ભીંત/કાગળ – કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી
-કમલ વોરા
નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.
વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?
સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…