રે ગિરનારી બાવા -પારુલ ખખ્ખર
રે ગિરનારી બાવા,
રે ગિરનારી બાવા તુજને વિનવું જોડી હાથ
તને હું શીશ ટેકવું નાથ
કે મારા જોગી પાછો આવ…
રે ગિરનારી બાવા,
તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ
સુકવ્યા કયા તાપણે ભેજ
તને કાં ફરક ન પડતો સ્હેજ
તે તો છાંડી ફૂલની સેજ
અને હું….
અને હું ઊગતાં નમતાં પહોર વચાળે
ભાત ભાતના શોર વચાળે
રંગબિરંગી મોર વચાળે
કાળ કાચલી તોડી તોડી ખાવ
કે મારા જોગી પાછો આવ…
રે ગિરનારી બાવા,
તારા વનમાં વહેતા આછા આછા નીર
બોલે કોયલ-કાગા-કીર
તારી અંદર ધૂણે ગીર
તું તો થઈ ગ્યો પીર-ફકીર
અને હું…
અને હું એકલપંડે ગામ વચાળે
ભાંગ્યા તૂટ્યા ઠામ વચાળે
ના ખૂટનારા કામ વચાળે
કાળ સળીને સાવરણે વાસીદા વાળ્યે જાવ
કે મારા જોગી પાછો આવ…
રે ગિરનારી બાવા,
તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ
ઉડાડયા કેટકેટલા છેદ!
ઉતાર્યા કેવા કેવા મેદ!
ફગાવી સાતસાંકળી કેદ
અને હું…
અને હું અહીંયા ઊભી આળ વચાળે
જનમ-મરણની જાળ વચાળે
એક અજાણી ફાળ વચાળે
કાળનદીમાં લૂગડાં ધોતી જાવ
કે મારા જોગી પાછો આવ…
રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.
-પારુલ ખખ્ખર
૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.
નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…
કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.
આરતી સોની said,
March 28, 2020 @ 3:18 AM
ખૂબ સરસ
pragnajuvyas said,
March 28, 2020 @ 10:48 AM
સુ શ્રી પારુલ ખખ્ખરનું લયબધ્ધ ગીત રે ગિરનારી બાવા
ડૉ વિવેકજીનો સુંદર અને ભાવભીનો વિરહ ની વેદનાની અનુભિતી કરાવતા આસ્વાદે નમ આંખ.
યાદ આવે ગિરનાર અમારી પક્રિમાના રસ્તા તથા કેડીઓ ભવનાથથી બોરદેવી રસ્તો કાપતા ભાવવિભોર થઇ ગાતા…
તારો રે ભરોસો મને ભારી,
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
અને દર્દભર્યા સ્વરે ગુંજન થતું…
આવ્યા વિના ન રહે માવો. હે જી રે મારે
ભીતર બોલે કોઈ બાવો.
હુંયે સુણુ છું એની વિસ્મિત થઈ વાણ,
એની વાણીમાં ગૂઢ ગરમાવો;.
સૂના સરોદ કેરા સંસારી સૂરમાં.
એ બજવે ન્યોછાર કેરો પાવો.
હે જી રે મારે ભીતર અને તેના અવર્ણનિય આનંદની દિવ્ય અનુભિતી…
NARESH SHAH said,
March 28, 2020 @ 2:53 PM
Parul-bahen,
અતિ સુનદર કવિતા.
How about પથ્થરને બદલે બારણે in the last stanza?
Devang vasavada said,
March 28, 2020 @ 3:26 PM
Very good poem parulben
May ma saraswati bless you more and more
Prahladbhai Prajapati said,
March 29, 2020 @ 12:53 PM
સુન્દર
Jitendra Desai said,
April 1, 2020 @ 12:39 AM
ખુબ સરસ ગીત. અભિનંદન.