નથી લખતો નથી – તેવો પૂર્ણ કવિ’ એવાં વિશેષણોથી નવાજવામાં આવ્યા છે; અને જેની કવિતાની સિતાંષુ યશશ્ચન્દ્ર અને સુમન શાહ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત સાહિત્યકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે તેવા શ્રી. નીરવ પટેલની આ કવિતા છે. તેમની કવિતા ‘સંસ્કારપૂર્ણ આભિજાત્યને અક્ષુણ્ણ રાખીને’ દલિતોનાં વેદના, વિદ્રોહ અને માનવતાને તેમનાજ શબ્દોમાં વાચા આપે છે.
તેમનો એક માત્ર કાવ્ય સંગ્રહ ‘ બહિષ્કૃત ફૂલો’ તાજેતરમાંજ પ્રસિધ્ધ થયો છે. ઉપરની કવિતા તમને આઘાત આપશે કે તમારી સુષુપ્ત સંવેદનાને ઉજાગર કરશે તેની તો મને ખબર નથી , પણ એ હકીકત છે કે, આ કવિતા વાંચ્યા પછી હું એક કલાક માટે સાવ હતપ્રભ થઇ ગયો હતો.
આ એકવીસમી સદીમાં પણ શામળીયામાં અસીમ શ્રધ્ધા રાખતા આ દલિત લોકોને શામળીયાના મંદિરમાં ઘણી જગ્યાઓએ હજુ પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આપણે યાદ કરીએ કે, એક માણસ આપણી વચ્ચે હતો, જેનો આત્મા 1914 માં આફ્રિકાથી ભારત આવીને આપણી કહેવાતી મહાન સંસ્કૃતિનાં આવાં વરવાં દ્રષ્યો જોઇ કકળી ઊઠ્યો હતો. અને તેણે તેનો સભ્ય પહેરવેશ ફગાવી એક પોતડી જ ધારણ કરી હતી.
Permalink