પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

અજવાળાંના દેશે – હર્ષદ ત્રિવેદી

ઝીણી ને મધુરી વાગે ઘંટડી,
.            ધોરી ડમણું ખેંચે રે જૂના ગામનું,
.                       અણજાણ્યા મારગની કેડી સાંપડી…

અજવાળાના દેશે સાજણ સંચરો,
.            ઝલમલ વાણાં વાયે રે આઠે પ્હોર,
.                       અંજાતી આંખ્યુંમાં સૂરજની છડી…

સાદ કરી બોલાવે ઊંડી શેરિયું,
.            ખલકામાં ખોવાવું ધરવી ધાણ્ય જો,
.                       ઝાકળની ઝળહળમાં દેખું વા-ઝડી…

અળગા રે થાવું ને ભળવું ભેદમાં,
.            અંઘોળે અંઘોળે મનખો માંજવો;
.                       પલકારો પામ્યાની આવી રે ઘડી…

નરી રે નજરુંથી ભાળું ભળકડે,
.            હાથ રે લંબાવું છેટાં જોજનો,
.                       સૂનાં રે સપનાં ને સૂની આંખડી…

– હર્ષદ ત્રિવેદી

ઉંમરનું નાકું આવી લાગ્યું છે. આ ગાડું જૂનું થયું છે પણ ન થવાનું થયું છે. પાકટ વયે અજાણ્યા માર્ગની કેડી સાંપડી છે ને આતમરામ નામનો બળદ ખખડધજ ડમણિયાંને ઝીણી ને મધુરી ઘંટડી સાથે આ નવા મારગ પર ખેંચી લઈ જઈ રહ્યો છે… આ અણજાણ્યા મલકમાં સૂરજ ઊગી ચૂક્યો છે, અજવાળું જ અજવાળું છે. આધ્યાત્મની ઊંડી શેરીઓ જ્યારે સાદ કરીને બોલાવતી હોય ત્યારે ફકીરમાં-ગુરુમાં ખોવાઈ જવાનું હોય, એમને અર્ધ્ય આપવાનું હોય… આમ કરીએ તો ઝાકળમાં પણ વાવાઝોડું નજરે ચડે… યશોદાને મુખમાં બ્રહ્માંડ નહોતું દેખાયું? ‘હું’થી અળગાં થઈને મર્મજ્ઞાનમાં ભળવાનું છે, મનખાને માંજવાનો છે કેમકે પલકારો પામવાની ઘડી આવી ઊભી છે… વીજળીના ઝબકારે મોતીડાં પરોવવાનાં છે…

આધ્યાત્મની વાત બાજુએ મૂકીએ તો પણ ગીત એના લય અને મોટાભાગની પંક્તિઓમાં જોવા મળતી વર્ણસગાઈના આંતર્લયના કારણે વધુ આસ્વાદ્ય બન્યું છે.

ધોરી – બળદ
ડમણું – ગાડું
ખલકો – ફકીરનો ઝભ્ભો, કાયા
ભેદ – મર્મજ્ઞાન; એકત્વરૂપમાં પરિણત પુદ્ગલપિંડ (સ્થૂલ શરીર)નો વિભાગ થવો તે. પુદ્ગલ સ્પર્શ, રસ ગંધ અને વર્ણવાળા હોય છે તથા તે શબ્દ, બંધ, સુક્ષ્મત્વ, રથૂલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. ભેદના પાંચ પ્રકાર છે: ઔત્કરિક, ચોર્ણિક, ખંડ, પ્રતર અને અનુતર. (ભગ્વદ્ગોમંડલમાંથી સાભાર)
અંઘોળ – સ્નાન
ભળકડું – ભડભાખળું, પ્રાતઃકાળ

3 Comments »

  1. pragnaju vyas said,

    December 1, 2017 @ 3:29 PM

    અળગા રે થાવું ને ભળવું ભેદમાં,
    . અંઘોળે અંઘોળે મનખો માંજવો;
    . પલકારો પામ્યાની આવી રે ઘડી…
    ખૂબ સુંદર આધ્યાત્મ દર્શન
    મર્મજ્ઞાન; એકત્વરૂપમાં પરિણત પુદ્ગલપિંડ નો વિભાગ થવો તે. પુદ્ગલ સ્પર્શ, રસ ગંધ અને વર્ણવાળા હોય છે તથા તે શબ્દ, બંધ, સુક્ષ્મત્વ, રથૂલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. ભેદના પાંચ પ્રકાર છે: ઔત્કરિક, ચોર્ણિક, ખંડ, પ્રતર અને અનુતર

  2. સુરેશ જાની said,

    December 1, 2017 @ 3:51 PM

    સરસ, તળપદા શબ્દો અને સરસ ભાવની એમાં સરસ માવજત. કવિતા ગમી ગઈ.

  3. Jayendra Thakar said,

    December 1, 2017 @ 5:00 PM

    મનખો માંજવાની મીઠી વાત કવિ એક જાદુગરની સિફત કે સરળતા કહી જાય છે. કેવી સરસ કવિતા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment