જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?
ડૉ. હરીશ ઠક્કર

ધાર – અરુણ કમલ (અનુ. વિવેક મનહર ટેલર)

કોણ બચ્યું છે જેની આગળ
ફેલાવ્યા નથી આ હાથોને

આ અનાજ જે રક્ત બનીને
ફરે છે તનના ખૂણા-ખૂણામાં
આ ખમીસ જે ઢાલ બન્યું છે
વર્ષા, ઠંડી, લૂમાં
બધું ઉધારનું, માંગ્યું-લીધું
તેલ-મીઠું શું, હીંગ-હળદ૨ પણ
બધું કરજનું
આ શરીર પણ એમનું બંધક

ખુદનું શું છે આ જીવનમાં
સઘળું લીધું ઉધાર
લોઢું સઘળું એ લોકોનું
આપણી તો બસ ધાર

– અરુણ કમલ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આપણી પાસે હકીકતમાં આપણું પોતાનું કહી શકાય એવું કંઈ ખરું? જે શરીરને આપણે પોતાનું ગણીએ છીએ, એ પણ મા-બાપે આપ્યું છે. વાણી-ભાષા-વિચાર આ બધું સમાજ પાસેથી આપણે ઉધાર લીધું છે.

અરુણ કમલની આ છંદોબદ્ધ રચનામાંથી એક શબ્દ પણ હટાવી શકાય એમ નથી. કટાવ છંદ એમણે કટારની જેમ પ્રયોજ્યો છે. એવો કોઈ માણસ જ બચ્યો નથી, જેની આગળ આપણે આપણા હાથ ફેલાવ્યા નહીં હોય. જે અનાજ લોહી બનીને શરીર આખામાં ફરી રહ્યું છે, જે ખમીસ તમામ ઋતુઓમાં ઢાલ બનીને શરીરને રક્ષી રહ્યું છે, એ બધું જ ઉધારનું છે, માંગી-તૂસીને મેળવેલું છે. બારેમાસ એક જ ખમીસ એવો ગરીબીનો દારુણ ભાવ પણ કાવ્યમધ્યેથી ઊઠે છે. ઉધારીની હદ તો ત્યાં છે, જ્યાં કવિ તેલ-મીઠું, હિંગ-હળદળ જેવા ક્ષુલ્લક પદાર્થોને કવિતામાં સ્થાન આપે છે.

આ શરીર પણ એમનું બંધક છે, એમ કહીને કવિ કવિતાને એક અણધાર્યો વળાંક આપે છે. સામાન્ય લાગતી વાત અચાનક એક બીજા સ્તર પર જઈ પહોંચે છે. ઉધારી-કરજ-માંગ્યું-ચાહ્યું કરતાં-કરતાં કવિ અચાનક પોતાનું શરીર પણ એમનું બંધક હોવાની આલબેલ પોકારે છે. આ ‘એ’ કોણનો સવાલ કવિતાના સૂરને બદલે છે. સમાજના ઋણી હોવાની વાત કરતી હોવાનું ભાસતી કવિતા અચાનક આતતાયીઓ સામેના આક્રોશની રચના બની જાય છે. આ કવિતા દલિતોની વેદનાની કવિતા પણ હોઈ શકે અને શાહુકારોના હાથે પીસાતા મધ્યમવર્ગની પણ હોઈ શકે. કવિએ નામ ન પાડીને છેડા ખુલ્લા રાખ્યા છે.

પહેલી બે પંક્તિઓનો પ્રશ્ન કાવ્યાંતે સ્વરૂપાંતર કરીને ‘ખુદનું શું છે’ બનીને પુનરાવર્તિત થાય છે. આપણી પાસે આપણું કંઈ જ નથી. ‘લોઢું લેવું’ અર્થાત્ યુદ્ધ કરવું, લડવું અને ‘લોઢું માનવું’ અર્થાત્ સર્વોપરિતાનો સ્વીકાર કરવો -આ રુઢિપ્રયોગ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં થાય છે. કવિ કહે છે, શરીરમાં જે કંઈ લોઢું છે, એ બધું એ લોકોનું છે, ઉધાર આપીને માલિકીભાવ યથાવત્ રાખનારાઓનું છે, પણ? ધાર? આ લોઢાની ધાર એ તો આપણી પોતાની છે. એ ઉધારની નથી… ખુમારી ભીતરથી આવે છે. સ્વાભિમાન કોઈના બાપની જાગીર નથી.. કેવી અદભુત વાત! આખી કવિતામાં એકમાત્ર ઉધાર અને ધારનો પ્રાસ બેસાડીને કવિએ ‘ધાર’ વધુ ધારદાર બનાવી છે.
*

धार

कौन बचा है जिसके आगे
इन हाथों को नहीं पसारा

यह अनाज जो बदल रक्त में
टहल रहा है तन के कोने-कोने
यह कमीज़ जो ढाल बनी है
बारिश सरदी लू में
सब उधार का, माँगा चाहा
नमक-तेल, हींग-हल्दी तक
सब कर्जे का
यह शरीर भी उनका बंधक

अपना क्या है इस जीवन में
सब तो लिया उधार
सारा लोहा उन लोगों का
अपनी केवल धार ।

-अरुण कमल

23 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    May 23, 2020 @ 2:44 AM

    સુંદર કવિતા. સુંદર અનુવાદ.

  2. Dilip Chavda said,

    May 23, 2020 @ 2:49 AM

    વાહ
    સઘળુ લીધુ ઉધાર….

    સરળ શબ્દોમાં ગહન વાત

  3. Shabnam said,

    May 23, 2020 @ 2:50 AM

    Waaah.. Dhaardaar

  4. Dilip Chavda said,

    May 23, 2020 @ 2:50 AM

    વાહ
    સઘળુ લીધુ ઉધાર….

    સરળ શબ્દોમાં ગહન વાત ને માણવા મળી
    જીવનની વાસ્તવિકતા

  5. નેહા said,

    May 23, 2020 @ 3:05 AM

    મસ્ત કવિતાનો સહજ અનુવાદ..
    વાહ કવિ.

    એક ઉમેરણ કરવાની ગુસ્તાખી….

    અને એ ચાહક
    જેણે જતાવ્યું આ હ્યદયને ચાહવાલાયક !!

  6. Kavita shah said,

    May 23, 2020 @ 3:25 AM

    ધાર આ કાવ્યને ધાર આપે છે👌🏻

  7. Vijay Trivedi said,

    May 23, 2020 @ 3:27 AM

    વાહ! ખૂબ ચોટદાર વિવરણ.

  8. Kajal kanjiya said,

    May 23, 2020 @ 3:51 AM

    એક જ સત્ય છે કે અહીં બધા એક બીજાનાં ૠણ ચૂકવવા જ જન્મેલા છીએ

    ખરેખર ખૂબ સરસ રચના…..આસ્વાદ પણ ખૂબ સરસ અભિનંદન 💐

  9. કિશોર બારોટ said,

    May 23, 2020 @ 4:01 AM

    આરપાર ઉતરતી ધારદાર કવિતા.
    વાહ, ખૂબ સરસ

  10. chetan shukla said,

    May 23, 2020 @ 5:15 AM

    કવિતાની ધાર ને
    રાખી બરકરાર

  11. Meena Chheda said,

    May 23, 2020 @ 5:24 AM

    કવિએ ઉધાર અને ધારની વાત એટલી સચોટ રીતે કહી છે… સાદા શબ્દોના ઉપયોગ થકી ગહન વાત .. આ વાંચ્યું ન હોત તો માનવામાં પણ ન આવત કે આવા નમક તેલ જેવા શબ્દોનો ઉપયોગ કરીને વાતની ધાર હૈયે સુધી પહોંચાડે છે. અનુવાદની ધાર શક્તિ પણ એટલી જ સ્પર્શી છે.

  12. હરિહર શુક્લ said,

    May 23, 2020 @ 6:44 AM

    બહુ સરસ કવિતા, એનો અક્ષરશઃ અનુવાદ અને આસ્વાદ 👌💐

  13. ભરત શાહ said,

    May 23, 2020 @ 9:01 AM

    બધું ઉધારી નું છે પણ ધાર પોતાની છે સ્વાભિમાન સ્વ નું છે. ખુબ સુંદર.

  14. pragnajuvyas said,

    May 23, 2020 @ 9:38 AM

    ધાર કવિ – અરુણ કમલની સુંદર રચના
    ડૉ . વિવેકજી નો સ રસ ભાવાનુવાદ અને આસ્વાદ
    સાદા શબ્દોના ગહન વાત ..
    અભિનંદન

  15. Poonam said,

    May 23, 2020 @ 12:27 PM

    લોઢું સઘળું એ લોકોનું
    આપણી તો બસ ધાર

    – અરુણ કમલ mast anyvaad sir ji 👌🏻

  16. Nehal said,

    May 23, 2020 @ 3:32 PM

    Waah…વેધક કાવ્ય અને અનુવાદ

  17. Bharat Bhatt said,

    May 23, 2020 @ 10:22 PM

    સુંદર ધારદાર કવિતા . ડૉ. વિવેકનો સુંદર અને સચોટ ભાવાનુવાદ.
    “લોઢું બસ એ લોકોનું
    આપણીતો બસ ધાર .
    ધાર શબ્દ નો પ્રયોગ ધારદાર, કટાક્ષમય નથી લાગતો ?

  18. Vinod manek Chatak said,

    May 24, 2020 @ 9:43 AM

    Kya chij tumhe me pesh karu?
    Ye dil bhi tumhara hai
    Ye jan bhi tumhari hai..
    Khoob Dhardar Rachna.
    Salute you both

  19. Vinod manek , Chatak said,

    May 24, 2020 @ 9:47 AM

    Kya chij tumhe me pesh karu?
    Ye dil bhi tumhara hai
    Ye jan bhi tumhari hai.
    Wah jordar ,Dhardar Rachna
    Salute you both

  20. મહેન્દ્ર એસ.દલાલ said,

    May 25, 2020 @ 6:21 AM

    અતિ સુન્દર બન્ને કાવ્ય અને અનુવાદક

  21. Harshad said,

    May 25, 2020 @ 2:59 PM

    Meaningful!! Like it.

  22. Prof. K J suvagiya said,

    May 28, 2020 @ 6:26 AM

    બહુંત અચ્છે વિવેક ભાઈ!
    હું આપનો નિયમિતપણે અનિયમિત વાચક, ચાહક છું!
    આપની કાવ્ય પસંદગી અને પ્રસ્તુતિ હંમેશા આસ્વાદ્ય હોય છે.
    ખાસ કરીને વિશ્વ કવિતામાં ભારતીય કવિતાની પસંદગી
    એ મારો અનુરાગ હતો, પક્ષપાત હતો,
    આપે ભારતીય કવિતાઓનું આચમન કરાવવાનું શરૂ કરીને
    મારી ઇચ્છાની પૂર્તિ કરી છે! આપનો ખૂબ ખૂબ આભાર!

    આજની કવિતા વિશે કહું તો અરુણ કમલ જી,
    આધુનિક હિન્દી સાહિત્યના એક ‘ધાર’દાર કવિ છે.
    જેની ધાર આપે બરાબર ઓળખી છે !

    એક બીજી વાત કે મારી સમજ પ્રમાણે
    આ કાવ્યના અગાઉના બન્ને અંતરામાં પણ પ્રાસ પ્રયોજ્યા છે,
    પણ તેમની આગવી શૈલીથી!
    જેથી મુખડું અને ત્રણે અંતરાના લય અલગ થઈ જાય છે!
    तन के कोने-कोने
    बारिश सरदी लू में
    हींग-हल्दी तक
    शरीर भी उनका बंधक

  23. વિવેક said,

    May 28, 2020 @ 8:40 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

    આદરણીય પ્રોફેસરસાહેબ,
    આપની વાત સાચી છે… એ પ્રાસ મારા ધ્યાન બહાર રહી ગયા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment