ત્રિપદી – મુકેશ જોષી
પ્રેમ કરશો તો તમોને મોક્ષ મળશે
પાટિયાં દુકાન પર ચીતરાયેલાં છે
લાગણી પણ અહીં ઝેરોક્ષ મળશે
જિંદગીનો અર્થ એથી તો કશો ના નીકળે
ઉષ્ણ જળમાંથી બરફ કરવા યુવાની વાપરો
ને, બરફ જેવો બુઢાપો ટીપે ટીપે પીગળે
ઝાડ નામની ઑફીસ ઉપર પવન-કાયદા જોયા છે ?
લીલમ્ -લીલા કામ કરે પણ અંતે મળતો જાકારો
ઘણાં પાંદડાં રાજીનામું લખતાં લખતાં રોયાં છે.
સૂઈ જતાં પહેલાં સમયસર ખાઈ લે છે
તૃણ, ઝાકળનો સમય પણ સાચવે છે
ઊંઘમાં ને ઊંઘમાં એ નાહી લે છે !
જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વાસમાં એ હોય પણ
તું પવનનું ઘર બતાવે તો ખરો
– મુકેશ જોષી
ત્રિપદી તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. આ પહેલા ઉદયન ઠક્કરની ત્રિપદીઓ જોઈ છે. આ નવા કાવ્ય પ્રકારમાં તાજા કલ્પનો અને ચમત્કૃતિ-સભર રચનાઓ જોવા મળે છે. મને તો આ પ્રકાર ખૂબ ગમે છે. હાઈકુ કરતા અહીં વધારે મોકળાશ છે અને ઉપરાંત છંદનું બંધારણ પણ સચવાય છે એટલે કૃતિ વધારે મજાની બને છે.
આવો જ પ્રયોગ ગુલઝારે હિન્દીમાં કર્યો છે – એને એ ત્રિવેણી કહે છે. એમણે તો ત્રિવેણીઓનો આખો સંગ્રહ પ્રગટ કર્યો છે. જોકે ગુલઝારની ત્રિવેણી આ ત્રિપદીથી થોડી અલગ પડે છે. ગુલઝારની ત્રિવેણી શું છે જાણવા અને થોડી ત્રિવેણીઓ માંણવા માટે હિન્દી બ્લોગર ફરસતિયાસાહેબનો આ પોસ્ટ જોશો.
વિવેક said,
February 14, 2007 @ 2:31 AM
સુંદર ત્રિપદીઓ…
Himanshu said,
February 15, 2007 @ 11:30 PM
Mukesh Joshi is one of the most versatile contemporary poets of our language. He can write ghazals, songs, tripadis, you name it. He is a Himmatnagar soul stuck in Mumbai – and his poetry shows his exposure to the small town Gujarat.
Please post more from him. Do you have his – “pachika ramatiti” poem?
લયસ્તરો » દીકરી - ઉદયન ઠક્કર said,
February 23, 2007 @ 11:28 PM
[…] થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે ! […]
Neela Kadakia said,
April 14, 2007 @ 12:28 AM
સુંદર ત્રિપદી છે. આનંદનો અનુભવ થયો.
લયસ્તરો » ત્રણ પંચપદી - હર્ષદ ત્રિવેદી said,
December 2, 2007 @ 1:10 AM
[…] મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે… […]