નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

ભીંત/કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી

-કમલ વોરા

નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.

વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?

સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…

22 Comments »

  1. jagdip nanavati said,

    May 20, 2021 @ 3:39 AM

    વચ્ચોવચ એક બારણા જેવું દોર્યુ……
    (બારણુ નહીં…પણ બારણા જેવું)

    બસ આટલું આભાસી ચિત્ર ઉપસાવ્યું હોત તો ભાવકની બધી આશંકાઓ અને વિટંબણાઓ નિવારી શકાત

    સરસ નવા અંદાઝની રચના….
    શૂન ચોકડીની રમત જેવી જ તો…..!!!

  2. Kajal kanjiya said,

    May 20, 2021 @ 3:40 AM

    સરસ રચના…..આસ્વાદથી વધું સુંદર બની છે.
    અભિનંદન 💐

  3. Naik Krupeshkumar said,

    May 20, 2021 @ 3:43 AM

    Saras Khub saras

  4. Parbatkumar said,

    May 20, 2021 @ 3:46 AM

    વાહ

    ખૂબ સરસ રચના
    ખૂબ સરસ
    આસ્વાદ

  5. મયૂર કોલડિયા said,

    May 20, 2021 @ 3:48 AM

    Vah sundar rachna ane sundar aswad

  6. snehal vaidya said,

    May 20, 2021 @ 4:02 AM

    નાની પણ સચોટ કવિતા. (આસ્વાદ પરથી ખબર પડી) ટીમ લયસ્તરો અને વિવેક સરને અભિનંદન…

  7. DILIPKUMAR CHAVDA said,

    May 20, 2021 @ 5:22 AM

    કોઈ પણ જાતના શ્રૃંગાર વિનાની અભિભૂત કરી દેતી રચના
    અને સુંદર આસ્વાદ
    અભિનંદન કવિને

  8. Lata Hirani said,

    May 20, 2021 @ 7:54 AM

    સરસ કવિતા અને ઉત્તમ આસ્વાદ !

  9. Lata Hirani said,

    May 20, 2021 @ 7:55 AM

    સરસ કવિતા ઉત્તમ આસ્વાદ

  10. હરીશ દાસાણી said,

    May 20, 2021 @ 9:02 AM

    અનેક અર્થછાયાઓ લઈ ભાવકને સાથે લઇ સર્જાતી પરાવાસ્તવિક રચના

  11. pragnajuvyas said,

    May 20, 2021 @ 10:24 AM

    કવિશ્રી કમલ વોરાનુ સુંદર અછાંદસ
    ડૉ વિવેક દ્વારા સ રસ.આસ્વાદ

  12. praheladbhai prajapati said,

    May 20, 2021 @ 10:50 AM

    સુપ્ર્બ્

  13. Anjana bhavsar said,

    May 20, 2021 @ 2:59 PM

    વાહ, સરળ લાગતી પરંતુ ઊંડાણ ધરાવતી રચના..સરસ આસ્વાદ

  14. યોગેશ ગઢવી said,

    May 20, 2021 @ 3:29 PM

    સટીક અને સુંદર સાથે આસ્વાદ…🙏🏼🙏🏼🙏🏼

  15. મિત્ર રાઠોડ said,

    May 20, 2021 @ 9:09 PM

    ખૂબ સરસ 👏👏👏

  16. Harihar Shukla said,

    May 20, 2021 @ 11:03 PM

    રચના કરતાં આસ્વાદ વધુ માણવા લાયક 💐

  17. Harihar Shukla said,

    May 20, 2021 @ 11:04 PM

    કવિતાને વખાણવી કે એના આસ્વાદને એ ખરી મૂંઝવણ 💐

  18. Poonam said,

    May 20, 2021 @ 11:48 PM

    સફેદ ભીંત સાથે
    હું આ તરફથી અથડાયો
    તું પેલી તરફથી

    – કમલ વોરા – uff kagal !
    Aasawad swadisht…

  19. preetam lakhlani said,

    May 21, 2021 @ 12:41 AM

    આસ્વાદથી કવિતા વધું સુંદર બની છે.
    બને ગમતાનો ગુલાલ છે, કવિતા અને આસ્વાદ્ ડૉ.વિવેક્ભાઈ keep up the good work

  20. હર્ષદ દવે said,

    May 22, 2021 @ 8:30 AM

    સરસ કવિતાના સરસ આસ્વાદથી કવિતા નવેસરથી માણી. બંને સર્જકોને અભિનંદન.

  21. Maheshchandra Naik said,

    May 22, 2021 @ 5:13 PM

    સરસ અછાંદસ, રસદાયી આસ્વાદ…

  22. Rohit Kapadia said,

    June 9, 2021 @ 9:46 AM

    ન ધરા સુધી ન ગગન સુધી
    નહીં ઉન્નતિ ના પતન સુધી
    ફક્ત આપણે તો જવું હતું
    અહીં એકમેકના મન સુધી
    આ મન સુધી પહોંચવાનું જ અત્યંત
    મુશ્કેલ છે એ વાતને ખૂબ જ સરસ રીતે
    સમજાવી છે. ધન્યવાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment