બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
– રઈશ મનીઆર

ગઝલ – હર્ષદ ત્રિવેદી

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

– હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..

(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)

13 Comments »

  1. Pinki said,

    October 25, 2007 @ 1:53 AM

    ‘શબ્દસૃષ્ટિ’ ને તો માણીએ પણ,

    આજે એમના શબ્દોની સૃષ્ટિ માણવાની મજા જ અનેરી છે.

    દરેક શેરમાં વિરોધાભાસ નાજુક રમત રમી જાય છે !!

  2. pragnajuvyas said,

    October 25, 2007 @ 9:00 AM

    ટહુકો.કોમ પર કાળું ગુલાબ અને તારે નહીં માણ્યાં હતાં.
    તેમનું “શાલિગ્રામથી લસણિયો મસાલો ન વટાય ! ” તો કહેવતની જેમ વાપરીએ અને
    ” કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
    અને મારામાં કાંકરી ખૂંચે છે! ”
    “મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ,
    એક નાવ ખાલી સોંપી ને પાછો ફરી ગયો.”
    એ ગમતી પંક્તીઓ વાળા હર્ષદ ત્રિવેદીની સર્વાંગ સુંદર ગઝલ માણી.
    …નાજુક રમતને મેં તો ગુમાવી હશે,છાની જ્યોત પ્રગટાવી હશે, કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે ! આ વિરોધી નજાકતમાં દહેશત શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે ! નવા અંદાઝમાં રજુ કરી શીરમોર જેવો શેર …
    છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
    પાંખ પંખીઓએ આખી રાત ફેલાવી હશે !
    વાહ

  3. ભાવના શુક્લ said,

    October 25, 2007 @ 10:11 AM

    આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
    તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

    હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
    શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

    છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
    પાંખ પંખીઓએ આખી રાત ફેલાવી હશે !
    ………………………………………….
    સવાલ…શક્યતા અને પુરા વિશ્વાસ સાથેનો ઉકેલ ત્રણે પંક્તિમા…
    ખુબ ખુબ સરસ…

  4. ઊર્મિ said,

    October 25, 2007 @ 1:37 PM

    સુંદર ગઝલ… છેલ્લો શેર સાચે જ શિરમોર…

    છંદનો એક સવાલ… તારા માટે પ્રિય વિવેક!

    “શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !” મિસરામાં લઘુ અક્ષર ‘મૃ’ ને ગા તરીકે લેવામાં આવ્યો છે, જેનાથી અહીં છંદ અને લય તૂટતો હોય એવું નથી લાગતું??

  5. રઈશ મનીઆર said,

    October 25, 2007 @ 9:03 PM

    સુન્દર ગઝલ. દરેક શેર ગમ્યો.
    છન્દ વિશેની ઉર્મિની કોમેંટ સાથે સહમત છું. ‘મૃગ’ ગાલ ની જગ્યાએ ગા તરીકે લેવાય એ વધુ યોગ્ય ગણાય.

  6. ધવલ said,

    October 25, 2007 @ 11:05 PM

    સરસ ગઝલ… ને આ શેર તો બહુ જ ગમી ગયો !

    હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
    શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

  7. devang trivedi said,

    October 26, 2007 @ 12:57 AM

    ખરેખર વિરોધાભાસનો બહુ સરસ ઉપયોગ કર્યો છે.
    તેથી ગઝલ માણવાલાયક બની છે.

  8. વિવેક said,

    October 26, 2007 @ 1:30 AM

    ઊર્મિ,

    તારી છંદ વિશેની સમજણ ખાસ્સી પાકટ બનતી જતી દેખાય છે. દરેક ગઝલોનો આજ રીતે અભ્યાસ કરતી રહેશે તો તારી ગઝલોમાં પ્રવાહિતા વધતી જશે…

  9. Viral said,

    October 26, 2007 @ 5:50 AM

    છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
    પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

    ખુબ ખુબ ખુબ જ સરસ્

  10. KAVI said,

    October 28, 2007 @ 11:58 AM

    સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
    શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

    છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
    પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

    આખઈ ગઝલ ગમી…

  11. Anil Chavada said,

    October 28, 2007 @ 12:00 PM

    સાદ્યન્ત સુન્દર ગઝલ.

  12. sures parmar said,

    April 10, 2008 @ 8:02 AM

    nice

  13. nilam doshi said,

    December 5, 2009 @ 3:35 AM

    સ્પર્શી જાય તેવી ગઝલ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment