ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.
– સંદીપ પુજારા

છળ હતું – સુરેશ ‘ચંદ્ર’ રાવલ

આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું

ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.

બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.

હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.

સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.

– સુરેશ ‘ચંદ્ર’ રાવલ

મજાની ગઝલ પણ મત્લા તો શિરમોર થયો છે. વાત નવી નથી પણ કહેવાની ઢબ અદભુત છે. એકદમ સરળ ભાષા પણ વાત હૃદયના ઊંડાણ સુધી ઊતરી જાય એવી. નજરે ચડે છે એ સંસાર તો કેવળ આભસ છે, છળ છે. ચર્મચક્ષુ બંધ થાય તો જ ભીતરનું ઝળાંહળાં તેજ નજરે ચડે. એ પછીના બધા શેર પણ એવા જ આસ્વાદ્ય થયા છે.

6 Comments »

  1. Prahladbhai Prajapati said,

    April 9, 2020 @ 10:51 AM

    સ્ર્સ

  2. pragnajuvyas said,

    April 9, 2020 @ 2:33 PM

    કવિ શ્રી સુરેશ ‘ચંદ્ર’ રાવલની મજાની ગઝલ અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    આંખ મીંચી તો બધે ઝળહળ હતું
    આંખ ખોલી તો નજરનું છળ હતું
    અફલાતુન મત્લાના વિચારતરંગે
    કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ
    આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
    ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!
    બુદ્ધનાં નિમીલિત ચક્ષુની વાત! સુંદરમે બુદ્ધના ચહેરામાંથી સૌન્દર્યનું આ પરમ નિધાન કઈ નજરે શોધ્યું હશે? અંદરનાં બધાં તોફાનો શમી ગયાં હોય…જલની સપાટી શાંત-સૌમ્ય ચમકથી મલકતી હોય…આકાશ સ્વચ્છ હોય…ન કોઈ સંઘર્ષ, ન કોઈ વેદના, નહિ ઉદાસી, નહિ ચાંચલ્ય ,દીવો સ્થિર-સૌમ્ય પ્રકાશે ચમકે ને એની ઝાંય નિમીલિત નેત્રોમાંથી ઝમે ત્યારે ગુલાબી ઠંડીની જેમ, જોનારની ચેતનાને એ નેત્રો સ્પર્શે છે ને તાજબી બક્ષે છે.
    હું અવારનવાર મારી આંખ સામેના અવકાશમાં એ નિમીલિત નેત્રોને ઉપસાવવા મથું છું મારાં નેત્રોને એ મૌન પ્રસન્નતાના શાંત ઉજાસથી ભરી દેવા મથું છું.હું આંખો મીંચું છું…મારી ઈન્દ્રિયોના મેળ વગર વાગતા સૂરોને નિયંત્રિત કરી કોઈ મધુર રાગમાં નિબદ્ધ કરવા મથું છું…તોફાન શમાવી શાંતિ અનુભવવી છે ને તેથી હું મારા ચિત્તની ચંચળ સપાટીને સ્થિર કરવા મથું છું…એ માટે શૂન્ય થવાની મારી તૈયારી છે…પણ શૂન્ય થવું ક્યાં સહેલું છે? આંખો મીંચીને પણ આંખો મીંચ્યાનું ભાન ભૂલી જવું ક્યાં સહેલું છે?

  3. Harshad said,

    April 9, 2020 @ 8:38 PM

    Awesome !

  4. PALASH SHAH said,

    April 11, 2020 @ 6:58 AM

    નજરે ચડે છે એ સંસાર તો કેવળ આભાસ, છળ છે. ચર્મચક્ષુ બંધ થાય તો જ ભીતરનું ઝળાંહળાં તેજ નજરે ચડે……..meaningful kavya

  5. PALASH SHAH said,

    April 12, 2020 @ 1:14 AM

    કવીતા પ્રતિભાવ
    આ જિંદગી અંદરના ચર્મ ચક્ષુ વડે ઉજાગર થાય એવી અર્થ સભર રચના ……

  6. સુરેશ ' ચંદ્ર ' રાવલ said,

    April 30, 2020 @ 3:42 AM

    આભાર આપ સૌ મિત્રોનો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment