છળ હતું – સુરેશ ‘ચંદ્ર’ રાવલ
આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું
ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.
બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.
હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.
સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.
– સુરેશ ‘ચંદ્ર’ રાવલ
મજાની ગઝલ પણ મત્લા તો શિરમોર થયો છે. વાત નવી નથી પણ કહેવાની ઢબ અદભુત છે. એકદમ સરળ ભાષા પણ વાત હૃદયના ઊંડાણ સુધી ઊતરી જાય એવી. નજરે ચડે છે એ સંસાર તો કેવળ આભસ છે, છળ છે. ચર્મચક્ષુ બંધ થાય તો જ ભીતરનું ઝળાંહળાં તેજ નજરે ચડે. એ પછીના બધા શેર પણ એવા જ આસ્વાદ્ય થયા છે.