એક અનુભવ તને કહું…. – રમેશ પારેખ
એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….
એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,
ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.
ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,
અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી…
અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,
અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ.
ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ પગલું વાંચે કેમ,
એક જ પગલે કેટકેટલા પગના આવ્યા વહેમ.
પગલા ઉપર અમે ચડાવ્યા પાંપણનાં બે ફૂલ,
ટીપે ટીપે સપના સુધી બાંધ્યો ભીનો પુલ.
તો ય અમે હાર્યા ને પગલું જીતી ગયું’તું અમને,
અમે જરીક ધાર્યા ન્હોતાં છાનાં પગલે તમને
ઘર ચોખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ ઝલમલ,
ઓસરી અફલાતો અફળાતો દરિયો કલબલ કલબલ
એક અનુભવ તને કહું, લે સાંભળ, સોનલ…..
– રમેશ પારેખ
pragnajuvyas said,
May 13, 2020 @ 11:37 AM
ગીત પરંપરામાં એક નૂતન આવિર્ભાવ સાથે પોતાનું બહુમૂલ્ય પ્રદાન આપનાર રમેશ પારેખે વાસ્તવમાંથી વાયકા બની ગયેલી સ્વપ્નિલ પ્રિયા સોનલ માટેનો તલસાટ અને થનગનાટ કેવો ઉપસાવ્યો છે?
લે તું આવી તો ઘરના ખૂણા પ્હોળા પ્હોળા
પહેલીવાર હું મારાથી અળગો પડી
કરતો મારી ખોળંખોળ
અને
એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ…
એક વકત આ હું ને મારી આંખ ગ્યાં‘તા દરિયે
ત્યારે કોઈ પગલું પડી ગયું હતું ઓસરીએ
પણ અંતે તો સોનલ,તું છે કેલિડોસ્કોપ અને હું છું … તારું સકળ સોનલપણું જ હું છું,
અનુભવવાની વાત વર્ણવવા શબ્દ જડતા નથી
હરિહર શુક્લ said,
May 13, 2020 @ 10:32 PM
ખરો ખરેખરો અનુભવ 👌💐