પ્રતીક્ષાની ક્ષણો – મોના લિયા
દરરોજ તું વહેલો આવે તેની રાહ જોઉં છું.
લિફ્ટનો અવાજ આવે કે સહેજ બારણું ખખડે
પણ બીજું કોઈ હોય.
તને રિંગ કરવા મોબાઇલ ઉપાડું પણ
ડ્રાઇવિંગનો વિચાર આવે ને માંડી વાળું
તું આવે, તારી સાથે આવે આખું દફતર
બૅગમાંથી ખાલી ટિફિન ને કાગળથી ભરેલી ફાઇલો
લેપટોપમાં ઇમેલનો ઢગલો
વૉટ્સઅપમાં અનરીડ મેસેજનો વધતો આંક
મેં આ બધાંની રાહ જોઈ નહોતી
તો પણ કેમ આવી જતાં હશે? વણબોલાવ્યા મે’માનની જેમ?
મહેમાન તો બેચાર દિવસમાં જતાં રહે…
પણ આ બધાં તો… જવાનું નામ નથી લેતાં
આપણી વચ્ચે રહે છે પરિવારના સભ્યોની જેમ,
દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
પણ તું આવતો નથી.
– મોના લિયા
કેવી સટીક રચના! કાપો તો લોહી ન નીકળે એવી ધારદાર અભિવ્યક્તિ! પોતાની ઑફિસ અને પોતાનો અંગત સંસાર ઘરમાં લઈ આવતો પુરુષ હકીકતમાં ઘરમાં આવે છે ખરો? કે સ્ત્રી એ આવે એની અંતહીન પ્રતીક્ષામાં જ રત રહે છે?