તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

મેં તો- – મનોહર ત્રિવેદી

મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?

ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં

છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.

– મનોહર ત્રિવેદી

કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…

5 Comments »

  1. Nehal said,

    April 17, 2020 @ 10:41 AM

    ખૂબ સુંદર રચના.

  2. Kajal Kanjiya said,

    April 17, 2020 @ 12:39 PM

    વાહહહ

  3. pragnajuvyas said,

    April 17, 2020 @ 2:32 PM

    ઉપાસક આરાધક અને સાધક કવિશ્રી મનોહર ત્રિવેદીનુ મેં તો આંખોને કહી દીધું સાનમાં :મધુરુ ગીત. .
    જે ગીતના શબ્દમાં ભાવકને પોતાની સંવેદનાનો રણકો સંભળાય એ ગીત લોકપ્રિય બને. આ વાત તેમના ગીત માટે પણ સાચી ઠરે છે.
    .…
    ડૉ વિવેકજીનો મધુરતમ આસ્વાદ

  4. લલિત ત્રિવેદી said,

    April 18, 2020 @ 3:06 AM

    સુંદર મનોહર ગીત… મને ખૂબ ગમતા કવિ… આનંદ

  5. Prajapati Bharat said,

    November 7, 2020 @ 2:26 AM

    વાહ સરસ..ગીત ..પ્રેમલક્ષણા ભક્તિનું આ ગીત ભાવમય છે કવિને ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment