ત્રણ પંચપદી – હર્ષદ ત્રિવેદી
કદી તો અમારે વિશે કૈં વિચારો,
અહીં રૂના ઢગમાં પડ્યો છે તિખારો;
પરિસ્થિતિ કાયમની આવી રહી છે,
ને બાકી ગઝલ એક ગાવી રહી છે;
ન દીઠો કદી કોઈએ આ નઝારો !
* * *
આપણી વચ્ચેની દૂરી ક્યાં ગઈ ?
જાળવેલી એ સબૂરી ક્યાં ગઈ ?
એમ લાગ્યું રણઝણે છે કોઈ સાજ,
સાંભળ્યો મેં દૂરથી તારો અવાજ;
બંદગીનો જીહજૂરી ક્યાં ગઈ ?
* * *
અલગ કંપ લાગ્યો મને આ ધરામાં,
તમે પગ મૂક્યો જ્યારથી ઉંબરામાં;
જગતને અમે જાગતું જોઈ લીધું,
કદી છાને ખૂણે જઈ રોઈ લીધું,
રહ્યું ના અજાણ્યું કોઈ જાતરામાં !
-હર્ષદ ત્રિવેદી
મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે…
pragnajuvyas said,
December 2, 2007 @ 8:57 PM
હર્ષદ ત્રિવેદીની ત્રણૅય પંચપદી -ગમી
જાણે કહેતી હોય…
પ્રથમ તપવાનું,
તરસવાનું,
ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.
nilam doshi said,
December 4, 2007 @ 2:56 AM
અખન્ડ આનન્દના દીપોત્સ્વી અંકમાં છપાયેલ આ પંચપદી અહીં ફરી એક્વાર વાંચવાની મજા માણી.
યસ..ઉપર કહ્યું છે તેમ બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે. અને અહીં એ રણકો અનુભવી શકાય છે.