મારો શામળિયો – નીરવ પટેલ
મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !
બબલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,
મારો ભંગિયાનો ય બેલી ભગવાન !
– નીરવ પટેલ
જેમને એક જાણીતા સમાચાર પત્રના અહેવાલમાં ‘દલિત કવિતાનો આદ્યાક્ષર’ , ‘દલિત કવિતાના મણકાનો મેર‘, ‘જે લખવા ખાતર નથી લખતો નથી – તેવો પૂર્ણ કવિ’ એવાં વિશેષણોથી નવાજવામાં આવ્યા છે; અને જેની કવિતાની સિતાંષુ યશશ્ચન્દ્ર અને સુમન શાહ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત સાહિત્યકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે તેવા શ્રી. નીરવ પટેલની આ કવિતા છે. તેમની કવિતા ‘સંસ્કારપૂર્ણ આભિજાત્યને અક્ષુણ્ણ રાખીને’ દલિતોનાં વેદના, વિદ્રોહ અને માનવતાને તેમનાજ શબ્દોમાં વાચા આપે છે.
તેમનો એક માત્ર કાવ્ય સંગ્રહ ‘ બહિષ્કૃત ફૂલો’ તાજેતરમાંજ પ્રસિધ્ધ થયો છે. ઉપરની કવિતા તમને આઘાત આપશે કે તમારી સુષુપ્ત સંવેદનાને ઉજાગર કરશે તેની તો મને ખબર નથી , પણ એ હકીકત છે કે, આ કવિતા વાંચ્યા પછી હું એક કલાક માટે સાવ હતપ્રભ થઇ ગયો હતો.
આ એકવીસમી સદીમાં પણ શામળીયામાં અસીમ શ્રધ્ધા રાખતા આ દલિત લોકોને શામળીયાના મંદિરમાં ઘણી જગ્યાઓએ હજુ પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આપણે યાદ કરીએ કે, એક માણસ આપણી વચ્ચે હતો, જેનો આત્મા 1914 માં આફ્રિકાથી ભારત આવીને આપણી કહેવાતી મહાન સંસ્કૃતિનાં આવાં વરવાં દ્રષ્યો જોઇ કકળી ઊઠ્યો હતો. અને તેણે તેનો સભ્ય પહેરવેશ ફગાવી એક પોતડી જ ધારણ કરી હતી.
વિવેક said,
September 29, 2006 @ 12:13 PM
દલિત કાવ્ય, દલિત કવિ કે દલિત લોકો – આ ફક્ત આપણી સામાજિક નબળાઈની સાબિતી માત્ર છે. પોતાની જાતને દલિત કહેનાર કવિઓ કદાચ દલિતોના માથે લખાયેલી સૌથી મોટી ગાળ છે. મનુષ્યમાં કોઈ ઊંચું કે કોઈ નીચું નથી હોતું એમ કવિતામાં ય વળી સવર્ણ શું ને દલિત શું? આ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે? હજી આપણે જાત-પાત અને છૂતાછૂતના વાડા કેમ તોડી શકતા નથી? સમાજમાં આર્થિક દ્રષ્ટિએ પછાત રહી ગયેલા મનુષ્યોની અભિવ્યક્તિના નાતે જોઈએ તો આ કવિતા સાચે જ આત્માની આરપાર નીકળી જાય છે અને પળવાર માટે નિઃસ્તબ્ધ કરી દે છે… કવિતાની દ્રષ્ટિએ આ કવિતા કદાચ ઉત્તમોત્તમની કક્ષામાં આવે છે, પણ એને દલિત કવિતા કહેનાર જાણીતા અખબારને જાણીતું ગણવાનો મારું દિલ ઈન્કાર કરે છે.
કવિ, કવિતા કે મનુષ્યના કપાળે ગાળ ન લખવાનું પણ આપણે શીખીએ તો બસ! આખી દુનિયા ભલે ને સુધારી ન શકીએ, આપણા ઘરથી તો શરૂઆત કરીએ?-
-માના કિ ઈસ જમીં કો ન ગુલઝાર કર સકે,
કુછ ખાર કમ તો કર ગયે, ગુજરે જિધરસે હમ!
કસુંબલ રંગનો વૈભવ said,
September 30, 2006 @ 3:18 AM
“દલિત સાહિત્ય” .ની ચચાઁ આજ દુનિયાના ફ્લક પર થઈ રહી છે….આનંદ થયો…ભાઈ નીરવ પટેલની કવિતા…મનને સ્પર્શી ગઈ ….માનવી માનવી વચ્ચે ભેદ નથી..એક વાત નાનક , ક્બીર , નરસિંહ મહેતા થી મહાત્મા ગાંધી સુધીના યુગપુરોષોએ ..સ્વીકારી એટલું જ નહીં તે માટે પ્રયત્ન પણ થયા….પણ આપણી વણઁ વ્યવસ્થામાં…જ્ઞાતિ વ્યવસ્થામાં ….ઉજળીયાત જ્ઞાતિઓ દ્રારા…..દલિતોને સમાન દરજ્જો મળ્યો નહીં…..એ પણ એક ક્ડવું સત્ય છે….હા બાહય રીતે જોતાં એવું ભલે લાગતું હોય …કે ભારતીય સમાજ્માં જ્ઞાતિ વ્યવસ્થા તુટી રહી છે….પણ સમાજશાસ્ત્રીય અભ્યાસો કહે છે કે..જ્ઞાતિ વધારે મજબુત બની રહી છે…. એ વાત સાચી અને સાહિત્યમાં ઉચનીચના ભેદભાવો ના હોય…..તેમ છતાં આપણા દલિત સાહિત્ય અલગ અલગ રીતે પ્રગટ થઈ રહ્યુ છે.એ એક ક્ડવુ સત્ય છે…”દલિત થઈને જીવવું કોને ગમે? વેદનાના અનુભવ વિના ખબર કેમ પડે કે? દલિત એટલે શું ? દલિત શું શું ભોગવે છે..આર્થિક દરજ્જાની ચચાઁ હાલ ઉચીત લાગતી નથી….કારણ જે લોકોને સામાજિક રીતે સમાનતાનો સ્વીકાર હજી યુગો સુધી મળ્યો નથી….અને બીજુ આથીઁક રીતે જે પ્રગતિ ક્યાઁ બાદ તેના સામાજિક દરજ્જામાં કોઈ ફેર પડ્તો નથી…સમાજ હ્જી તેણે તિરસ્કારે છે…ધુતકારે છે….”હજી સવણઁની માંડવડીએ દલીત ગરબ રમી શક્તો નથી…..” એ સત્ય છે….અને વિધીના લેખ કે શકિતના સૌથી વધારે સ્વરુપોને દલિત આરાધે છે…..” યુગોથી વેંઢારેલી વેદના છે….કોઈ સો બસો વરહનો સવાલ નથી …..આ તો સાક્ષર થવાની તક મળી નહી તો ભણાવાનો અધિકાર પણ કો યુગ પંડીતે દીધો ન હતો….એ ભુલવું ના જોઈએ …લલકાર તો મહાભારત કાળથી થયો હતો…ગુરુ દ્રોણના સામે એકલવ્ય ….એકલે હાથે અજુઁન કરતાં…સવાયો વીર …અને શિક્ષા આપવાના ના પાડનાર દ્રોણ ગુરુદક્ષીણા લેવા તત્પર બને કારણ કે એક દલિત ભીલ આયઁવતનો તીરંદાજ બને એ ખપતું નો તુ યે યુગ પંડીતને …અને દલીતનુ કંઈ ખપે નહીં .તો જ્મણા હાથનો અંગુઠો લઈ લીધો….ગુરુદક્ષીણામાં..અને આ મહાભારત જેમાં શુદ્ર કણઁને પુરી લાયકાત પારંગતતા અને અંગધ રાજ્યનો રાજવી હોવા છતાં દ્રોપદીના સ્વયંવરમાં એક દલિત હોવાને કારણે વંચીત રહ્યો……દલિત kavi ગાળ છે કે આપણી વણઁવ્યવસ્થા આપણા માટે ક્લંક …યુગો થી જે ધુતકારતો આવ્યો એ ભદ્રસમાજ….શું દલિતોને માણસ તરીકે સ્વીકારવા તૈયાર છે…..? શુ દલિતો એ માણસ તરીકે ઓળખ સ્વીક્રુત થવા લોહી વહાવવું પડ્શે?,..પંડ્યનું કે અન્યોનું ? તો લોહી વહેડાવવા કરતાં દ્લીત હોવાનું ગવઁ લેવું સારૂ.ભલે અલગ સાહીત્ય લખાય……” લોહી તો દલિતોનું આઝાદીની ચળવળમાંએ વહ્યુ હ્તું…બ્રીટીશરોથી તો આઝાદી મેળવી…..આપણે સૌએ..પણ દલિતનો સામાજીક દરજ્જો ઠેરનો ઠેર રહ્યો..છતાં દલીત….સનાતન હિંદુ ધમઁથી વિચલીત ના થયો..હડધુત થયો છતાં હ્જી આસ્થા લઈને બેઠો છે શામળીયામાં ચાવુંડામાં .શું આ બાબત એની મહાનતા સિદ્ધ કરવા પુરતી નથી…..હિંદુ તરીકે હડધુત થઈ …ઇસ્લામ અંગીકાર કરી…..મોહમદ અલી ઝીણા જે આપણી ગુર્જ્રર ધરતીનું ફરજંદ હ્તા.ખુનની નદીઓ વહેરાવી આજ પણ ક્યારેક ક્યારેક એમાં પુર આવે છે…પરીણામ આપણા સૌની આંખ સમક્ષ છે…દક્ષીણા પુર્વન ભારતીય રાજ્યોમાં નકસલવાદ્ ……..બોડો. ત્રાસવાદ…….શું શે આ બધું લોહી વહેવાડવાથી સામાજિક સ્વીક્રુતી મળતી નથી…સામાજીક સ્વીક્રુતી દ્લીતો એ લેવાની નથી……સવણોઁએ એ આપવાની છે…….દલિતો સદીઓથી એ મેળવવા ઝંખી રહ્યો છે…….જયારે એન દલિત નહીં હોવાનો અહેસાસ ભરોસો ઉજ્ળીયાત જ્ઞાતિઓ તરફથી મળશે. થશે..ત્યારે દલીત સાહીત્ય પણ નહી સજાઁય….હાલ ગાળ માનો તો ગાળ ..પણ સમાજના મોટા હિસ્સાનું પ્રતીબંબ છે…ગાળ કોના ક્પાળમાં છે…..દલિતના કે હિંદુ વણઁવ્યવસ્થાના એ વાંચકોએ વિચારવાનું છે…એક દલિત હોવાની માત્ર અનુભુતીમાં થી પસાર થવું પણ કેટલું ક્ઠીન છે..એ ક્યારેક બંધ ઓરડામાં બેસી આંખો બંધ કરી વાંચકો વિચારે ત્યારે >>>>>>>દલિત કવિ દલિતોને માથે ગાળ નહીં રહે મને ભરોસો છે……અને દલિત કવિ જ નહીં દલિત હિંદુ હોવાનો પણ ગવઁ દલિતો લે છે એ ના ભુલવું જોઈએ……..??????????? અહિં મારા એક કાવ્ય પણ લખું છું.
આ લાલ ચણોઠી નથી
આ તો છે….એકલવ્યના ક્પાયેલ જમણા હાથના
અંગુઠાથી ફેલાયેલ …..રુધીરના ઉગી નીક્ળેલ રકતબિંદુઓ.અને આ કાળું આંખ જેવું દેખાય એ બીજું કંઈ નહીં…દ્રોપદી સ્વંયવરમાં.. કણઁના હાથે ના વિંધાઈ શકેલ માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…ઓ યુગપંડીતો એને સ્પર્શો મા….
Vijay Shah said,
October 1, 2006 @ 1:28 AM
એ લાલ ચણોઠીમાં એક્લવ્યને શોધવાને બદલે ભાઇ મારા તુ આવતી કાલની વાત વિચાર
ભુતકાળની ભુતાવળો ઇતિહાસ માત્ર છે જેમાનુ ખરાબ છોડતા જાવ ભાઇ મારા નવુ લેતા થાવ
સુરેશ જાની said,
October 5, 2006 @ 5:35 PM
દલિત સાહિત્ય એટલે દલિતોનું અથવા દલિતો અંગેનું સાહિત્ય.
બાલ સાહિત્ય એટલે બાળકો માટેનું સાહિત્ય.
સ્ત્રી સાહિત્ય એટલે સ્ત્રીઓ અંગેનું સાહિત્ય.
હાસ્ય કવિતા એટલે હાસ્યથી સભર કવિતા.
——————————
સાહિત્ય આથી દલિત, બાળક, સ્ત્રી કે હાસ્યાસ્પદ થઇ ગયું ? !!
દલિત સાહિત્યના સૌથી મહાન સાહિત્યકાર જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ વાંચો અને હૈયું હલબલી જશે. તેમણે ભાષા સાવ દલિતોની જ , જેવી બોલાય છે તેવી જ વાપરી છે. પણ ભાવની અભિવ્યક્તિમાં તે ચાર ચાંદ લગાવી દે છે.
આ સાહિત્યને ‘દલિત’ ન ગણો પણ દલિતનું છે માટે ખાસ બીરદાવો.
કસુંબલ રંગનો વૈભવ said,
October 6, 2006 @ 2:23 AM
thanx very mutch…..suresh uncle……..and angaliyat the best novel of josheph bhai …….je darek gujarati sahity rasike vanchavi joiye……to haiyu chhokkas hal bali jay………….dalitoni vedanano…….padgho,……….
nilamdoshi said,
November 12, 2006 @ 9:26 AM
દિલને હ્ચમચાવી મૂકતું કાવ્ય.
priykant.blogspot.com said,
December 7, 2006 @ 2:05 AM
દિલને હ્ચમચાવી મૂકતું આ કાવ્ય. ખરેખર સુઁદર કાવ્ય છે.
Kuldeep said,
April 20, 2007 @ 6:02 AM
નીરવ પટેલની કવિતા ‘ મારો શામળિયો’ પરથી એક કહાની યાદ આવી જે ૩ વરસ પેલા વાચેલી એમા એક હકીકત લખેલી ઉતર ભારત ના કોઇ ગામની. એક જમીનદાર ને ઘેર લગન પ્રસંગ હોય છે ને એના અંતે દલિતો ને લગભગ વધેલુ એંઠુ ના બરાબર મલે છે ને લેખક લખે છે ૪ વરસ પહેલા થયેલ એક બીજા જમીનદાર ને ઘેર વિવાહ જેમા અમને એંઠી મીઠાઈ ખુબ મળેલી ઘણા દિવસ સુધી ખાધી, કેવૉ ઉદાર કેવાય એ જમીનદાર !!!! અને આ તો એકદમ કંજુસ.
કુલદીપ સગર
ashokkumar bhatti said,
August 24, 2008 @ 4:41 PM
DALITO NI MAHTVNI SAMSYA AE CHHE KE TE POTANA SACHA BELI DR.BABA
SAHEB AMBEDKAR NE SAMJI KE JANI NATHI SHKYA.
Mansuri Taha said,
August 25, 2008 @ 12:27 AM
મનને વિહ્વળ કરી નાંખતું કાવ્ય.
આદિલ સાહેબની એક ગઝલ યાદ આવે છે.
ગઝલ – આદિલ મન્સૂરી
હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં
જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં
જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા
ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા
સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં
અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં
ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે
તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા
ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી
જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા
ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં
આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં
મનસુબા રાતોરાત બધા પાર પાડવા
પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા
યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ
જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા
દુર્ભાગી માણસોના મરણના બજારમાં
સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં
માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી
ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા
બે આંખનીયે કોઈને નડતી નથી શરમ
પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા
કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં
neerav patel said,
May 4, 2013 @ 1:00 AM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ, આભાર સૌ વાચક મિત્રો.
વિવેક said,
May 4, 2013 @ 1:39 AM
@ નીરવ પટેલઃ
લયસ્તરોના આંગણે કવિની ઉપસ્થિતિ અમારે મન પુરસ્કાર છે…
perpoto said,
May 4, 2013 @ 9:27 AM
હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ ની કફન સ્ફુરે છે.
સુરેશ જાની said,
May 4, 2013 @ 10:04 AM
कफ़न प्रेमचंद द्वारा रचित कथासंग्रह है। इसमें प्रेमचंद की अंतिम कहानी कफन के साथ अन्य १३ कहानियाँ संकलित हैं। पुस्तक में शामिल प्रत्येक कहानी मानव मन के अनेक दृश्यों, चेतना के अनेक छोरों, सामाजिक कुरीतियों तथा आर्थिक उत्पीड़न के विविध आयामों को सम्पूर्ण कलात्मकता के साथ अनावृत करती है। कफ़न कहानी प्रेमचंद की अन्य कहानियों से एकदम भिन्न है।
https://hi.wikipedia.org/wiki/%E0%A4%95%E0%A4%AB%E0%A4%A8_(%E0%A4%95%E0%A4%A5%E0%A4%BE%E0%A4%B8%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A4%B9)
દીપક ધોળકિયા said,
May 4, 2013 @ 1:55 PM
યાદ આવે છેઃ
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજાં ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ.
નીરવભાઈને સલામ.