(અંધારું હતું) – હર્ષદ ત્રિવેદી
આ જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે જ અંધારું હતું.
ભીતરે દરિયો હતો, બારું હતું,
નાવડું એથી તો નોંધારું હતું.
કોઈ ઈથર જેમ ઊડી જાય એ-
ધારણા માટે ઘણું સારું હતું!
આપણે તો માત્ર પગરવ સાંભળ્યો,
જે ગયું તે સાવ પરબારું હતું.
હોય, તેઓ પણ કદી આવી શકે,
છેવટે આ ઘર તો સહિયારું હતું.
– હર્ષદ ત્રિવેદી
ખારું એટલે આમ તો જરૂરિયાતથી વધારે મીઠું પડી ગયું હોય એવા ખારા સ્વાદવાળું. પણ ખારુંનો બીજો અર્થ અકારું, અપ્રિય અને અદેખું પણ થાય. બે જણની વચ્ચે અજવાસ ન હોય, કેવળ ગેરસમજણોનું અંધારું જ પ્રવર્તતું હોય તો દુનિયા અકારી લાગે, ખારી લાગે, બેસ્વાદ લાગે એમાં શી નવાઈ? માર્ગ અને મંઝિલ –બંને આપણી ભીતર જ છે, પણ આપણૉ પ્રવાસ કાયમ બહારનો હોવાથી આપણી જિંદગી નોંધારી જ વીતે છે. જે ભીતરના સમંદરમાં તરી શકે એને મુક્તિના બારે નાંગરતા કોણ રોકી શકે? ખુલ્લું રખાતા ઊડી જવાના ઈથરના રાસાયણિક ગુણધર્મને આધાર બનાવી ધારણાઓના ક્ષણજીવી હોવા બાબતે હાશકારો વ્યક્ત કર્યો છે. ઇચ્છા ચિરંજીવી બની રહે તો તણાવનું કારણ પણ બની શકે. છેલ્લા બે શેર પણ સહજ સાધ્ય થયા છે.